Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ચાંપરડા બ્રહ્માનંદધામ ખાતે ૧૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર શિવ મંદિરનો સાધુ-સંતોની ઉપસ્થિતિમાં શિલાન્યાસ

ઉપરોકત તસ્વીરમાં ઉપસ્થિત સાધુ-સંતો નજરે પડે છે (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૧ :. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ચાંપરડા ગામે આવેલ બ્રહ્માનંદધામ ખાતે ૧૫ કરોડના ખર્ચે અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. મુકતાનંદબાપુ દ્વારા નિર્માણ થનાર શિવ મંદિરનો સાધુ-સંતોની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કરાયો હતો.

જેમા પૂ. મુકતાનંદબાપુ પરબધામના પૂ. કરશનદાસબાપુ, પૂ. શેરનાથબાપુ તથા પૂ. વલકુબાપુ - સતાધારથી પૂ. વિજયબાપુ તેમજ ચોટીલાથી પૂ. નરેન્દ્રબાપુ, વાકુતીધારથી કરૂણાનિધીદાસબાપુ, પાળીયાદથી પૂ. ભયલુભાઈ, દ્વારકાથી પૂ. કેશવાનંદજીબાપુ, બોટાદથી પૂ. આભાનંદજી સહિતના સંતો અને ભકતોની ઉપસ્થિતિમાં શિલાન્યાસવિધિ શાસ્ત્રોકતવિધિ સાથે કરવામાં આવી હતી.

પૂ. મુકતાનંદબાપુ એ જણાવ્યુ હતુ કે બ્રહ્માનંદધામ ખાતે નિર્માણ થઈ રહેલ આ મંદિરમાં શિવમંદિર તથા ગાયત્રી મંદિર અખાડાની પરંપરાની સાત ડેરીઓનું એક ભવ્ય મંદિર નિર્માણ પામશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોરઠ પંથકમાં માનવ સેવા એ જ પ્રભુસેવા સૂત્રને ચરિતાર્થ કરતા કરૂણામૂર્તિ ક્રાંતિકારી સંત પૂ. મુકતાનંદબાપુ દ્વારા ચાંપરડા ખાતે જય અંબે મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ, વૃદ્ધાશ્રમ, અંધ શાળા, ગૌશાળા સહિત સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. કાર્યક્રમનું સંચાલન પૂ. વિજયબાપુએ કર્યુ હતુ અને વ્યવસ્થા પૂ. સદાનંદબાપુ દ્વારા ગોઠવવામાં આવેલ અને મળતી વિગતો મુજબ આ નિર્માણ થઈ રહેલ મંદિરની સંપૂર્ણ દેખભાળ સતાધારના મહંત પૂ. વિજયબાપુ કરી રહ્યા છે.

(12:45 pm IST)