Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

માલિયાસણ પાસે મોડી રાત્રે એસ.ટી. બસ પર બુકાનીધારી ૧૦ શખ્સોનો પથ્થરમારો

૫૦ મુસાફરો સાથેની કેશોદ-દાહોદ રૂટની બસ પર પાણાવારી થતાં મુસાફરો ભયભીતઃ ગુનો નોંધાયોઃ ડ્રાઇવર કહે છે-એ શખ્સો કંઇપણ બોલ્યા નહોતાં: પથ્થરમારો કરનારાનો હેતુ પદ્માવત ફિલ્મનો વિરોધ કરવાનો કે પછી તેની આડમાં કોઇ ટીખળીઓ તોડફોડ કરી ગયા?

રાજકોટ તા. ૨૩: રાજ્યમાં કોઇપણ પ્રકારનું આંદોલન હોઇ એસ.ટી. બસને નિશાન બનાવવામાં ટોળુ અગ્રેસર હોય છે. હાલમાં પદ્માવત ફિલ્મનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે કરણી સેના અને ક્ષત્રિય સમાજ આ ફિલ્મ રાજકોટમાં રિલીઝ ન થાય તે માટે લડત ચલાવી રહ્યા છે. બીજી તરફ આ આંદોલનની આડમાં કેટલાક લેભાગુઓ પણ જાહેર મિલ્કતને નુકસાન કરવા માંડતાં હોય છે. ગત રાત્રે પોણા બારેક વાગ્યે કુવાડવા રોડ માલિયાસણથી અડધો કિ.મી. આગળ રાજકોટ-અમદાવાદ હાઇવે પર કેશોદ-દાહોદ રૂટની એસ.ટી. બસને બાઇક પર આવેલા ૧૦ જેટલા બુકાનીધારી શખ્સોએ આંતરી પથ્થરમારો કરી આગળનો કાચ ફોડી નાંખતાં અંદર બેઠેલા ૫૦ જેટલા મુસાફરો ભયભીત થઇ ગયા હતાં. જો કે પથ્થરમારો કરનારા કંઇપણ બોલ્યા ન હોઇ આ શખ્સો પદ્માવત ફિલ્મનો વિરોધ કરનારા હતાં કે પછી તેની આડમાં ટીખળ કરનારા? તે અંગે તપાસ થઇ રહી છે.

સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'પદ્માવત'ની રિલીઝ સામે કરણી સેનાએ ઉઠાવેલા વિરોધને પગલે ચાર રાજ્યોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો હતો. પણ સુપ્રિમ કોર્ટએ પ્રતિબંધ હટાવી લીધો હતો. જો કે રાજકોટ સહિત સોૈરાષ્ટ્રભરમાં ક્ષત્રિય સમાજ-કરણી સેના આ ફિલ્મ રિલીઝ ન થાય તે માટે લડત ચલાવી રહ્યા છે. રવિવારે મોરબી રોડ, માધાપર ચોકડી પાસે ટોળાએ રોડ પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યા હતાં. ત્યારે કરણી સેના જીંદાબાદના કેટલાકે નારા લગાવ્યા હતાં. દરમિયાત ગત રાત્રે પોણા બારેક વાગ્યે માલિયાસણ પાસે પચાસ મુસાફરો સાથેની કેશોદ-દાહોદ રૂટની બસને બાઇક પર આવેલા દસ જેટલા બુકાનીધારી શખ્સોએ ઉભી રખાવી હતી અને આગળના કાચ પર પથ્થરમારો કરતાં નુકસાન થયું હતું.

બસના ડ્રાઇવર માંગરોળની આલાપ કોલોનીમાં રહેતાં બિપીનભાઇ જમનાદાસ વ્યાસ (ઉ.૪૫)એ કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણ કરતાં પી.એસ.આઇ. આર. એલ. ખટાણાએ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૪૨૭, ૧૪૩, પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ડ્રાઇવર બિપીનભાઇએ કહ્યું હતું કે પથ્થરમારો કરનારા તમામ શખ્સોએ રેકજીનના જેકેટ પહેર્યા હતાં અને મોઢે રૂમાલ બાંધેલા હતાં. દેકારો મચાવી પથ્થરમારો કર્યો હતો. જો કે આ શખ્સોએ કરણી સેના કે ક્ષત્રિય સમાજ વિશે કોઇપણ સુત્રોચ્ચાર કર્યા નહોતાં.

ત્યારે પથ્થરમારો કરનારા શખ્સોનો હેતુ શું? કોણ હતાં? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)