Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

જસદણ પાલિકાની મૂદત પૂરી થવામાં માત્ર મહિનો રાજકીય પાત્રો જાહેરનામાની રાહમાં:કયા વોર્ડમાંથી ચૂંટણી લડવી તેની તૈયારી

જસદણ તા.રર :જસદણ નગરપાલિકાની બોડીને ફકત એક માસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે રાજકીય ડિઝાઇનરો ચૂંટણીના જાહેરનામાની રાહ જોઇ રહ્યા છે. હજુ વિધાનસભાની ચૂંટણીના પરિણામને માત્ર જુજ દિવસો ગયા છે. રાજકારણીઓના અબીલ-ગુલાલવાળા કપડા હજુ ધોવાયા નથી ત્યાં રાજકીય પંડીતો કયા વોર્ડમાંથી લડવુ, કેવી રીતે લડવુ ? એવી અનેક પ્રકારની ડિઝાઇન બનાવવા લાગી ગયા છે. શહેરમાં અનેક પ્રશ્નો છે જે વર્ષોથી હલ થયા નથી. જો આ ચૂંટણી જીતવી હોય તો ઇચ્છુકોએ અને વિવિધ પક્ષોના આગેવાનો-હોદેદારોએ દોઢ મહિનામાં જરૂરી સુવિધા પ્રજાને પુરી પાડવી પડશે નહીતર મતદારો તેમને ઘરનો ઝાંપો દેખાડશે. જસદણમાં પાણીનો મોટો ફિલ્ટર પ્લાન્ટની જરૂર છે. હજારોની સંખ્યામાં ભુતિયા નળ જોડાણ ઉપરાંત પાલિકા પાસે શાળા નથી, હોસ્પિટલ નથી, વાંચનાલય નથી, ફરવા માટે સ્થળ નથી, રમત-ગમત માટે એકપણ ઇન્ડોર-આઉટડોર મેદાન નથી અને મહત્વની બાબત એ છે કે શહેરમાં ખાદ્ય પદાર્થોમાં બેફામ ભેળસેળ સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવા છતાં આવા તત્વો પર કોઇ કાર્યવાહી થઇ નથી.

૧૯૯પથી પાલિકાનો દરજ્જો મળવો ત્યારબાદ અત્યાર સુધીમાં પાલિકાની કરોડો રૂપિયાની જમીનોમાં દબાણ થતા શહેરીજનોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તમમ સાર્વજનીક પ્લોટો ઉપર દબાણ છે. પાલિકા અધિનિયમ મુજબ અનેક કલમો છે પરંતુ અત્યાર સુધી શહેરીજનોના હિતમાં કલમનો ઉપયોગ કર્યો નથી, કર્યો છે તો રાજકીય દબાણ પ્રેરિત જ કર્યો છે.

ભુતકાળમાં નબળી નેતાગીરીને કારણે હોસ્પિટલ, એસટી ડેપોના ગ્રેડ ઘટી ગયા. ડીએસકેવીકે હાઇસ્કુલ પણ ખાનગી ટ્રસ્ટને સોંપાઇ ગઇ ગત ચૂંટણીમાં ચૂંટાયેલા કેટલાક તો પ્રજા વચ્ચે જ નથી. કેટલાક એ તો પોતાના સ્વહિત માટે ભાજપ-કોંગ્રેસમાં ફકત જલ્સા જ કરી રહ્યા છે ત્યારે જસદણ પાલિકાની ચૂંટણી નજીક છે તે સમયે પ૬૧ જોઇને મત આપતા નહી, જીત માંગનારને પુછજો કે ચૂંટણી શું કામ લડો છો ? ત્યારબાદ તેઓ ભ્રષ્ટાચાર નહી કરે અને પોતાના પદનો સદ્દઉપયોગ કરી પ્રજાકીય કાર્યો કરશે એવી ખાત્રી બાદ મતદાન કરજો નહીતર ફરી પસ્તાવુ પડશે એવો જાગૃત પ્રજામાં સુર ઉઠવા પામ્યો છે.

(11:30 am IST)