Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ઉના યાર્ડમાં સ્થાનિક મજૂરોને છૂટા કરીને પરપ્રાંતિય મજૂરોને બોલાવતા રોષઃ રજૂઆત

ઉના તા. ર૩ :.. માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદવામાં સ્થાનીક મજૂરોને છૂટા કરી બીજા રાજયમાંથી મજૂરોને બોલાવતા સ્થાનીક શ્રમિકોએ આવેદન પત્ર આપી સ્થાનીક મજૂરોને રોજીરોટી આપવા માંગણી કરી છે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં છૂટક મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા મજૂરો લોકડાઉનને કારણે ૭ મહીનાથી બેકાર બેઠા છે. અને આવતા દિવસોમાં ઉના માર્કેટીંગ યાર્ડમાં સરકાર દ્વારા ટેકાનાં ભાવે મગફળી ખરીદવાની શરૂ કરાશે ત્યારે વરસોથી મગફળીની ગુણો ખોલી જોખી, પેક કરી ગોઠવવાની મજૂરી સ્થાનીક ૬૦ થી વધુ મજૂરો કરતા હતા. ૧ ગુણીએ રૂા. ૧૬ ગત વરસે ચુકવેલ હતાં. આ વરસે માર્કેટીંગ યાર્ડના કોન્ટ્રાકટર દ્વારા સ્થાનીક મજૂરોને કામ આપવાના બદલે બીજા બહારના રાજયો  માંથી શ્રમિકો યુ. પી.થી બોલાવી. ઓછા ભાવે કામ કરાવે છે. અને કોન્ટ્રાકટર અને યાર્ડનાં કોઇ મળતીયા ઓછી મજૂરીમાં નફાખોરી કમીશનખોરી હોય તેવી શંકા છે.  તેથી સ્થાનીક ક્ષમીક મજૂરો કાસમશા હુશેનશા, અંજાજ રફીકભાઇ, સબીર, જુબેર, હનીફભાઇ વિગેરે ૬૦થી વધુ શ્રમિકોએ જીલ્લા કલેકટરશ્રીને લખેલ આવેદન પત્ર ઉનાની પ્રાંત કચેરીએ જઇ શિરેસ્તીદાર અજીતભાઇ જોશીને આપી માંગણી કરી છે. કે જો યાર્ડમાં મગફળી જોખવા, ઉપાડવામાં સ્થાનીક શ્રમિકોને મજૂરી કામે નહી રખાય તો હકક માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા ચીમકી આપી હતી.

(10:54 am IST)