Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ખામટામાં આદિવાસી ફઇ-ભત્રીજીનો આપઘાત

મુળ મધ્યપ્રદેશની મોટી ભુરીયા (ઉ.૧૯) અને સંતોષ લખના (ઉ.૧૭)એ રાત્રે મોનોકોટો પી લીધી : પરિવારજનો પાણી વાળીને આવ્યા ત્યારે બંને ઉલ્ટીઓ કરતી'તીઃ રાજકોટ સારવાર માટે ખસેડી પણ એક પછી એક મોતને ભેટીઃ ફઇના આવતા વર્ષે લગ્ન થવાના હતાં: કારણ અંગે રહસ્યમઃ મજૂર પરિવારોમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૧: પડધરીના ખામટા ગામે પટેલની વાડીમાં રહી ખેત મજૂરી કરતાં મધ્યપ્રદેશના આદિવાસી પરિવારની ૧૯ વર્ષની ફઇ અને તેની ૧૭ વર્ષની ભત્રીજીએ રાત્રે સજોડએ ઝેર પી લેતાં બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ ફઇનું રાત્રે અને ભત્રીજીનું સવારે મોત નિપજ્યું હતું. બંને બેભાન હાલતમાં જ મોતને ભેટી હોઇ કારણ બહાર આવ્યું નથી. બનાવથી મજૂરી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ મુળ મધ્યપ્રદેશના કાટકુવાનો વતની રાયસંગ ખીતુભાઇ લખીયા આદિવાસી છએક માસથી પડધરીના ખામટા ગામે રવજીભાઇ કાળાભાઇ ડોબરીયા (પટેલ)ની વાડીએ રહી મજૂરી કરે છે. તેની સાથે અહિ તેની પત્નિ શાબાઇ, પુત્રી સંતોષ (ઉ.૧૭) અને બે પુત્રો તેમજ તેના મામા જોરાવર ભુરીયાનો દિકરો હરેશ, તેની ઘરવાળી અને મામાની દિકરી મોટીબેન જોરાવર ભુરીયા (ઉ.૧૯) પણ રહે છે.

રાયસંગના કહેવા મુજબ સાંજે આઠ વાગ્યે લાઇટ આવ્યા બાદ બધાએ તુવેર બાફીને ખાધી હતી. બાદમાં અમે બધા પાણી વાળવા માટે જતાં રહ્યા હતાં. આ વખતે મારી દિકરી સંતોષ અને મારા મામાની દિકરી મોટી એટલે કે સંતોષની ફઇ એમ બંને જણી રૂમના ખાટલામાં સાથે જ સુતી હતી.

અમે પાણી વાળીને આવ્યા ત્યારે બંને ઉલ્ટીઓ કરતી હોઇ અને બાજુમાં મોનોકોટોની બોટલ ખાલી પડી હોઇ બંનેના મોઢામાંથી વાસ આવતી હોઇ દવા પી લીધાની ખબર પડી હતી. અમે તેને દવા પીવાનું કારણ પુછ્યું હતું. પણ બેમાંથી કોઇ કંઇ બોલી શકી નહોતી અને બેભાન થઇ ગઇ હતી. પહેલા બંનેને પડધરી હોસ્પિટલે અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. જેમાં મોટીનું રાત્રે જ મોત નિપજ્યું હતું. જ્યારે મારી દિકરી સંતોષે સવારે દમ તોડી દીધો હતો.

રાયસંગને બનાવના કારણ અંગે પુછવામાં આવતાં પોતે અને ઘરના બીજા સભ્યો અજાણ હોવાનું કહ્યું હતું. મોટીની સગાઇ થઇ ગઇ હતી અને આવતા વર્ષે હોળી પછી તેના લગ્ન નક્કી હોવાનું પણ રાયસંગે કહ્યું હતું. સંતોષ બે ભાઇની એકની એક બહેન હતી. હોસ્પિટલ ચોકીના એએસઆઇ સલિમભાઇ ફુલાણી અને દિપસિંહે કાગળો કરી પડધરી પોલીસને જાણ કરી છે. ફઇ-ભત્રીજીએ સજોડે આપઘાત કરી લેતાં આદિવાસી પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

 

(11:40 am IST)