Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

કાંધલ જાડેજા અને સામત સહિત ૬ શખ્સોના રિમાન્ડ નામંજુરઃ જેલ હવાલે

ચૂંટણીના ડખ્ખામાં પીછો કરતા સામત મેર પોલીસ સ્ટેશનમાં ઘુસી ગયેલ અને કાંધલ ટોળકીએ બઘડાટી બોલાવેલ : કરણ જાડેજા અને કાના જાડેજા ફરારઃ પોલીસ સ્ટેશનમાં બઘડાટી તથા ફરજમાં રૂકાવટનો ગુન્હોઃ અન્ય ૭ શખ્સોની શોધખોળ

પોરબંદર - આદિત્યાણા તા. ૨૨ : રાણાવાવ પોલીસ મથકમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના જુથ અને રાણાવાવના સામત ઓડેદરા વચ્ચે થયેલ મારામારીની ઘટનામાં પકડાયેલ કાંધલ જાડેજા અને સામત મેર સહિત ૬ શખ્સોને આજે રીમાન્ડ માટે કોર્ટમાં રજુ આવ્યા હતા પરંતુ કોર્ટે તેઓની રિમાન્ડ અરજી નામંજુર કરી છે અને કાંધલ જાડેજા, સામત મેર સહિત છ શખ્સોને જેલહવાલે કરી દેવામાં આવ્યા છે.  આ ગુન્હામાં નાસતા ફરતા કરણ જાડેજા તથા કાના જાડેજા સહિત ૭ શખ્સોની શોધખોળ હાથ ધરાઇ છે.

વિધાનસભાની ચુંટણી પુર્ણ થયા બાદ ચુંટણીના ડખ્ખામાં કુતીયાણામાં ધારાસભ્ય કાંધલ જાડેજા તેનાભાઇ કરણ જાડેજા અને પ્રમુખ કાના જાડેજા સહીત ૧૩ લોકોએ પોલીસ સ્ટેશનમાં બઘડાટી બોલાવીને સામતભાઇ ગોગનભાઇ ઓડેદરાને માર મારતા ખળભળાટ ગયેલ. આ ઘટનામાં  પોલીસ સ્ટેશનમાં બઘડાટી બોલાવી પોલીસની ફરજમાં રૂકાવટ અને હુમલો કરનાર ધારાસભ્ય કાંધલ જાડેજા તથા તેના બે ભાઇ અને સામત મેર સહિત ૬ શખ્સોને દબોચી લેવાયા હોવાનું પોરબંદરના એસપી શોભા ભુતડાએ જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ધારાસભાની ચુંટણીમાં કાંધલ જાડેજા અને સામત ગોગન મેર જુથ વચ્ચે આંતરીક મતભેદો થતા તેનો ખાર રાખી કાંધલ જાડેજા સહીતની ટોળકીએ રાણાવાવ બસ સ્ટેન્ડ નજીક સામતભાઇને આંતરતા તેઓ ભાગીને પોલીસ મથકમાં ફોજદારની ચેમ્બરમાં છુપાઇ ગયા હતા. ત્યાં જઇને કાંધલ જાડેજા સહીતનાએ સામત ગોગન મેરને ઘુસ્તાવ્યો હતો.  પોલીસ મથકમાં જ બંન્ને જુથો વચ્ચે બઘડાટી થતા ફરજ પરના પીએસઓએ પોલીસ કંટ્રોલરૂમની મદદ માંગતા કાંધલ જાડેજા તથા સામત મેર સહીતનાઓ પોલીસની ફરજમાં રૂકાવટ કરી પોલીસ પર હુમલો કરી નાસી છુટયા હતા. 

વહેલી સવારે રાણાવાવ  પોલીસ સ્ટેશનમાં  હંગામો મચાવવા અંગે કુતિયાણા-રાણાવાવના ધારાસભ્ય કાંધલ જાડેજા કરણ જાડેજા તથા કાના જાડેજા  તથા સામત ગોગન મેર સહિત ૧૩ શખ્સો સામે પોલીસે ખુદ ફરીયાદી બની  ગૂન્હો દાખલ કર્યો છે.

પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવવા દરમિયાન ટેલીફોનના ડબલા તોડી નાખેલ પોલીસને પણ માર માર્યો હતો.  ચૂંટણીના મનદુઃખને લીધે નગરપાલીકાના પૂર્વ પ્રમુખ સામત ગોગનને માર મારતા  તેઓ રાણાવાવ પોલીસ સ્ટેશને દોડી ગયેલ અને પોલીસ સ્ટેશનમાં જ કાંધલ જાડેજા સહીતની ટોળકીએ સામત મેરને ઘુસ્તાવતા ધમાલ મચી ગઇ હતી.

બનાવની જાણ થતા પોરબંદરના એસ.પી. શોભા ભૂતડા તથા જિલ્લા પોલીસ અધિકારીઓ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં જ  હુમલો અને બઘડાટી કરનાર કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા તથા તેની ટોળકી અને સામત મેરને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

(6:08 pm IST)