Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ભાણવડમાં ચાલતા બે નંબરી ધંધા અઠવાડીયામાં બંધ કરાવોઃ માડમ

જાહેર મંચ પરથી જ પોલીસ તંત્રને ચેતવણીઃ પોતાના મત વિસ્તારની જાતે ચોકીદારી કરવાનો ધારાસભ્યનો જનતાને કોલ

ભાણવડ તા.૨૨:વિધાનસભાની ખંભાળીયા-ભાણવડ સીટ પરથી વિજેતા થયેલ કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર અને પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમે મતદારોનો આભાર માનવા યોજેલ જાહેર સભાના મંચ પરથી આક્રમક તેવર બતાવતા ભાણવડમાં ચાલતા તમામ પ્રકારના બે નંબરના ધંધાઓને બંધ કરાવી દેવા પોલીસને એક અઠવાડીયાનું અલ્ટીમેટમ આપી દીધુ છે જયારે પ્રજાને કોઇ પણ માથાભારે તેમજ અસામાજીક તત્વોથી નહિ ડરવા જણાવ્યું હતુ સાથે સાથે પોતે જ હવેથી ૮૧ વિધાનસભા મત વિસ્તારની ચોકીદારી કરશે એવું જાહેરમાં કહ્યું હતું.

માડમે જણાવ્યુ હતું કે, જે જનતએ મને ખોબલે ખોબલે મત આપી ૧૧ હજાર થી વધુમાં જંગી લીડથી જીતાડયો છે એ માટે હું તમામ મતદારોની આભાર માનું છું વધુમાં જણાવ્યું હતું કે, મારે ચુંટણી જીતવા માટે કોઇ ગેરમાર્ગ કે અનિતિનો માર્ગ અપનાવવાની જરૂર ન હતી તેમજ માફિયાઓ કે દાદાઓના જોરે પણ નહિ પણ લોકોના પ્રેમને કારણે જીત્યો છું. જયારે જયારે મેં જે જગ્યાએ લોકસંપર્ક કે મીટીંગ યોજી હતી ત્યાં પ્રજાએ ઉમળકાથી આવકાર આપ્યો હતો એટલું જ નહિ એ જ ઉમળકાથી મતપેટી પણ છલકાવી એટલે હું જીત્યો છું.

જનતાને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, જે પ્રેમ આપી, મારામાં વિશ્વાસ રાખી ચુંટી કાઢેલ છે તે પ્રેમ તે વિશ્વાસને ખોટો નહિ ઠરવા દયે. જનતા નિર્ભિક બની શહેરમાં દહેશત ફેલાવતા અસામાજીક તત્વો, દાદાઓ, માફિયાઓ તેમજ દારૂ-જુગાર-વરલી ના ધંધાઓની ખાતરીબધ્ધ માહિતી આપશે તો માહિતી આપનારનું નામ ગુપ્ત રાખી તે પોતે પોલીસ સાથેરેડ કરશે અને જો સ્થાનિક પોલીસ સાથ નહિ આપે તો આ બહારની પોલીસ બોલાવી રેડ કરાવશે પરંતુ તેમના મત વિસ્તારમાં એકપણ અસામાજીક પ્રવૃતિ ચલાવવા નહિ દે. આમજનતા એકદમ ભયમુકત વાતાવરણમાં પોતાના કાયદેસર વ્યવસાય, ધંધા-રોજગાર કરી શકશે એ મુજબની ખાતરી આપી હતી.

ભાણવડમાં જે કોઇપણ બે નંબરના ધંધાચાલી રહ્યા છે તે બંધ કરાવી દેવા પોલીસને અઠવાડીયાનું અલ્ટીમેટમ આપી ચેતવણી આપી છે કે, અઠવાડીયા પછી તેમના દ્વારા જે કોઇ કાર્યવાહી કરવામાં આવશે તેમા શકય છે કે, સ્થાનિક પોલીસ પણ મુસીબતમાં મુકાઇ જાય. આ ઉપરાંત અનેક બાબતો પર સતાપક્ષના સ્થાનિક આગેવાનો પર તેજાબી ચાબખા વીંજયા હતા. ત્યારે હવે જોવાનું રહ્યું કે, ધારાસભ્યના અલ્ટીમેટમનું શું રીએકશન આવે છે.

(12:42 pm IST)