Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

અમદાવાદમાં ક્રાંતિ થાય કે ન થાય, સૌરાષ્ટ્રમાં અવશ્ય થશે

અમરેલીના માંડવડા ગામે જીજ્ઞેશ મેવાણીએ સભા સંબોધી : દલિત સમાજની માંગણી નહિ સંતોષાય તો રાજયભરમાં ચક્કાજામ, જેલ ભરો આંદોલનની ઉગ્ર ચીમકી

અમરેલી, તા. ર૩ : બગસરાના માંડવડા ગામે દલીત યુવાનના આપઘાત કેસમાં આરોપીઓની ધરપકડ, પરિવારને જમીન ફાળવવી સહિતના મુદ્દે જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિમાં દલીત સમાજ દ્વારા આવેદન પાઠવી સાત દિવસમાં તમામ માંગણી ન સંતોષાય તો રાજયભરના દલીતો ગુજરાતની જેમ અમરેલીમાં ઉતારી ચક્કાજામ કરાવીને જેલભરો આંદોલન કરવા ચીમકી આપી છે.

દલીત સમાજના નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ માંડવડા ગામે દલીત યુવાનના આપઘાત કેસમાં ભોગ બનનારા પરિવારની મુલાકાતે લીધી હતી. ત્યાર બાદ લીલીયા ખાતે તેમણે ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ત્યાર બાદ અમરેલી ખાતે મેવાણીની ઉપસ્થિતિમાં દલીત સમાજ દ્વારા દલીતોની વિવિધ સમસ્યા મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું છે. ભોગ બનનાર પરિવારને તાત્કાલીક જમીન ફાળવવા અને તમામ આરોપીઓની ધરપકડ કરવા માંગણી કરી હતી અને માંગણી ન સંતોષાય તો સાત દિવસ બાદ રાજયભરના દલીતો દ્વારા ઠેર-ઠેર ચક્કાજામ કરાશે અને જેલભરો આંદોલન કરાશે તેવી ચીમકી અપાઇ છે.

એવી જ રીતે દાદા-દાદી પાર્ક ખાતે મેવાણીને જાહેર સભા યોજાઇ હતી. જેમાં જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે અમદાવાદમાં ક્રાંતિ થાય કે ન થાય, સૌરાષ્ટ્રમાં અવશ્ય થશે. મોદીનું વિકાસનું મોલ બોદુ હતું. મોરચો બુલંદ થયો તો ર૦૧૯માં મોદીમયી નહીં બને શકે.

અમરેલીમાં મોદીએ સીવીલ હોસ્પિટલનું ખાનગીકરણ કરી નાખ્યું છે. રામ અને ગૌ ભકતો ઉપર પણ મેવાણીએ આકરા પ્રહારો કર્યા હતાં.

(9:31 am IST)