Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

દ્વારકા જિલ્લાના દરિયામાં માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા કાર્યવાહી : અનેક માછીમારો સામે ગુના નોંધાયા

(કૌશલ સવજાણી દ્વારા) જામખંભાળિયા તા. ૨૩ : તાલુકાના વાડીનાર ગામે રહેતા અસલમ નૂરમામદ સુંભણીયા નામના ૩૧ વર્ષના વાઘેર માછીમાર યુવાન દ્વારા પોતાના કબજા ભોગવટાની માછીમારી બોટ અલ મોહમ્‍મદ'માં ટોકન લીધા વગર માછીમારી કરવા જતા તેની સામે ગુજરાત મત્‍સ્‍યોદ્યોગ સુધારા વટહુકમ હેઠળ ગુનો નોંધાયો છે.

દ્વારકાના રૂપેણ બંદર વિસ્‍તારમાંથી પોલીસે હુશેની ચોક ખાતે રહેતા દાઉદ ઓસમાણ ઇસ્‍માઈલ ભેંસલીયા (ઉ.વ. ૪૭) સામે નોંધેલા ગુનામાં ઉપરોક્‍ત શખ્‍સ દ્વારા તેની જીલાની જહાન નામની માછીમારી કરવાની બોટમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરી, બોટમાં સેફટીના સાધનો કે લાઇફ જેકેટ અને અગ્નિશમન સાધનો રાખ્‍યા વગર, બોટનું રજીસ્‍ટ્રેશન કરાવ્‍યા વગર, બોટનું ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્‍યા વગર તેમજ માછીમારીનું ટોકન લીધા વગર માછીમારી કરવા જવાના કારણે પોતાનું તથા પોતાની સાથે રહેલા ખલાસીઓના જીવનું જોખમ હોવાનું જાણવા છતાં આ પ્રકારે ગુનાહિત પ્રકારની મનુષ્‍યવધની કોશિશ પ્રકારના આ પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકમાં ઉપરોક્‍ત આરોપી દાઉદ ઓસમાણ સામે આઈ.પી.સી. કલમ ૩૦૮ તથા ગુજરાત મત્‍સ્‍યોદ્યોગ કાયદાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

દ્વારકાના રૂપેણ બંદર વિસ્‍તારમાંથી શાંતિનગર વિસ્‍તારમાં રહેતા હુસેન ઓસમાણ બુખારી (ઉ.વ. ૬૦), અશરફ અકબર ઈબ્રાહીમ પુના (ઉ.વ. ૧૮), હારૂન જુમા અલારખા ભેંસલીયા (ઉ.વ. ૫૫), અબાસ કાસમ જુમા (ઉ.વ. ૩૫), રજાક હુસેન સુલેમાન જમાદાર (ઉ.વ. ૨૬), આલી રાણા અલારખા ભેસલીયા, હમજા હનીફ કાસમ પટેલીયા (ઉ.વ. ૨૪), હાજી સિદિક ઓસમાણ ભેસલીયા (ઉ.વ. ૨૩), હુસેન અયુબ ભેંસલીયા (ઉ.વ. ૩૦) અને અબ્‍દુલ સુલેમાન જાકુબ પટેલિયા (ઉ.વ. ૪૦) નામના માછીમારોને ટોકન વગર માછીમારી કરવા સહિતના ગુનામાં દ્વારકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ઓખામાં નેતરના પુલ પાસેથી પોલીસે અબ્‍દુલ ગફાર સોઢા (ઉ.વ. ૩૬) ને ઓનલાઇન ટોકન મળ્‍યા મેળવ્‍યા વગર માછીમારી કરવા જતા તેમજ આ જ વિસ્‍તારમાંથી આસિફ હુસેન સંઘાર (ઉ.વ. ૩૫) ને તેમજ આરંભડા વિસ્‍તારના રહીશ નવાઝ જુમા સંઘાર (ઉ.વ. ૨૮) ને જુના ટોકન મુજબ ફરીથી ફિશીંગ કરવા જતા પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્‍યો હતો.

(1:34 pm IST)