Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

જુનાગઢમાં સિન્‍ધી સમાજ ચેટીચાંદને સિન્‍ધી નેશનલ ડે તરીકે ઉજવાશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૧ સિન્‍ધી નુતનવર્ષ ચૈત્ર સુદ-૨ ચેટીચાંદ તા.૨૩ને ગુરૂવારથી શરૂ થાય છે. જે સિન્‍ધી નેશનલ ડે તરીકે ઉજવવામાં આવે છે. શ્રી ઝુલેલાલ સેવા ટ્રસ્‍ટ ફુલીયા હનુમાન રોડ, જુનાગઢ દ્વારા છેલ્‍લા ૪૮ વર્ષથી કોઇપણ જાતના ફંડ કે ફાળા વગર આ ઉત્‍સવનું આયોજન કરાય છે. સૌરાષ્‍ટ્રના તમામ નાનામોટા શહેરો જેવાકે, વંથલી, માણાવદર, બાંટવા, કુતિયાણા, રાણાવાવ, પરોબંદર, ધોરાજી, ઉપલેટા, અમરેલી, ધારી, જેતપુર, ગોંડલ, રાજકોટ, જામનગર, માળીયા, કેશોદ, વેરાવળ, તાલાળા, કોડીનાર, મેંદરડા, તથા જુનાગઢના બહીરાણા તથા ઝાંકીઓ ભાગ લેશે.

શોભાયાત્રા તા.૨૪ શુક્રવારનો જુનાગઢ રેલ્‍વે સ્‍ટેશનથી બપોરે ૩ વાગ્‍યે શરૂ થશે. શોભાયાત્રામાં રાજેશભાઇ ચુડાસમા(સંસદ સભ્‍યશ્રી), સંજયભાઇ કોરડીયા(ધારાસભ્‍યશ્રી) રચીત રાજ(કલેકટર-જુનાગઢ), રવિ તેજા(આઇપીએસ) (એસ.પીશ્રી-જુનાગઢ) રાજેશભાઇ તન્‍ના (કમિશ્નર-જુનાગઢ મ.ન.પા.) હિતેષભાઇ ધાંધલીયા(ડીવાયએપી-જુનાગઢ), શ્રીમતી ગીતાબેન પરમાર (મેયર-જુનાગઢ મ.ન.પા.) કિશોરભાઇ અજવાણી (કોર્પોરેટર-જુનાગઢ મ.ન.પા.), શ્રી પુનિતભાઇ શર્મા(શહેર ભાજપ પ્રમુખ), સંત મુલણ શાહ પોરબંદરવાળા તથા શ્રી એમ.એન.લાલાવાણી(અગ્રણીશ્રી-સિન્‍ધી રીયાસત પંચાયત) તથા સિન્‍ધી સમાજના અગ્રણીઓ હાજર રહેશે.

શોભાયાત્રા રેલ્‍વે સ્‍ટેશનથી શરૂ થઇ સુખનાથચોક, સંઘાડીયા બજાર, સર્કલચોક, માલીવાડા રોડ, મહાત્‍માગાંધી રોડ, કાળવાચોક, જવાહર રોડ, રાધાનગર થઇને દામોદર કુંડ પહોંચશે. જયાં પુજય ઝુલેલાલ સાહેબની જયોત પધરાવવામાં આવશે. સફળ બનાવવા તા.૨૪ શુક્રવારના દિવસે બપોરે ૧ વાગ્‍યે ધંધા વેપાર બંધ રાખી મોટી સંખ્‍યામાં આવીને ભાગ લેશે .

(12:54 pm IST)