Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

બે શખ્સોએ ભેગા મળી મિત્રની હત્યા કરી નાખી

લાશ દાટ્યા બાદ તેના ખાતામાંથી ૨ લાખ ઉપાડ્યા : પીપાવાવ પોર્ટમાં એક ખાનગી કંપનીમાં મજૂરીકામ કરતાં મજૂરની થોડા દિવસ પહેલા લાશ મળી હતી

રાજકોટ, તા. ૨૧ : અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચે (એલસીબી) ઉત્તરપ્રદેશના વતનીની હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે, જેની લાશ થોડા દિવસ પહેલા પીપાવાવ પોર્ટ પાસે દાટેલી હાલતમાં મળી આવી હતી. એલસીબીએ પોર્ટ પર મજૂરી કામ કરતા અનિલ ચોબાલીની હત્યાના કેસમાં અનિલ સરદાર (ઉંમર ૩૦) અને બાબુનંદ સરદાર (ઉંમર ૪૨)ની ધરપકડ કરી હતી. ચોબાલીની હત્યા ૧૩મી જાન્યુઆરીએ ધારદાર હથિયારથી કરવામાં આવી હતી અને બાદમાં બંનેએ તેની લાશ લેબર કોલોની પાસેની ઝાડીઓ પાછળ દાટી દીધી હતી. ૧૪મી જાન્યુઆરીના રોજ જમીનમાંથી શરીરનો થોડો ભાગ બહાર દેખાતા એક સિક્યુરિટી ગાર્ડે પોલીસને આ અંગે જાણ કરી હતી. ત્રણેય પોર્ટની અંદર એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. રસપ્રદ વાત એ હતી કે, ચોબાલીની હત્યા કરવાના અનિલ અને બાબુનંદના હેતુઓ અલગ હતા. બાબુનંદને તેને જે મહિલા સાથે અફેર હતું તેની સાથે ચોબાલી વાત કરે તે પસંદ નહોતું, જ્યારે અનિલને પૈસાની જરૃર હતી અને તેથી જ મૃતકના પેટીએમમાંથી તેણે તેની પત્ની તેમજ ભાઈના ખાતામાં ૨ લાખ રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા. એલસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, હત્યારાઓ તેમજ તેના હેતુ વિશે શોધવાનું મુશ્કેલ હતું. કારણ કે, તમામ મજૂરો એકસાથે કામ કરતા હતા અને એક જ કોલોનીમાં સાથે રહેતા હતા, જ્યાં સીસીટીવી પણ નથી. અનિલ સરદાર અને બાબુચંદ ખાનગી કંપની માટે કોન્ટ્રાક્ટર છે તેમજ બિહારના એક જ ગામના વતની છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, બાબુચંદને કંપનીમાં કામ કરતી એક મહિલા કામદાર સાથે અફેર હતું, જે વાત ચોબાલીને પસંદ નહોતી. ૧૩મી જાન્યુઆરીએ બાબુચંદ અને ચોબાલી વચ્ચે આ મુદ્દાને લઈને

ઉગ્ર ઝઘડો થયો હતો. બાબુનંદે તેનો પીત્તો ગુમાવ્યો હતો અને ચોબાલીને પાવડાના ઘા માર્યા હતા. આ દરમિયાન, અનિલ અચાનક ત્યાં આવ્યો હતો અને હત્યાનો સાક્ષી બન્યો હતો. બાબુચંદે અનિલને મોટી રકમનું વચન આપીને હત્યાની વાત કોઈને જાહેર ન કરવા માટે કહ્યું હતું. અનિલ તરત જ સંમત થઈ ગયો હતો કારણ કે તે દેવા હેઠળ હતો અને તેને પૈસાની ખૂબ જરૃર હતી. ૨ વાગ્યાની આસપાસ, બંનેએ ચોબાલીની લાશને પોર્ટ પાછળ આવેલી ઝાડીઓમાં દાટી દીધી હતી. અમરેલી જિલ્લાના પોલીસ સુપ્રીટેન્ડેન્ટ (ડીએસપી) નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે, 'ગુનાનો હેતુ જાણવો તે શરૃઆતમાં પડકારજનક હતું. જો કે, શંકાસ્પદોની પૂછપરછ બાદ, અમને પેટીએમ ટ્રાન્ઝેક્શન મળ્યા હતા જે મૃતકની મોબાઈલ એપ્લિકેશનમાંથી કરવામાં આવ્યા હતા. અનિલ સરદાર દ્વારા પેમેન્ટ એપનો ઉપયોગ કરીને કુલ ૨ લાખ રૃપિયા તેના સંબંધોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એલસીબીના ઈન-ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર આર.કે. કરામતાએ જણાવ્યું હતું કે, 'ચોબાલીને મોબાઈલનો ઉપયોગ કરતાં ફાવતું નહોતુ અને અનિલ ઘણીવાર પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેના પરિવારના સભ્યોને પૈસા ટ્રાન્સફર કરી આપવામાં મદદ કરતો હતો. તેથી તે પાસવર્ડ અને યુપીઆઈ પિન જાણતો હતો. જ્યારે તેના મૃત્યુ બાદ અમે ટ્રાન્ઝેક્શન ચકાસ્યા ત્યારે બંને ખાતા અનિલની પત્ની અને ભાઈના હોવાનું જાણવા મળ્યું હતું'.

 

(8:00 pm IST)