Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

સોમનાથ સહિત દેશભરની સાંસ્કૃતિક ધરોહરો રાષ્ટ્રીય એકતા સાથે એક ભારત -શ્રેષ્ઠ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે : સાત વર્ષથી દેશમાં પર્યટનની સંભાવનાઓને સાકાર કરવા અવિરત પ્રયાસો થઈ રહ્યા છે : સોમનાથ, દ્વારકા, બેટ દ્વારકા ગિરનાર ,અંબાજી, પાવાગઢ અને સાપુતારા સહિત ગુજરાતના પ્રવાસન સ્થળોનો સર્વગ્રાહી વિકાસ થઈ રહ્યો છે : દેશના સાંસ્કૃતિક સ્થળો -પર્યટન સ્થળોના વિકાસમાં સરકારોની સાથે સંસ્થાઓના પણ મહત્વના પ્રયાસો : દેશમાં પર્યટન વિકાસ માટે સ્વચ્છતા, સુવિધા, સમય અને વિચારધારા આ ચાર બાબતોને જોડી કામ થઇ રહ્યું છે : સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા દેશનું ગૌરવ છે, અત્યાર સુધીમાં ૭૫ લાખ યાત્રિકોએ મુલાકાત લીધી : સોમનાથના સર્કિટ હાઉસથી સમુદ્રની લહેર અને સોમનાથ મહાદેવના શિખરના દર્શનની સાથે યાત્રિકોને ભારતની ચેતનાની પણ અનુભૂતિ થશે : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં સરદાર સાહેબના સપના સાકાર થઇ રહ્યા છે: વડાપ્રધાનના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતી તરફના થતા પ્રયાસો દેશ-દુનિયાને નવી દિશા આપશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્યના દરિયાકાંઠાને ટુરીઝમ સર્કિટ સાથે જોડી સોમનાથ સહિત સાંસ્કૃતિક સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે : પ્રવાસન- યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઇ મોદીસોમનાથમાં રૂપિયા ૩૦.૫૫ કરોડના ખર્ચે ગુજરાત સરકાર દ્વારા નિર્મિત આધુનિક અતિથિગૃહ સર્કિટ હાઉસ નું ઇ- લોકાર્પણ કરતાં વડાપ્રધાન : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ અને સાંસદ સી .આર. પાટીલ ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

ગીર સોમનાથ તા. ૨૧ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સોમનાથ પ્રભાસ ક્ષેત્રમાં ગુજરાત સરકાર દ્વારા રૂપિયા ૩૦. ૫૫ કરોડના ખર્ચે નિર્મિત આધુનિક અતિથિગૃહ સર્કિટ હાઉસનું ઈ -લોકાર્પણ કર્યું હતું. 

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નવસારીના સાંસદ શ્રી સી. આર . પાટીલ વર્ચુઅલી ઉપસ્થિત રહ્યા હતા.તેમજ સોમનાથ નવનિર્મિત સર્કિટ હાઉસ ખાતે માર્ગ મકાન તથા પ્રવાસન યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી અને રાજ્ય મંત્રી શ્રી અરવિંદ ભાઇ રૈયાણીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં કોવીડ પ્રોટોકોલ સાથે સમારોહ યોજાયો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથમાં અતિથી ગૃહનું વર્ચુઅલ લોકાર્પણ કરતા સગૌરવ જણાવ્યું હતું કે સોમનાથ સહિતની દેશની સાંસ્કૃતિક વિરાસતો રાષ્ટ્રીય એકતા સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત નું પણ પ્રતિનિધિત્વ કરે છે. વધુમાં કહ્યું કે, આઝાદી કા મહોત્સવના માધ્યમથી આપણે અતિતમાંથી જે શીખવા માગીએ છીએ, તેના માટે સોમનાથ જેવા આસ્થા અને સંસ્કૃતિક સ્થળો તેના મુખ્ય કેન્દ્રો છે.સ્વદેશ દર્શન યોજના હેઠળ દેશમાં ૧૫ થીમ આધારિત પ્રવાસન સર્કિટસ વિકસિત કરવામાં આવી રહ્યી છે

 

વડાપ્રધાનશ્રીએ આ પ્રસંગે સ્પષ્ટ કહ્યું કે દુનિયાના દેશોમાં જેટલા પ્રવાસન સ્થળો કોઈ એક દેશમાં હોય એટલા પ્રવાસન સ્થળો તો આપણા દેશના એક એક રાજ્યમાં છે. વડાપ્રધાને દરેક રાજ્યમાં આવેલા પ્રાચીન સ્થળો નો ઉલ્લેખ કરીને જણાવ્યું કે દેશની સમૃદ્ધિમાં અને દેશના નવ યુવાનોને અવસર આપવામાં પ્રવાસન સ્થળોને ઉજાગર કરવાના વિકાસકાર્યો એક મહત્વની ભૂમિકા ભજવે છે.

આ સંદર્ભમાં વડાપ્રધાનશ્રીએ કહ્યું કે પાછલા સાત વર્ષથી દેશે પર્યટન સ્થળોની અપાર સંભાવનાઓને સાકાર કરવાના અવિરત પ્રયાસો કર્યા છે.

વડાપ્રધાનશ્રીએ પોતે સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાયેલા હોવા સંદર્ભે કહ્યું કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં યાત્રિકો ની સુવિધા માટે અવિરત પ્રયાસો અને કામો કરવામાં આવી રહ્યા છે . સોમનાથમાં છેલ્લા કેટલાક વર્ષોમાં એક પછી એક વિકાસ કાર્ય થઈ રહ્યા છે. જે સોમનાથ દાદાની વિશેષ કૃપા છે.

થોડા સમય પહેલા સમુદ્ર પથ, એક્ઝિબિશન ગેલેરી સહિત પ્રકલ્પો નું લોકાર્પણ અને મા પાર્વતી ના મંદિરના શિલાન્યાસ સહિત વિવિધ કાર્યોનો ઉલ્લેખ કરીને વડાપ્રધાનશ્રીએ કહ્યું કે સોમનાથ ક્ષેત્રમાં ઉપલબ્ધ થઇ રહેલી આ સુવિધાથી દિવ,ગીરથી માંડીને બેટ દ્વારકા સુધીની સર્કિટથી સોમનાથ સેન્ટર બનશે. સોમનાથમાં ગુજરાત સરકાર દ્વારા નિર્મિત સર્કિટ હાઉસમાં રોકાનાર યાત્રિકોને દરિયાની લહેરો તેમજ સોમનાથ મહાદેવના મંદિરનું શિખર આ બંને ના દર્શન થશે અને નવી ચેતના જાગશે.

વડાપ્રધાનશ્રીએ વધુમાં ઉમેર્યુ કે સોમનાથ મંદિરને તબાહ અને પછી જે પરિસ્થિતિમાં સરદાર સાહેબ દ્વારા જીર્ણોદ્ધાર આ બંને બાબતો એક મોટો સંદેશ છે. વડાપ્રધાનશ્રીએ પર્યટન વિકાસને વોકલ ફોર લોકલ સાથે જોડી નવા દ્રષ્ટિકોણની પણ રૂપરેખા આપી હતી.

વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં દ્વારકા, બેટ દ્વારકા ,સોમનાથ અંબાજી પાવાગઢ ,સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ,ગિરનાર સફેદ રણ ,સહિતના સ્થળોએ થયેલા વિકાસ કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી માં અત્યાર સુધી ૭૫ લાખ યાત્રિકોએ મુલાકાત લીધી છે તેમ પણ સગૌરવ જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે દેશની હેરિટેજ સાઇટો આપણી સાંસ્કૃતિક વિરાસતો ના વિકાસ નું મોટું ઉદાહરણ છે. આજે દેશ પર્યટનને સમગ્ર રૂપે હોલીસ્ટીક વે માં જોઈ રહ્યો છે. સ્વચ્છ ભારતના અભિયાનથી પવિત્ર સ્થળોની પણ તસ્વીર બદલાઈ ગઈ છે.સરકારે દિલ્હીમાં બાબાસાહેબ મોમેરિયલનું અને અન્ય બીજા નવા ગૌરવશાળી સ્થળોનું નિર્માણ કરી તેમને ભવ્યતા આપવામાં આવી રહી છે

આ પ્રસંગે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં સાંસ્કૃતિક ધરોહરોના જીર્ણોદ્ધાર સાથે નવી સુવિધા ઉપલબ્ધ થઇ રહી છે. મુખ્યમંત્રીશ્રીએ હર્ષ ની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે વડાપ્રધાન સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન છે અને તેમના માર્ગદર્શનમાં સોમનાથમાં યાત્રિકોની સુવિધા માટે અનેક કાર્યો પૂર્ણ થયા છે. વડાપ્રધાન શ્રી ના દષ્ટિવંત નેતૃત્વમાં ગ્રીન એનર્જી કલીન એનર્જી અને પર્યાવરણ સુરક્ષા ના સર્વગ્રાહી પગલાં સાથે પ્રાકૃતિક ખેતીને પણ નવી દિશા મળી રહી છે તેમ જણાવી વડાપ્રધાનશ્રીના પ્રયાસો દેશ-દુનિયામાં પ્રાકૃતિક પ્રત્યેના દ્રષ્ટિકોણને નવા આયામો આપશે અને લોકોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી બનશે તેમ પણ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ સહિત ગુજરાતના પ્રવાસન તીર્થધામો ના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અવિરત પ્રયાસો કરી ટુરીઝમ સેકટરને વિકસાવી રોજગારી નિર્માણ અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનાની ઉપલબ્ધિઓ અને રાજ્યમાં થયેલા આ યોજના હેઠળના કાર્યોનો ઉલ્લેખ કરી પર્યટન અને અને તીર્થ સ્થળના વિકાસ માટે રાજય સરકાર કટિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.

આ પ્રસંગે માર્ગ મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કાશી વિશ્વનાથ, સોમનાથ સહિત સાંસ્કૃતિક વિરાસત ના સ્થળોનો ગરિમા સાથે પર્યટન લક્ષી વિકાસ થઈ રહ્યો છે તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. નવનિર્મિત સર્કિટ હાઉસ ને લીધે વિશેષ સુવિધા ઉપલબ્ધ થશે એમ પણ જણાવ્યું હતું.

ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના દિશા દર્શનમાં રાજ્યના પ્રવાસન અને તીર્થસ્થળો વિકસાવવા માટે ટુરિઝમ સર્કિટ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ જણાવી પ્રવાસન સ્થળોના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીએ દેશ-દુનિયામાંથી સોમનાથ તીર્થના દર્શનાર્થે આવતા ભાવિકો માટે વિકસાવેલી અદ્યતન સુવિધા જાણકારી આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને આત્મનિર્ભર ગુજરાત થકી સાકાર કરવા આહવાન કર્યું હતું.

સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમાએ જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાને પ્રવાસનનું પ્રવેશદ્વાર ગણાવતા રાજ્ય સરકાર દ્વારા પવિત્ર યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ વિકસાવેલ સુવિધાઓની જાણકારી આપી હતી. આ સાથે તેમણે જણાવ્યું કે, તીર્થ સ્થળોને પ્રવાસન સાથે જોડીને વિકાસને નવી ગતિ આપી શકાય તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી પરમારે પ્રાસંગિક વક્તવ્ય આપતા સોમનાથ તીર્થનું મહાત્મય જણાવ્યું હતું.

રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમારએ યાત્રાધામ સોમનાથ અને રાજ્યના પ્રવાસન વિકાસની ગતિવિધિઓની જાણકારી આપતા સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમજ આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી એસ. બી. વસાવાએ ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

સોમનાથનું મહાલય જેવું લાગતું નવનિર્મિત અતિથિ ગૃહ માં આલીશાન ચાર માળ, કુલ પ્લોટ ૧૫૦૦૦ ચો.મી. એરીયામાં ફેલાયેલ છે. જેનો કુલ કાર્પેટ એરિયા ૭૦૭૭.૦૦ ચો.મી. છે. અધ્યતન સુવિધા સાથેના આ સરકીટ હાઉસમાં ૨ વીવીઆઈપી સ્યુટ રૂમ, ૮ વીવીઆઈપી રૂમ, ૮ વીઆઈપી રૂમ, ૨૪ ડીલક્ષ રૂમ સાથે કિચન, જનરલ અને વીઆઈપી ડાઈનીંગ, સ્ટોર રૂમ, કોન્ફરન્સ રૂમ અને ૨૦૦ લોકોને સમાવતો ઓડીટોરીયમ હોલ સહિતની સુવિધાઓ વિકસાવવમાં આવી છે.

આ અતિથીગૃહના લોકાર્પણ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, પુર્વ મંત્રી શ્રી જસાભાઇ બારડ, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ઝવેરી ભાઈ ઠકરાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર. આર. રાવલ, કલેકટર રાજદેવસિંહ ગોહિલ નગરપાલિકાના પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી, પૂર્વ ધારાસભ્ય શ્રી રાજશીભાઈ જોટવા શ્રી જેઠાભાઈ સોલંકી , સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંહ પરમાર, સહિતના મહાનુભાવો ઉપરાંત કલાકાર સર્વ શ્રી માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવી, આદિત્ય ગઢવી, અરવિંદ વેગડા, ઉર્વશી રાદડિયા, કિંજલ રાજપ્રિય જેવા નામાંકિત કલાકારો ઉપરાંત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ મયુર વાકાણી ઉપસ્થિત રહ્યા હતા.

(3:55 pm IST)