Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

જુનાગઢ મહાશિવરાત્રી મેળામાં રૂ.પ૦ લાખની વિશેષ ગ્રાન્ટ ફાળવવા રજુઆત

જુનાગઢ તા.રર : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેકટર અને જુનાગઢ ભાજપના ઉપાધ્યક્ષ યોગેન્દ્રસિંહ પઢીયારે રાજયના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ કિરીટભાઇ અર્ધવ્યુને પત્ર પાઠવીને જુનાગઢને મહાશિવરાત્રીના મેળામાં રૂ.પ૦ લાખની વિશેષ ગ્રાન્ટ ફાળવવા માંગ કરી છે.

યોગેન્દ્રસિંહ પઢીયારે જણાવ્યુ છે કે, જૂનાગઢ એ એક ઐતિહાસિક વિરાસત ધરાવતું દેશના પ્રાચીન નગરો પૈકીનું એક શહેર છે. જ્યા દર વર્ષે મહાશિવરાત્રી મેળામાં દિગમ્બર સાધુઓની રવેડી, સરઘસ નિકળે છે. જેને નિહાળવા લાખો ભાવિકો ઉમટી પડે છે. આ મેળામાં ભજન અને ભોજન તેમજ શિવજીનું સામિપ્ય પામવા માટેનો પણ એક પ્રયાસ હોય છે. આ મેળાને સાધુ સંતો દ્વારા મીની કુંભની ખ્યાતી પણ આપવામાં આવી છે. આગામી ફેબ્રુઆરી માસની તા. ૯ થી ૧૩ સુધી ૫ દિવસ આ મેળો યોજાશે. જેમા અંદાજીત ૮ થી ૧૦ લાખ યાત્રિકો દેશ-વિદેશથી ઉમટી પડે છે. જેને અનુલક્ષી સમગ્ર મેળાની વ્યવસ્થા વધુ સારી રીતે થઈ શકે તે માટે નીચેની વિગતે રૂ. ૫૦ લાખ (અંકે રૂપિયા પચાસ લાખ)નું અનુદાન આપણા બોર્ડ તરફથી ફાળવવામાં આવે તેવી મારી અંગત વિનંતી છે.

સમગ્ર મેળામાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સફાઈથી લઈને દરેક પાયાની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. જેની અલગથી કોઈ સરકારશ્રીની ગ્રાન્ટ નથી. જેથી તમામ ખર્ચ મહાનગરપાલિકા, જૂનાગઢ દ્વારા ભોગવવામાં આવે છે. જેમના દ્વારા સંપૂર્ણ ભવનાથ વિસ્તારમાં કામચલાઉ રોડ તૈયાર કરવા, ૨૫૦ ઉતારાઓને પાણી, લાઈટ જેવી પ્રાથમિક આવશ્યકની સેવા પુરી પાડવી, દરેક અખાડા તેમજ મુખ્ય ભવનાથ મંદિરને લાઈટીંગ કરી આપવું, મંડપો બાંધી આપવા, હંગામી ટોયલેટ બ્લોક, પીવાના પાણીની વ્યવસ્થા વિગેરે મહાનગરપાલિકા, જૂનાગઢ દ્વારા કરવામાં આવે છે. જેના માટે રૂ. ૪૦ લાખ (અંકે રૂપિયા ચાલીસ લાખ)નું અનુદાન કમિશ્નરશ્રી, મહાનગરપાલિકા, જૂનાગઢને ફાળવવા વિનંતી છે.

દર વર્ષે મહાશિવરાત્રીના મેળામાં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ લાઈવ પ્રસારણ કરવા માટે કલેકટરશ્રી, જૂનાગઢને રૂ. ૧૦ લાખ ફાળવવા બન્ને વિગતો સબબ કુલ રૂ. ૫૦ લાખનું અનુદાન મંજુર કરવા અંતમાં યોગેન્દ્રસિંહ પઢીયારે માંગણી કરી છે. (૩-૧)

(9:54 am IST)