Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

૧૪ વર્ષની તરૂણીનું અપહરણ કરી ગેંગરેપ કરનાર ત્રણેય યુવાન આરોપીઓને ૧૪ વર્ષની સજાઃ આકરો દંડ ફટકારતી અદાલત

દુષ્કર્મ કરતા પહેલા અસામાજીક તત્વો કાંપી ઉઠે તેવી દાખલારૂપ સજા કરાવવા ચોટીલા પીઆઇ નયન ચૌહાણ દ્વારા થયેલ કાર્યવાહી માટેની જહેમત ફળી, અભિનંદન વરસ્યા અપરંપાર : સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ બારડોલીની ઘટના, ભોગ બનનારના ફકત શરીરને જ નહિ માનસ પર ખરાબ અસરની દલીલો માન્ય રાખતી ખાસ અદાલત

રાજકોટ તા.૨૧:   ભાવિકોની આસ્થાના પ્રતીક સમા ચોટીલા પર ઉગ્રવાદીઓનો કુદૃષ્ટિ, ચોક્કસ અસામાજીક તત્વો દ્વારા કાયદાનો ખુલ્લે આમ ભંગ સહિતની બાબતો ધ્યાનમાં રાખી રાજકોટ રેન્જના ખૂબ જ અનુભવી એવા રેન્જ વડા સંદીપસિંહ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલિસવડા દ્વારા જેમની ભૂતકાળની પ્રશંસનીય કામગીરી ધ્યાને રાખી ચોટીલા પીઆઇ તરીકે પસંદગી કરેલ છે તેવા તરવરિયા અધિકારી દ્વારા ગુજરાતભરમાં અને ખાસ કરી સાઉથ ગુજરાતમાં  ભારે ચકચાર જગાવનાર કિસ્સામાં  પોતાના બારડોલીના કાર્યકાળ દરમિયાન ઉકત કિસ્સામાં આરોપીઓને તુરત ઝડપવા સાથે  આરોપીઓને દાખલારૂપ સજા થાય તેવા કરેલા પ્રયત્નો સફળ થતાં તેમના પર સતત અભિનંદન અપરંપાર વર્ષી રહ્યા છે ત્યારે અદાલત દ્વારા અપાયેલ ચુકાદાની વિગતો જાણીએ.

બારડોલી વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષ તથા ૧૧ માસની વય ધરાવતી તરૂણી તા.૨૬-૪-૧૮ના રોજ રાત્રે ૮:૩૦ વાગ્યે એન.એમ.પાર્કમાં કુરકુરે લઈને ઘરે પરત ફરતી હતી. ત્યારે ૨૦ વર્ષીય આરોપી નરેશ ઉર્ફે અજય ધર્મા જાવરે (રે.ગોવિંદ નગર સોસાયટી, બારડોલી)એ પોતાની રિક્ષા લઈને ચાલ તને ઘરે મુકી દઉ એમ કહીને બળજબરીથી રિક્ષામાં બેસાડી અપહરણ કરી ગયો હતો અને તરુણીને બારડોલીની મદીના માર્કેટમાં લઈ જઈ ગેરકાયદે ગોંધી રાખીને બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ રર વર્ષીય સહ આરોપી છોટુ પ્રશાંત મુડી(રે.પાકીઝા શોપીંગ સેન્ટર, બારડોલી) તથા ૧૯ વર્ષીય આકાશ અંબુ રાઠોડ રિ.માંગી ફળિયું બારડોલી)એ પણ  એકથી વધુવાર તરુણી સાથે ગેંગરેપ કર્યો હતો. તરુણીના વાલીએ ત્રણેય આરોપીઓ વિરુધ અપહરણ, ગેંગરેપ અને પોકસો એકટના ભંગ અંગે બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

 સુરતની રેપ કેસોની ખાસ અદાલત સમક્ષ આ કેસના ત્રણેય આરોપીઓ વિરુધ્ધ જુલાઈ-૨૦૧૮માં ચાર્જશીટ રજુ થયા બાદ કેસ કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ફરિયાદ પક્ષે એપીપી રાજેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે આરોપીઓએ કુમળી વયની બાળકી સાથે કુકર્મ કર્યું છે. જે ભોગ બનનારના શરીર જ નહીં માનસ પર પણ ખરાબ અસર પહોંચાડી ભાવિ જીવનને અંધકારમય બનાવી દે છે. સુનાવણી બાદ કોર્ટે આરોપીઓને તમામ ગુનામાં દોષી ઠેરવી તમામ ગુનામાં મહત્તમ કેદની સજા તથા દંડ ફટકારતો હુકમ ર્ક્યો છે. ફોજદારી કાયદા હેઠળ કોર્ટ મહત્તમ સજા ફટકારી હોય પોકસો એકટના ભંગ બદલ કોર્ટે અલગથી સજા ન કરી હોવાનું જણાવ્યું છે.

(11:45 am IST)