Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

મોરબીની જીવાદોરી મચ્છુ ૨ ડેમના ગેટ બદલવામાં આવશે, ડેમ ખાલી કરવા મંજુરી મંગાઈ.

મોરબી :  સૌરાષ્ટ્રના મધર ડેમ તરીકે જાણીતા અને મોરબીની જીવાદોરી સમાન ગણાતા મચ્છુ-૨ ડેમને ઇતિહાસમાં પ્રથમવાર સંપૂર્ણ પણે ખાલી કરવામાં આવનાર છે જે માટેની સૌધાંતિક મંજુરી લેવામાં આવી હોવાની માહિતી મળી છે.

મળતી માહિતી મુજબ સૌરષ્ટ્રના મધર ડેમ તરીકે જાણીતો છે મચ્છુ-૨ ડેમના ગેટ બદલવાના હોવાના કારણે ડેમ ખાલી કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો હોવાની માહિતી મળી છે તો સિંચાઈ વિભાગના અધિકારી વિજય ભોરણીયા સાથે વાત ચિત કરતા તેમણે જણાવ્યું હતું કે મચ્છુ ૨ ડેમના ૫ દરવાજા બદલવાના હોવાથી મોરબી સિંચાઈ વિભાગ દ્વારા રાજ્ય સરકાર પાસે સૈધાંતિક મંજુરી લેવામાં આવી છે મંજુરી આવ્યા બાદ ડેમ ખાલી કરવાની પ્રક્રિયા કરવામાં આવશે.
મોરબીની શાન ગણાતા મચ્છુ-૨ ડેમમાં જુના ૧૮ અને નવા ૨૦ મળીને કુલ ૩૮ દરવાજા છે. જે પૈકી ૫ ગેટ બદલવાના હોવાથી ડેમ ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ડેમમાં ૫૦% જળ સંગ્રહ રહેલ છે. અને ૧૫ એપ્રિલ બાદ ડેમ ખાલી કરવામાં આવે તેવી વિચારણા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
એક તરફ વરસાદ ખેડૂતોને પરેશાન કરી રહ્યો છે તો બીજી તરફ ઉનાળો પણ આગ ઓપતી ગરમીને લઈને આવી રહ્યો છે આવા સમયે જો ડેમ ખાલી કરવામાં આવશે તો મોરબીના નાગરિકોને કઈ રીતે પાણી મળશે તે મુદ્દો પણ ચિંતન તુલ્ય છે તેથી પાણી વિતરણ વ્યવસ્થા ભાંગી ન પડે એ અંગેની વિચારણા હાલ સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહી છે.

   
(12:50 am IST)