Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

મોરબીમાં કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાય તે માટે ૧૧ મહિનાથી અનાજ ન ખાવાની માનતા લીધી'તી

માળીયાના મોટાભેલા ગામના વતની અને શિક્ષક એવા વિજયભાઈ સરડવાએ સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને ૩૧ જાન્યુઆરી ૨૦૧૭ ના રોજ સંકલ્પ કર્યો હતો કે જયાં સુધી મોરબીમાં કોંગ્રેસના ધારાસભ્ય નહિ ચૂંટાય ત્યાં સુધી તેઓ અનાજને હાથ નહિ લગાવે અને છેલ્લા ૧૧ માસથી તેઓ ફ્રુટ પર જ જીવી રહ્યા હતા. મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રથમ પ્રમુખ અને સરકારી નોકરી સહિતના તમામ હોદાઓ ત્યાગીને તેઓ કોંગ્રેસના કાર્યકર તરીકે જોડાયા હતા અને કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજાને વિજયી બનાવવા દિવસરાત અથાગ પ્રયત્નો કર્યા હતા.

મોટાભેલા ગામના વતની વિજયભાઈ સરડવાના કૌટુંબિક દાદા સ્વ. જીવરાજભાઈ સરડવા ૩૨ વર્ષ પૂર્વ ધારાસભ્ય બન્યા બાદ માળિયાના ચમનપર ગામના બ્રિજેશ મેરજા ડીસેમ્બર ૨૦૧૭ ની ચુંટણીમાં કોંગ્રેસના એમએલએ બન્યા છે. સરકારી નોકરી અને જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જેવા હોદાઓ ત્યાગીને કોંગ્રેસને વિજયી બનાવવા કરેલી તેમની મહેનત રંગ લાવી છે અને ૧૧ મહિનાના ઉપવાસ બાદ તાજેતરમાં તેઓએ કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના હસ્તે પારણા કરીને ઉપવાસ છોડ્યા હતા. આ તકે તેઓએ ગરીબ પરિવારોને પણ જમાડ્યા હતા અને ગરમ ધાબળાનું દાન કરીને માનવતાને મહેકાવી હતી. (તસ્વીર - અહેવાલઃ પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:28 am IST)