Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

જામનગરના લીંબુડામાં ગૌ આધારિત ખેતી કરીને મબલક પાકનું ઉત્પાદન

ખેડૂત રમેશભાઇ ગાંભવાએ વડિલોપાર્જિત ૧૦ વિઘા જમીનમાં ચાર વર્ષથી પ્રાકૃતિક અને ગૌ આધારિત ખેતી તરફ વળ્યા

જામનગરના જોડીયા પંથકમાં આવેલા લીંબુડા ગામના ખેડૂત રમેશભાઈ ગાંભવાએ પોતાની વડીલોપાર્જિત ૧૦ વીઘા જમીનમાં છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક અને ગૌ આધારિત ખેતી તરફ વળ્યા છે અને આ વર્ષે ઘઉંનું વાવેતર કર્યું છે.ગૌવંશના ગૌમૂત્ર અને પ્રાકૃતિક દ્રવ્યોમાંથી બનાવાયેલ જીવામૃત થકી પાકમાં સારો મોલ ખેતરમાં ઊભો છે. જે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૧ : જામનગર જિલ્લાના ખેડૂતો આજના મોંઘાદાટ અને આધુનિક યુગમાં હવે પ્રાકૃતિક અને ઝીરો બજેટ ખેતી તરફ વળ્યા છે. એક તરફ ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર ના ભાવ આસમાને છે ત્યારે આજે પણ કેટલાક ખેડૂતો ગૌ આધારિત ખેતી કરી સારો પાક મેળવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે ખાસ અનુરોધ કરાયો છે. ત્યારે જ જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામના ખેડૂત રમેશભાઈ ગાંભવા એ પોતાના દસ વીઘાના ખેતરમાં છેલ્લા ચાર વર્ષથી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અમારા પ્રતિનિધિ કિંજલ કારસરીયાએ જયારે આ પ્રાકૃતિક ગૌ આધારિત ખેતી કરતા ખેડૂત રમેશભાઈ ગંભવા સાથે વાત કરતા હતા ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં પોતાના ખેતરમાં મગફળી, ચણા, રાય અને ઘઉંનો પાક કુદરતી અને પ્રાકૃતિક સામગ્રીઓનો ઉપયોગ કરી વાવેતર કર્યું છે.

લીંબુડા ગામના વતની રમેશભાઈ પોતાના વડીલો પાર્જિત ખેતીની જમીનમાં ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. છેલ્લા દોઢ માસથી પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું છે અને આ ઘઉંના પાકમાં તેઓ ગાયનું છાણ, ગૌમુત્ર, દેશી ગોળ, ચણાનો લોટ, અને વડલાના વૃક્ષ નીચે થી માટી લઈને મિશ્રણ કરી જીવામૃત બનાવે છે. જે જીવામૃત નો ઘઉંના પાકમાં છંટકાવ કરી ઓછા ખર્ચે સારી ખેતી કરી રહ્યા છે.ઙ્ગ

આજના યુગમાં આધુનિકતા તરફ વળેલા વિજ્ઞાનને લઈને અનેક દવાઓ બજારમાં હોય છે. તેના ભાવ પણ ખૂબ મોંઘાદાટ હોય છે. તેવા સમયે ઘર આંગણે ગૌ આધારિત ખેતી કરી ખૂબ ઓછા ખર્ચે મહેનત કરી સારો પાક મેળવી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે. આજના હાઇજેનિક યુગમાં સાચું અને સારૃં ખાવા માટે ધાન્ય નથી મળતું ત્યારે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી થી ઉગાડવામાં આવતા ઘઉં સહિતના ધાન્ય પાકો લોકોના આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. ત્યારે માત્ર દોઢ મહિનાના મહેનતથી ખેતરમા ઉગાડેલા પાકોના પણ જાણે કિલ્લોલ કરતો હોય તેમ મહેકતો જોવા મળી રહ્યો છે.

(12:47 pm IST)