Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

વિસાવદરનાં જાંબાળા (ગીર)નાં ૧૦૩ વર્ષનાં લાડુબેન ડાવરા દ્વારા સોયમા દોરો પરોવવાનું કામ આસાનીથી

જૂનાગઢ તા.૨૧ : જિલ્લામાં ૧૦૩ વર્ષની વયના દાદીમાં નિરોગી અને તંદુરસ્ત જીવન જીવી રહયા છે. આટલી વયે પણ નખમાંય રોગ વિનાના દાદીમાંનુ જીવન ગામ અને પંથકના લોકોને હેરત પમાડી રહયુ છે. જુના જમાનાનાં આ દાદીમાંને આટલી વય હોવા છતા હજુ પણ આંખે ચશ્મા આવ્યા નથી. કોઈની પણ મદદ વિના તેઓ પોતાનું નિત્યકામ જાતેજ કરે છે.

જૂનાગઢ જિલ્લામાં વિસાવદર તાલુકાના જાંબાળા (ગીર) ગામે ૧૦૩ વર્ષની વયના દાદીમાં લાડુબેન ખોડાભાઈ ડાવરા પોતાની ચોથી પેઢીના સાક્ષી બની ચૂકયા છે. તેમની ચોથી પેઢીના બાળકો પણ આજે ૧૦-૧ર વર્ષની ઉંમર ધરાવે છે. આટલી વયે પણ ઘરમાં નાના મોટા કામોમાં મદદ કરે છે. ખાટલે બસીને અનાજ સાફ કરવુ કે યુવાનોથી ના થાય તેવું સોયમાં દોરો પરોવવાનું કામ પણ આસાનીથી કરી બતાવે છે.

સામાન્ય રીતે વધતી ઉંમર અનેક રોગ લાવતી હોય છે. પણ દાદીમાંને બીપી, એસીડીટી, ડાયાબીટીસ, દમ, શ્વાસ કે શરીરનો કોઈ રોગ નથી. આજે ચીકનગુનિયા, સ્વાઈન ફલુ, ડેંગ્યુ, કે મલેરીયા જેવા રોગો ફેલાયેલા છે. પણ દાદીમાને આવા કોઈપણ રોગની અસર થયેલી નથી. રોજ ફળીયામાં અને દ્યરની આસપાસ શેરીઓમાં કોઈની પણ મદદ વગર એક કિલોમીટર જેટલું ચાલવાનું રાખે છે.

એક અજાયબી કહી શકાય એવા આ દાદીમાં સ્વભાવે એકદમ શાંત અને હસમુખા છે. દાદીમાં હાલ પોતાની પાંચમી પેઢીના સાક્ષી બની ચૂકયા છે. દાદીમાને શરીર પર અસંખ્ય કરચલીઓ છે પરંતુ તેમના ચેહરા પર હંમેશા સ્મિત હોય છે. પુત્રો-પુત્રીઓ, પૌત્ર-પૌત્રીઓ, પ્રપૌત્ર-પ્રપૌત્ર, પ્રપૌત્રના પુત્ર-પુત્રીઓ અને કુટુંબની પુત્રવધુઓ આમ ચાર પેઢી મળીને કુલ ૧રર સભ્યોનું પરિવાર કિલ્લોલ કરતું જોવાનું સદભાગ્ય તેમને સાંપડયું છે. સમયે-સમયે પરિવારમાં લગ્નો સહિતના શુભ પ્રસંગોના દાદીમાં સાક્ષી બનતા રહયા છે. એમના જીવનના અનુભવો અને દ્યડતરનો લાભ આજે તેના કુટુંબ અને સમાજને મળતો રહયો છે. દાદીમાં ૯પ વર્ષના થયા તે નિમિતે વર્ષ ર૦૧૦માં ગુજરાત સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ થયા ત્યારે સ્વર્ણીમ સંકલ્પ જયોત રથયાત્રા અંતર્ગત તેમને સન્માનિત પણ કરવમાં આવેલ.

ખેતીના કામ કાજથી દ્યરના બધા સભ્યો ખેતર પર ગયા હોય ત્યારે દાદીમાં સમગ્ર ઘર અને ઘરના બાળકોને સાચવે છે. આટલી ઉંમરે પણ આવું નિરામય અને સ્ફૂર્તિલું જીવન જીવતા દાદીમાને નિહાળી કુટુંબના સભ્યો હર્ષ અનુભવે છે તો પંથકના લોકો પણ દંગ રહી જાય છે.

ઉલ્લેખનિય છે કે દાદીમાંના સાત સંતાનો પૈકી સૌથી મોટા દીકરી ૮ર વર્ષના સવિતાબેન, સૌથી મોટા દીકરા ૮૦ વર્ષના ભુપેન્દ્રભાઈ, ત્યારબાદ ૭૮ વર્ષના પ્રભાબેન, ૭૦ વર્ષના રવજીભાઈ અને ૬૪ વર્ષના સૌથી નાના પુત્ર રવિન્દ્રભાઈ હયાત છે. જયારે બે પુત્રો ગોરધનભાઈ અને બાબુભાઈ અવસાન પામ્યા છે. કુટુંબના બધા સભ્યોને એક તાંતણે બાંધીને રાખતા દાદીમાંનો શાંત સ્વભાવ અને નિર્મળ જીવન સૌને આકર્ષે તેવા છે.

જૂનાગઢ કૃષિ યુનિવસર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા તેમના પૌત્ર ડો. પરેશભાઈ આર. ડાવરાના જણાવ્યા મુજબ દાદીમાનાં નિરામય અને દીર્દ્યાયું જીવનનું રહસ્ય ગામડાનું સ્વરછ વાતાવરણ, સાનુકુળ હવામાન, શુધ્ધ હવા-પાણી-ખોરાક, ખટપટ વગરનું શાંત-હસમુખુ જીવન, સતત કામ કરતા રહી શરીરને જરૂરી વ્યાયામ નિયમિત મળતો રહે તેવા દ્યોંદ્યાટ રહિત માહોલને આભારી છે. અમારા દાદીમાં અમારા કુટુંબને ભગવાન તરફથી મળેલા સીધા આર્શિવાદ સમાન છે.

(12:37 pm IST)