Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

પોરબંદર જિલ્લામાં કોરોનાના રેકર્ડ બ્રેક ૧૧૫ કેસો : ૮ વીજ કર્મચારીઓ, ૫ એસ.ટી. કર્મચારીઓ તથા ૨૧ બાળકો કોરોનાની ઝપટે

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૧ : જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરના રેકર્ડ બ્રેક ૨૪ કલાકમાં ૧૧૫ કોરોના પોઝિટિવ કેસો આવ્યા છે. જિલ્લામાં ૮ વીજ કર્મચારીઓ, ૫ એસ.ટી. કર્મચારીઓ તથા ૨૧ બાળકો સહિત કોરોના સંક્રમણની ઝપટે ચડી ગયેલ છે.

જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં ૨૪ કલાકમાં પ્રથમ વખત કોરોનાના ૧૧૫ પોઝિટિવ કેસો આવ્યા છે. જિલ્લામાં એસ.ટી. વિભાગના એક ડ્રાઇવર, ૨ કંડકટરો તથા ૨ કલાર્ક તેમજ પીજીવીસીએલના ૫ ઓફિસ કર્મચારીઓ તથા ૩ ફીલ્ડ કર્મચારીઓને કોરોના સંક્રમણ લાગ્યું છે. ઉપરાંત ૨૧ જેટલા બાળકોને પણ કોરોના વાયરસ લાગ્યો છે.

ગઇકાલે ૧૨૨૮ વ્યકિતઓના કોરોના અંગે સેમ્પલ લીધા હતા. જેમાંથી ૧૧૫ વ્યકિતઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવેલ છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા ૧૧ દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. વર્તમાન સ્થિતિએ કોરોનાના ૨૫૨ કેસ એકટીવ છે.

(12:50 pm IST)