Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

લાઠી-બાબરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં મોટું ગાબડું : કોંગ્રેસના 500 કાર્યકર્તા ભાજપમાં જોડાયા

જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ મનસુખ પલસાણા, તાલુકા પંચાયતના સદસ્ય જતીન ઠેસિયા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હરેશ શિયાણી અને એપીએમસીના પૂર્વ ચેરમેન પુનિત પલસાણા સહિતના કોંગી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

અમરેલીની લાઠી-બાબરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સહિત 500 કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે.

 અમરેલી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ મનસુખ પલસાણા, તાલુકા પંચાયતના સદસ્ય જતીન ઠેસિયા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હરેશ શિયાણી અને એપીએમસીના પૂર્વ ચેરમેન પુનિત પલસાણા સહિતના કોંગી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે.

 આ પ્રસંગે ભાજપ નેતા અને સહકારી નેતા દિલીપભાઈ  સંઘાણી, પૂર્વ મંત્રી બાવકુ ઊંધાડ સહિતના નેતાઓએ કોંગ્રેસનાં કાર્યકર્તાઓને કેસરી ખેસ પહેરાવીને આવકાર્યા હતા. જ્યારે કોંગ્રેસ એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતિનું લાઠી બાબરા બેઠક પર નિર્માણ થયું છે. તેમજ કોંગ્રેસમાં ભંગાણ પાડીને દિલીપ સંઘાણીએ ભાજપને મજબૂત કરવા કવાયત હાથ ધરી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ઢોલ વાગી ચૂક્યો છે, ત્યારે મતદારોના મત અંકે કરવા રાજકીય પાર્ટીઓ શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. એક તરફ 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ સત્તા કાયમી રાખવા મથામણ કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ ફરીથી ગુજરાતની ગાદી જીતવા એડીથી લઈને ચોટી સુધીનું જોર લગાવી રહી છે તો આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પગપેસારો કરવા મથામણ કરી રહી છે. ભાજપે પ્રચાર માટે વડાપ્રધાન મોદી સહિતના કેન્દ્રીય નેતાઓની ફોજ ઉતારી છે.

(10:14 pm IST)