Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

કચ્છમાં જમીનના ડખ્ખામાં ૩ નાના ભાઇઓના હાથે મોટાભાઇની હત્યા

રાપર તાલુકાના વજેપર ગામના કોલી પરિવારમાં અરેરાટીઃ ધારીયાઓના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો

ભુજ તા. ૨૨:'જર, જમીન અને જોરૂએ ત્રણ કજિયાના છોરૂ'એ ઉકિતને સાચી પાડતાં બનેલા બનાવે લોહીના સંબંધોમા કલંક સજર્યું છે.

રાપરના વજેપર ગામે બાપદાદાની જમીનના મુદ્દે ત્રણ નાના ભાઇઓએ સાથે મળીને પોતાના સગા મોટાભાઇને ધારીયા વડે વેંતરી નાખવાની ઘટનાએ અરેરાટી સર્જી છે.  વજેપર ગામે રહેતા કોલી પરિવારમાં બનેલા આ બનાવ અંગે પોલીસે આપેલી માહિતી અનુસાર સાંજે સાતેક વાગ્યાના અરસામાં વજેપર ગામની સીમમાં પોતાના ઘેટાં - બકરા ચરાવી રહેલા કરણા ખેતા કોલી (ઉ.વ.૫૫) ઉપર તેના સગા ત્રણ નાના ભાઇઓ કેશા ખેતા કોલી, ભચુ ખેતા કોલી અને સુરા ખેતા કોલીએ જમીનના મુદ્દે બોલાચાલી કર્યા બાદ ઉશ્કેરાઇને ધારીયાના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી.

આ દરમિયાન થયેલ ઝપાઝપીમાં એક ભાઇ ઘાયલ થયો હતો. જોકે, હત્યાના બનાવ બાદ ત્રણેય હત્યારા ભાઇઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. રાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:27 am IST)