Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

સોમનાથની શાકબજારનું શિયાળુ ટેસ્ટદાર વિશિષ્ટ ઓળખસમુ શાક પાંદડી

સ્વાદમાં દાઢે વળગે તેવી રેસાદાર પાંદડીઃ માત્ર દરિયાપટ્ટીના ગામોમાં થાય છે

પ્રભાસપાટણ, તા. ૨૨ :. ભગવાન સોમનાથ દાદાની ભૂમિના શાક શોખીનો અને સ્વાદ શોખીનોમાં હોટ ફેવરીટ શાક છે લીલીછમ પાંદડી. પાંદડીનું વાવેતર દરીયાપટ્ટીના માધવપુર, માંગરોળ, ચોરવાડ અને પ્રભાસપાટણમાં જ થાય છે.

પાંદડીના ખાલી ખેતર પાસેથી જ સવારના ઉગતા કે સાંજના નમતા પહોરે પસાર થાવ તો પણ તેની સોડમ અને સુગંધ તમને તરબોળ કરી દયે અને આ રસ્તો એટલે સોમનાથ ગામમાં અતિથિગૃહમાંથી પઠાણવાડા થઈ ગામમાં જતા રસ્તે રામવાડીમાં ઉગેલી પાંદડીની સુગંધ અનોખી અનુભૂતિ કરાવે છે.

અર્ધ ચંદ્રાકાર આ પાંદડી શાક કરતા પહેલા ફોલવી પડે જે બધાને ન પણ આવડે અને એમા પણ નવી પેઢીને તો કદાચ નહીં જ. પાંદડીને પહેલા ચપટીથી પકડવાની પછી રેશા કાઢી પાન તેમજ દાણાનું શાક બનાવાય છે. આ પાંદડીનું રીંગણાનું શાક, ઉંધીયામાં, પાંદળીના શાકમાં ઢોકળી નાખી રસાદાર શાક ટેસ્ટ ફુલ બને છે.

હાલ પાંદડી બજારમાં રૂ.૫૦ થી ૬૦ કિલો મળે છે, પણ શરૂઆતમાં તેનો ભાવ ૧૨૫ - ૧૦૦ રૂ. જેટલેથી પ્રારંભ થાય છે. પાંદડીનું વાવેતર નવરાત્રી પછી કરાય છે અને તેને પાણી ઓછું પાવુ પડે છે. રેતાળ જમીન તેને માફક આવે છે.

આ પાંદડી જો મોટી હોય તો તેના દાણા સુકવી અને જેને 'ઓળીયા' તરીકે કરીયાણાની બજારમાં વેંચાય છે. કારતકથી ફાગણ સુધી આ પાંદડી શાકબજારમાં વેંચાય છે. પ્રભાસના મૂળ વતનીઓ અને હાલ મુંબઈ, અમદાવાદ અને રાજકોટ કે અન્યત્ર રહેતા હોય તેઓ જ્યાં સુધી આ પાંદડી ન ખાય ત્યાં સુધી વર્ષ સુધર્યાનો અહેસાસ ન થાય એટલે આવતા-જતા લોકો સાથે કે સથવારે કે મંદિરના આ માસમાં આવતા ઉત્સવોમાં આવવાનું થાય ત્યારે પોતા માટે અને સગાસંબંધીઓ માટે વતનની ભીની માટીની પાંદડી અચુક લઈ જાય છે.

આ પાંદડાના પાકનું વળી એવું કે જેમ ઝાકળ પડે તેમ ફાલ વધુને વધુ આવતો જાય. પ્રભાસમા જ થતી આ વિશિષ્ટ શાક પાંદડી કેટલાય પરિવારો ઘરના ઓટલે વીણે અને વાતો કરતા કરતા પડોશના બહેનો તે પાંદડાને ફોલવામાં મદદ કરે અને પાંદડીની રેસીપીની અને અવનવી વાતો કરી ઢગલો પાંદડી ઘડીકમાં ફોલી નાખે.

મેકડોનાલ્ડ, ફાસ્ટફુડ અને પીત્ઝા ખાનારી પેઢી વિવિધ ચટાકેદાર મસાલાઓ અને રસ ઝરતા તેજાનાઓ તથા લીલીછમ કોથમીર અને ઢોકળી સાથેનું પાંદડીનું શાક ખાય ત્યારે બોલી ઉઠે છે કે 'કયા...શાક...હૈ...'

(11:37 am IST)