Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

મોરબી જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણીનો શુભારંભઃ ૨૪૭૭૪૯ બાળકોની કરાશે આરોગ્ય તપાસ

મોરબી તા. ૨૨ :રાજયના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દવારા રાજયપ્રેરિત શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાનો શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો મોરબીની શાંતિવન પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા કલેકટર આઇ.કે. પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે જણાવ્યું કે રાજય સરકારનો શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો ઉદેશ એ જ છે કે  રાજયનો પ્રત્યેક બાળક યુવાન, તંદુરસ્ત બને અને તેના થકી તંદુરસ્ત રાજય નિર્માણ થાય. સરકારનો આ ઉદેશ ત્યારે જ સિધ્ધ થશે કે શાળાએ આવતા દરેક બાળકની આરોગ્ય ચકાસણી થાય અને વધુ સારવારની જરૂરીયાત જણાય તો તેવા બાળકોને જરૂરી સારવાર પણ સરકાર દવારા કરાવવાશે તેમ તેમણે જણાવ્યું હતું

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણાએ રાજય સરકાર દવારા અપાતી આરોગ્યલક્ષી સવલતોની જાણકારી આપી જણાવ્યું હતું કે જયારે સરકાર વિના મુલ્યે આરોગ્યલક્ષી સારવાર સુવિધા આપી રહી છે. ત્યારે કોઇપણ બાળક શાળા આરોગ્ય ચકાસણીમાં વંચિત ન રહે તે જોવા આરોગ્ય અધિકારીઓને જણાવ્યું હતું તેમજ વાલીઓને આ બાબતે ખાસ કાળજી લેવા પોતાનું બાળક આરોગ્ય તપાસણીથી વંચિત ન રહે તે જોવા જણાવ્યું હતું

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરાએ મોરબી જિલ્લામાં તા.૨૧મી ડીસેમ્બરથી તા. ૨૭ ફેબ્રુઆરી-૨૦૧૮ સુધી ચાલનારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની રૂપરેખા આપી જણાવ્યું હતું કે આરોગ્ય ખાતાના તબીબો ૬૦, સ્ત્રી આરોગ્ય કાર્યક્રર ૨૩૨, પુરૂષ આરોગ્ય કાર્યકર ૧૦૫ મળી ૧૫૦ ટીમો જિલ્લાની સરકારી તેમજ ખાનગી શાળાઓ મળી કુલ ૧૬૮૪ શાળાઓના ૨૪૭૭૪૯ બાળકોની આરોગ્ય તપાસ કરશે અને સારવારની જરૂર જણાય તેવા બાળકોને આપરેશન માટેની પણ વ્યવસ્થા કરાશે. તેમ જણાવી તેમણે એમ પણ જણાવ્યું કે શાળામાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ કેળવાય તે માટે શાળામાં કલાસ દિઠ એક બાલ ડોકટર બનાવશે. તેને ડોકટર એપ્રોન અને  પ્રાથમિક આરોગ્યલક્ષી જ્ઞાન પણ અપાશે જે શાળાના બાળકોને માહિતગાર  કરશે જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી સો એ સો ટકા થાય તે માટેનું આયોજન કરાયુ છે. તેમ તેમણે જણાવ્યું હતું

કાર્યક્રમને અંતે શાળાના ગ્રાઉન્ડમાં લોક ઉપયોગી વૃક્ષોનું મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી બી.એન દવે સહિત શાળાના શિક્ષકો તેમજ આરોગ્યનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

(11:33 am IST)