Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જસદણના કુંદણી ગામે પ્રૌઢ ગાંડુભાઇ કોળીની હત્યા

ખેડૂત મહેશભાઇએ માચ્છીમારી કરવાની ના પાડતા યુનુસ સહિતના ત્રણ કોન્ટ્રાકટરો છરી સાથે હુમલો કરતા વચ્ચે પડેલ ગાંડુભાઇનો ભોગ લેવાયો : મહેશભાઇ પર પણ છરીથી હુમલો

તસ્વીરમાં હત્યાનો ભોગ બનનાર કોળી પ્રૌઢનો મૃતદેહ અને બીજી તસ્વીરમાં હોસ્પિટલે પરિવારજનો અને ગ્રામ્યજનોના ટોળા નજરે પડે છે. (તસ્વીર : હુસામુદ્દીન કપાસી-જસદણ)

 જસદણ, તા. રર : જસદણ તાલુકાના કુંદણી ગામની સીમમાં માચ્છીમારી કરવા પ્રશ્ને કોળી પ્રૌઢની છરીના ઘા ઝીંકી હત્યા થતા ચકચાર મચી છે. માચ્છીમારી કરવાની ના પાડતા ઝઘડો થતા વચ્ચે પડેલ કોળી પ્રૌઢનો ભોગ લેવાયો હતો. અન્ય એક કોળી ખેડૂત પર પણ છરીથી હુમલો થતા હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

મળતી વિગતો મુજબ જસદણ તાલુકાના કુંદણી ગામની સીમમાં ભાભલુભાઇની વાડી નજીક તળાવ પાસે ગઇકાલે મોડીરાત્રે કોળી પ્રૌઢ ગાંડુભાઇ લઘરાભાઇ કટેશીયા (ઉ.વ.પર) તથા મહેશભાઇ બટુકભાઇ મેણીયા તળાવમાં માછલી પકડવાની જાળ નાંખતા હતાં તે દરમિયાન યુનુશ નામનો યુવાન અને તેની સાથે બે અજાણ્યા માણસોએ આવી જાળ કાઢી લેવા જણાવ્યું હતું. આ બાબતે બોલાચાલી થતા ત્રણેય આરોપીઓએ મહેશભાઇ તથા ગાંડુભાઇ ઉપર લાકડીના ઘા મારી યુનુશ નામના યુવાને ગાંડુભાઇ કટેશીયાના પેટમાં ડાબા પડખે છરીના ઘા મારી ઇજા કરી હતી. જયારે મહેશભાઇ મેણીયાને પણ છરીના ઘા ઝીંકયા હતા. બન્ને ઇજાગ્રસ્તને જસદણ હોસ્પિટલે ખસેડવામાં આવતા ગાંડુભાઇ લઘરાભાઇ કટેશીયા (ઉ.વ.પર)નું મોત નિપજયું હતું. ગાંડુભાઇ કટેશીયા મૂળ જસદણના વતની છે અને શાંતિનગર ગામે રહે છે. જસદણના પોલારપર રોડ ઉપર રહેતા મહેશભાઇ બટુકભાઇ મેણીયાને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસડાયેલ છે.

આ બનાવની જાણ થતાં જ ભાડલા પીએસઆઇ આર.એ. ઝાલા, રાઇટર અશ્વિનભાઇ માલકીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મહેશભાઇ મેણીયાની ફરીયાદ ઉપરથી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ પીએસઆઇ આર.એ. ઝાલા ચલાવી રહ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક કોળી પ્રૌઢ ગાંડુભાઇ ખેતીકામ કરે છે અને શેઢા પડોશી મહેશભાઇ મેણીયાએ માચ્છીમારી કરવાની ના પાડતા યુનુશ કોન્ટ્રાકટર સહિત ત્રણ શખ્સો છરી સાથે તૂટી પડતા મહેશભાઇને બચાવવા પડેલ પ્રૌઢ ગાંડુભાઇનો ભોગ લેવાયો હતો.

ભાડલા પોલીસે નાસી છૂટેલ કોન્ટ્રાકટર યુનુશ તથા બે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

આરોપીઓ ન પકડાઇ ત્યાં સુધી લાશ ન સંભાળવાનો પરિવારજનોનો ઇન્કાર

જે તળાવોમાં માચ્છીમારોના કોન્ટ્રાકટર  છે ત્યાં સાંજ પડે દારૂની મહેફીલો યોજાઇ છેઃ ચોકીદાર મૂકવા ગ્રામ્યજનોની માંગણી

જસદણ તા.૨૨: જસદણના કુંદણી ગામે નિર્દોષ પ્રૌઢ ગાંડુભાઇ કોળીની હત્યા થતા રોષ ફેલાયો છે. જસદણની સરકારી હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોએ જયા સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશનો કબ્જો સંભાળવાનો ઇન્કાર કર્યો છે.

બીજી બાજુ જસદણ પંથકમાં જયાં જયાં માછીમારી ના કોન્ટ્રાકટ દારૂની મહેફીલો યોજાય છે ત્યારે સરકારે તળાવોમાં ચોકીદારોની જગ્યા પુરી માછીમારીના કોન્ટ્રાકટ રદ કરવા જોઇએ તેવી ગ્રામ્યજનોમાં માંગણી ઉઠી છે.

(11:39 am IST)