Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ધોરાજીના મોજીરાના સરપંચની હત્યાના કેસમાં બે મહિલા સહિત ચાર આરોપીઓને આજીવન કેદ

ધોરાજી તા.૨૧: ધોરાજીના મોજીરા ગામના જે તે વખતનાં સરપંચ કાનાભાઇ ગરને સમાધાન કરવા માટે બોલાવીને હત્યા કરવા અંગે રાજુ ઉર્ફે મુન્નો નારણ સલાટ, લાલજી નારણ સલાટ, બેબીબેન નારણભાઇ સરવૈયા અને રેખાબેન લાલજીભાઇ સરવૈયાને સેસન્સ જજ શ્રી વી.જે. કલોતરાએ પુરાવો નોંધી અને આજીવન કેદની સજા ફરમાવેલ હતી તથા દરેક આરોપીને રૂ.૫૦૦૦ દંડ કરેલ હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે વિજયભાઇ મસરીભાઇ ગરએ ફરીયાદ કરેલી કે, તા.૨૫-૦૫-૨૦૧૧ના તેઓ સાંજના સાડા છએક વાગ્યે પોતાની પાનની કેબીને હતા ત્યારે કાનાભાઇ સરપંચને રાજુ સલાટનાં ઘર પાસે મારે છે તેવું સાંભળતા તેઓ દોડીને ગયેલાં તો ત્યાં દરવાજા પર ચડીને જોયું તો રાજુ ઉર્ફે મુન્ના નારણ સલાટનાં હાથમાં ગુપ્તી હતી તેનાં ભાઇ લાલજીભાઇના હાથમાં છરી હતી અને આ બંને લોકો આડેધડ કાનાભાઇ સરપંચને મારતાં હતા. તે અંગે ગુન્હો નોંધાયેલો ત્યારબાદ પોલીસ ઇન્સ્પેકટર પી.એલ.ટીંબાએ તપાસ કરેલી અને તપાસનાં અંતે ચાર્જશીટ કરેલું. સદર કેસ ધોરાજી કોર્ટમાં ચાલવા માટે આવેલ. પુરાવો પુરો થયા બાદ સરકારી વકીલ શ્રી કાર્તિકેય મ.પારેખ તથા આરોપીના વકીલની દલીલો સાંભળેલી. સરકારી વકીલે દલીલમાં જણાવેલ કે મરણ જનારના શરીર પર ૨૦ થી વધુ પ્રાણઘાતક ઇજાઓ છે. બનાવને નજરે જોનાર વિજયભાઇ છે અને સાંયોગીક પુરાવો પણ આરોપીઓને તકસીરવાન ઠરાવવા માટે પર્યાપ્ત છે. કાયદો હાથમાં લઇ અને જે જધન્ય અપરાધ કરવામાં આવેલ છે તે માત્ર સમાધાન કરી લેવા જેવી સામાન્ય બાબતથી ઉશ્કેરાઇ જઇ અને સરપંચ જેવા વગ ધરાવનાર વ્યકિતનું બેરહેમીથી ખૂન કરી નાંખવામાં આવેલ છે.

આવા સંજોગોમાં આ વ્યકિત વિરોધી નહીં પરંતુ સમાજ વિરોધી ગુન્હો ગણાય અને હળવાશથી લઇ શકાય નહીં અને આખરી સજા કરવા દલીલો કરેલ.આ તમામ દલીલો રજુ થયેલાં પુરાવા અને એફ.એસ.એલ.રીપાર્ટ અને પોસ્ટમોર્ટમ રીપોર્ટને ધ્યાને લઇ નામદાર સેસન્સ જજ શ્રી વી.જે. કલોતરાએ તમામ આરોપીઓને તકસીરવાન ઠરાવી અને આજીવન કેદ અને રૂ.૫,૦૦૦ દંડ ફટકારેલ હતો

(11:43 am IST)