Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ગીર સોમનાથમાં ૧૮૧ મહિલા હેલ્‍પલાઈને બે વર્ષના બાળકનો કબ્‍જો માતાને અપાવ્‍યો

 પ્રભાસ પાટણતા,તા.૨૩ : ગીર સોમનાથમાં ૧૮૧ મહિલા હેલ્‍પલાઈને બે વર્ષના બાળકનો કબ્‍જો માતાને અપાવી સુખદ સમાધાન કરાવ્‍યુ હતું. વેરાવળ તાલુકાના એક ગામમાંથી મહિલાએ ૧૮૧ ફોન કરી મદદ માંગતા ઈણાજ એસ પી કચેરી ખાતે કાર્યરત ૧૮૧ મહિલા હેલ્‍પલાઈન તેમની ટીમ સાથે તુરંત ઘટના સ્‍થળે દોડી ગયા હતા.  તેમજ સ્‍થળ પર મહિલાનુ કાઉન્‍સેલિંગ કરતા મહિલા એ જણાવ્‍યું હતું કે, મહિલા છ વર્ષથી લગ્ન કરી સાસરે આવી હતી અને મહિલાને બે બાળકો હોય પરંતુ મહિલાના સાસુ અને નણંદ મહિલાના પતિને કાનભંભેરણી કરી ઝઘડા કરાવતા હતા. તેથી મહિલા પરીવારથી અલગ રહેવા જતા રહ્યા હતા. પરંતુ અલગ થવા છતાં પણ મહિલાના પતિ અને સાસુ, નણંદ વારંવાર માનસિક-શારિરીક ત્રાસ આપતા હતા અને મહિલાને મારકૂટ કરી મહિલા ના બે વર્ષના બાળક ને જબરજસ્‍તી લઈ મહિલાને ઘર બહાર કાઢી મૂકવામાં આવી હતી. તેથી મહિલાએ ૧૮૧ મહિલા હેલ્‍પલાઈન માં ફોન કરી મદદ માંગી હતી.

 ૧૮૧ મહિલા હેલ્‍પલાઈનના કાઉન્‍સેલર દ્વારા મહિલાના પતિ અને સાસુ નણંદ ને કાયદાકીય માહિતી આપી સમજાવી તેમના સમાજના આગેવાનોની હાજરીમાં બંને પક્ષોને સામસામે બેસાડી નાના મોટા ઝઘડા ના -પ્રશ્‍નોનું નિવારણ લાવી બે વર્ષના બાળકનો કબ્‍જો માતાને અપાવી ભવિષ્‍યમાં ફરી કોઈ માનસિક શારિરીક ત્રાસ નહીં આપે તેવી લેખીત બાંહેધરી લઇ સુખદ સમાધાન કરાવ્‍યુ હતુ.

(11:07 am IST)