Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો

કોલેજ દ્વારા વિરપર મુકામે યોગ શીબીર શાળા બાંધવામાં આવી .જ્યાં સમયાંતરે અઠવાડીક અને ત્રિ-દિવસીય વિવિધ યોગ શીબીરનું આયોજન

મોરબી ; આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો યોગા કરી યોગ દિવસ ઉજવ્યો હતો.
આજ રોજ ૨૧ જુનના દિવસે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાની પ્રેરણાથી તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ વિશ્વ યોગ દિવસની વિધીવત રીતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉત્સાહભેર જોડાયા હતા.પી.જી.પટેલ કોલેજ એકમાત્ર એવી કોલેજ છે કે જ્યાં છેલ્લા ૧૦ વર્ષોથી કોલેજના વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા નિયમિતપણે યોગ દ્વારા શિક્ષણકાર્યની શરૂઆત કરવામાં આવે છે જેની ફલશ્રુતિ સ્વરૂપે વિધાર્થીઓમાં એકાગ્રતામાં વધારો, સ્મૃતિ ક્ષમતામાં વધારો, અભ્યાસમાં રસ-રુચિ, માનસિક સ્થિરતા વગેરે જેવી સકારાત્મક અસરો જોવા મળી છે તથા પ્રાધ્યાપકોમાં પણ વિષયમાં નિપુણતા અને ટીચિંગ સ્કીલમાં ઉન્નતી જોવા મળે છે.પરિણામે દર વર્ષે કોલેજના વિધાર્થીઓ નામાપધ્ધતિ જેવા મુખ્ય વિષયોમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરી શકે છે અને યુનિવર્સીટી ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરે છે.
સાથે સાથે યોગનો પ્રચાર – પ્રસાર થાય, યોગ જન જન સુધી પહોચે અને યોગના ફાયદાઓ સમગ્ર સમાજને પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુસર મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા વિરપર મુકામે યોગ શીબીર શાળા બાંધવામાં આવી છે.જ્યાં સમયાંતરે અઠવાડીક અને ત્રિ-દિવસીય વિવિધ યોગ શીબીરનું આયોજન કરવામાં આવે છે.જેમાં કોલેજના વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો સહીત જાહેર જનતા પણ ભાગ લે છે.
આ ઉપરાંત યોગિક કાર્યો અને તેના પ્રચાર-પ્રસાર સાથે સંકળાયેલ વિવિધ સેવાકીય સંસ્થાઓ જેવી કે રામ યોગ મંદિર ટ્રસ્ટ, સોલીજી યોગ ફાઉન્ડેશન, વગેરેને પી.જી.પટેલ કોલેજ દ્વારા નિયમિત રીતે યથાશક્તિ અનુદાન પણ આપવામાં આવે છે.

(11:14 pm IST)