Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

દેશભરમાં 'પદ્માવત'ફિલ્મના વિરોધ વચ્ચે ગોંડલના પી.આઇ. ની આશ્ચર્યજનક બદલી

રાજકોટ રૂરલ અને રેન્જના ઉચ્ચ અધિકારીઓનું છાશવારે બદલીના ઓર્ડરો પકડાવી દેવાનું વિચિત્ર વલણઃ ટાયર સળગાવી થયેલા વિરોધનું ક્ષુલ્લક કારણ આગળ ધરી બદલીનો હુકમ કરાતા પોલીસ બેડામાં કચવાટ

રાજકોટ તા.રર : દેશ અને સૌરાષ્ટ્રભરમાં પદ્માવત ફિલ્મનો જબરો વિરોધ થઇ રહ્યો છે ત્યારે ગોંડલમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં ટાયરો કેમ સળગ્યા? તેવુ નજીવુ કારણ આગળ ધરી ઉચ્ચ અધિકારીઓએ ગોંડલના પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરી નાખતા પોલીસ બેડામાં કચવાટ ફેલાયો છે.

 

બહાર આવેલ વિગતો મુજબ ગોંડલમાં ક્ષત્રિય સમાજ દ્વારા શનિવારે પદ્માવત ફિલ્મના વિરોધમાં ટાયરો સળગાવાયાની ઘટના બની હતી. આ ઘટના બાદ ગોંડલના પીઆઇ એલ.એલ.ભટ્ટની આશ્ચર્યજનક રીતે બદલીની ઓર્ડર થયો હતો. ગોંડલમાં ટાયર સળગાવવાની ઘટનાને પગલે પીઆઇ ભટ્ટ તુર્ત જ ઘટનાસ્થળે દોડી ગયા હોવા છતાં ટાયરો કેમ સળગ્યા ? અને ઘટના સ્થળે કેમ મોડા પહોંચ્યા ? તેવુ ક્ષુલ્લક કારણ આગળ ધરી પીઆઇ ભટ્ટની બદલી કરી નખાઇ હતી. આ બદલીના ઓર્ડર બાદ ગોંડલ બ્રહ્મસમાજ પણ મેદાનમાં આવ્યો છે અને પીઆઇ ભટ્ટની બદલીના વિરોધમાં ગોંડલના ડે.કલેકટરને આવેદન આપ્યુ હતુ.

રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી જિલ્લા અને રેન્જના અધિકારીઓને છાસવારે બદલીના ઓર્ડર પકડાવી દેવાની વિચિત્ર વલણ પોલીસ બેડામાં ચર્ચાસ્પદ બન્યુ છે. આ પહેલા એસટી બસ સળગાવવાની ઘટનામાં આરોપીઓ કેમ ન પકડાયા ? તેવુ કારણ દર્શાવી એક અધિકારીની બદલી કરી નખાઇ હતી. તેવી જ રીતે જિલ્લામાં કડક અને નિષ્ઠાવાન અધિકારીઓને સાઇડલાઇન કરી દેવાયાની પોલીસ બેડામાં ગણગણાટ થઇ રહ્યો છે. જિલ્લામાં પોલીસ અધિકારીઓને મહત્વની બ્રાન્ચ કે પોલીસ મથકમાં ૩ મહિનાથી વધુ સમય ટકવા ન દેવાતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. પોલીસ અધિકારી જે તે પોલીસ મથક કે બ્રાન્ચમાં સેટ થાય તે પહેલા ઉચ્ચ અધિકારીઓ દ્વારા બદલીના ઓર્ડર પકડાવી દેવાતા હોવાની પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.

રૂરલ એસ.પી. અંતરીપ સુદે જિલ્લાના ત્રણ પોલીસ અધિકારીઓની અરસ-પરસ બદલીના હુકમો કર્યા છે જેમાં ગોંડલના પીઆઇ ભટ્ટને જસદણ ગોંડલ સીપીઆઇ તરીકે તથા જસદણના પીઆઇ રામાનુજને ગોંડલ સીટીમાં મુકવામાં આવેલ છે. જયારે ગોંડલ સીટીના પીએસઆઇ અગ્રાવતને જસદણ પોલીસ મથકનો ચાર્જ સોપાયો છે.

(12:00 pm IST)