Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ભાવનગર જીલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ

ભાવનગર, તા., ૨૧: જીલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ શરૂ થયો છે. જેમાં શાળામાં પાંચ દિવસની વિવિધ પ્રવૃતિઓ કરાશે. આપણી ભાવી પેઢીનાં બાળકોને તંદુરસ્ત બનાવવા માટે રાજય સરકારનો ભગીરથ પ્રયાસ છે. આ કાર્યક્રમને લોકવ્યાપી બનાવવા અને લોકોમાં આ કાર્યક્રમમાં જાગૃતી લાવવા માટે વિવિધ આઇઇસી પ્રવૃતિ કરવામાં આવનાર છે. શાળામાં આરોગ્યની યોજનાઓનું પ્રદર્શન કરવામાં આવનાર છે. લોકોને જાગૃત કરવા માટે શાળામાંથી રેલી કાઢવામાં આવશે. તેમાં આરોગ્યની યોજનાઓની પત્રીકાઓનું વિતરણ કરવામાં આવશે.

શાળામાં તેમજ ગામમાં પોસ્ટર, બેનર, ભીતસુત્રો દવારા પ્રચાર કરવામાં આવશે. બુકલેટ તેમજ આરોગ્યનાં ફોલ્ડર દ્વારા પ્રચાર-પ્રસાર કરી શાળાના બાળકો તેમજ શાળાએ ન જતાં બાળકો અને આંગણવાડીનાં બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવશે. આરોગ્ય તપાસમાં ખામીવાળા બાળકોને વધુ સારવાર માટે રીફર કરવામાં આવશે. હ્ય્દય, કીડની, કેન્સર, ટીબી, લેપ્રસી જેવા ગંભીર રોગોની સારવાર મફત પુરી પાડવામાં આવશે. આ આરોગ્ય સપ્તાહમાં વિવિધ વિભાગો તેમજ એન.જી.ઓ.ના સંકલનમાં રહી કામગીરી કરવામાં આવશે. વન વિભાગ દ્વારા શાળામાં વિવિધ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવશે. વાલીઓની મીટીંગ રાખવામાં આવશે. સગર્ભાબેનો તેમજ ધાત્રીમાતાઓની શીબીર કરવામાં આવશે. તેમજ આરોગ્ય તપાસ કરવામાં આવશે. વિવિધ સ્પર્ધાઓ શાળામાં યોજવામાં આવશે.

સફળ બનાવવા ડો.એચ.એફ.પટેલ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, ડો.એ.કે.તાવીયા, અધિક જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ વડી કચેરીએથી સ્ટેટ લાયઝન ઓફીસર ડો.જી.સી.પટેલ સર તેમજ શાળાના શિક્ષકગણ, મેડીકલ ઓફીસરશ્રીઓ, સુપરવાઇઝરશ્રી તમામ મ.પ.હે.વ. તેમજ ફી.હે.વ. આશા, આં.વા. વર્કરો જહેમત ઉઠાવે છે.

(11:44 am IST)