Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

પાલિતાણા પંથકનો યુવાન આપબળે આગળ આવવાની ઇચ્છા સાથે જૂનાગઢ આવી ગયેલ : ૧૦ વર્ષે પરિવાર સાથે મિલન થયુ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ,તા.૨૨ : જિલ્લાના પાલીતાણા તાલુકાના લીલીવાવ ગામના સરપંચ ધીરુભાઈ રાઠોડ (મો.- ૭૮૧૭૦ ૮૧૦૫૩)એ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, કે જેઓ ભૂતકાળમાં પાલીતાણા ખાતે પોલીસ ઇન્સ. તરીકે ફરજ બજાવતા હોય, તેઓને જાણ કરેલ કે, પોતાનો કુટુંબી ભાઈ હરેશભાઇ પૂંજાભાઈ રાઠોડ કે જે આશરે દશેક વર્ષથી જૂનાગઢ ખાતે રહેવા આવી ગયેલ છે અને તેની બહેનના લગ્ન હોઈ, બહેનના લગ્નમાં ભાઈ હરેશ હાજર રહે તેવી બહેનની ઈચ્છા હોય, જૂનાગઢ ખાતે તપાસ કરી, ૧૦ વર્ષથી જૂનાગઢ ગયેલ હરેશભાઇ કે જેઓ પહેલા રીક્ષા ચલાવતા હતા, તેઓની તપાસ કરી, મળી આવે તો, જાણ કરવા જણાવેલ હતું. જેથી, તેની બહેનના લગ્નમાં અથવા તેનો મેળાપ થઈ શકે

  ંજૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઇ એ.બી.દેસાઈ તથા સ્ટાફના હે.કો. સંજયભાઈ, ઝવેરગીરી, કમલેશભાઈ, પો.કો. દેવેન્દ્રસિંહ, સિદ્ઘરાજસિંહ, સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા, ટ્રાફિક પોલીસ દ્વારા રીક્ષા એસોસિએશન ના આરીફભાઈ સુમરા, રવજીભાઈ, સહિતના હોદેદારો સાથે સંકલન કરી, દોલતપરા વિસ્તારમાંથી તેના કુટુંબીજનો સાથે રાખી, શોધી કાઢી, હરેશ રાઠોડને તેના પિતા પૂંજાભાઈ રાઠોડ, સરપંચ ધીરુભાઈ રાઠોડ, સહિતના કુટુંબીજનોને સોંપતા, તેના પિતા પૂંજાભાઈ પુત્ર હરેશભાઇને ભેટી, ભાવ વિભોર થયેલ હતા. હરેશભાઇ રાઠોડના કુટુંબીજનો તથા સરપંચ દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા સમયસર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા, જૂનાગઢ પોલીસના પ્રયત્નોથી જ પોતાનો પુત્ર તાત્કાલિક પરત મળ્યાનો ભાવ વ્યકત કરવામાં આવેલ હતો. જો, કે બહેનના લગ્ન પુરા થઈ ગયેલ હોઈ, પરંતુ, પોતાની બહેનના લગ્ન બાદ તેના સાસરે લઈ જઈ, બહેનની ઈચ્છા પૂરી કરવા પણ સરપંચ ધીરુભાઈ તથા કુટુંબીજનો દ્વારા જણાવવામાં આવેલ હતું.

પાલીતાણાના હરેશભાઇ રાઠોડ આજથી દસેક વર્ષ પહેલાં જૂનાગઢ આવી ગયેલ હતો અને પોતાની આપબળે આગળ વધવાનું દ્યેલું લાગેલ હતું. દરમિયાન મહેનત કરીને રીક્ષા લીધેલ અને ડુંગરપુરમાં મકાન પણ લીધેલ હતું. હાલમાં દોલતપરામાં કારખાનામાં મજૂરી કરે છે અને ત્યાંજ રહીને એકલવાયું જીવન ગુજારે છે. જેને તેના પરિવારજનો સાથે દસ વર્ષ બાદ મિલન કરાવતા હાલ તો કુટુંબીજનો પોતાના વતનમાં લઈને રવાના થયેલ છે

(1:01 pm IST)