Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

દુધ મંડળીના ઓડીટર શૌકત હાલારી ૩૦ હજારની લાંચ લેતા ઝડપાયા

કચ્છની સુમરાસર દુધ મંડળીના સંચાલક પાસેથી ઓડીટમાં કવેરી નહિ કાઢવા બદલ લાંચ માંગી'તીઃ સવારે ભુજની ડોસાભાઇ ધર્મશાળામાં લાંચ સ્વીકારતા એન્ટી કરપ્શનના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહીલના માર્ગદર્શન હેઠળ પીઆઇ પરગડુની ટુકડીએ રંગે હાથ ઝડપી લીધાઃ રાજકોટના નહેરૂનગર સ્થિત નિવાસસ્થાને રાજકોટ એસીબી દ્વારા સર્ચ

રાજકોટ, તા., ૨૨: રાજકોટના મદદનીશ જીલ્લા રજીસ્ટ્રાર (મીલ્ક) વિભાગના સ્પેશ્યલ ઓડીટર શૌકત હુસેન હાલારીને આજે સવારે ભુજની ડોસાભાઇ ધર્મશાળામાં ૩૦ હજાર રૂપીયાની લાંચ લેતા એન્ટી કરપ્શન વિભાગે રંગે હાથ ઝડપી લીધા હતા. આ લખાય છે ત્યારે રાજકોટના રૈયા રોડ પર નહેરૂનગર પાસેની અંજની સોસાયટી ખાતેના હાલારીના નિવાસસ્થાને  એસીબી દ્વારા સર્ચ શરૂ કરવામાં આવી છે.

ભુજના સુમરાસર  ગામની દુધ મંડળીના ઓડીટ માટે શૌકત હાલારી આવ-જા કરતા હતા. આ દરમિયાન ઓડીટમાં કવેરી નહિ કાઢવાના મુદ્દે મંડળીના સંચાલક પાસેથી લાંચની માંગણી કરી હતી.

આ બારામાં કેટલીક વખત વાતચીત અને તડજોડ ચાલી હતી. જેની ખાનગી માહીતી એન્ટીકરપ્શન વિભાગને મળતા આજે સવારે એન્ટી કરપ્શન વિભાગ (બોર્ડર વિંગ)ના ઇન્ચાર્જ મદદનીશ નિયામક શ્રી કે.એચ.ગોહીલના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એસીબી પીઆઇ પી.વી.પરગડુ અને ટુકડીએ અત્યંત ગુપ્તતા સાથે છટકું ગોઠવ્યું હતું. જેમાં લાંચની રકમ સ્વીકારતા શૌકત હાલારી રંગે હાથ ઝડપાઇ ગયા હતા. શૌકત હાલારી કલાસ-ર અધિકારી છે. તેમના નિવાસસ્થાને સર્ચ દરમિયાન શંકાસ્પદ વ્યવહારો કે રોકડ મળે છે કે કેમ? તે અંગે વિગતો હવે બહાર આવશે.

(3:25 pm IST)