Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

અગતરાયમાં ૧૮ લાખનો દારૂ પકડાયો

(કમલેશ જોષી દ્વારા) કેશોદ,તા.૨૧:  તાલુકાના અગતરાય ગામ નજીક આવેલાં જેટકો સબ સ્ટેશનમાં જુનાગઢ એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી રૂપિયા ૧૮.૮૮ લાખની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો પકડી લઇ જેટકોમાં કરાર પર ફરજ બજાવતા એક કર્મચારીની અટક કરી કુલ ૧૮.૯૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જયારે બે બુટલેગર હાજર મળ્યાં ન હતા.

 મંગલપુર રોડ પર આવેલ ૬૬ કેવી સબ સ્ટેશનનાં કમ્પાઉન્ડમાં અગતરાય ગામનાં કાસમ રફીક ગામેતી અને ટીકર ગામનાં રફીક ઉર્ફે ભોણીયો ઇસ્માઇલ સાંધ નામના બુટલેગર દારૂનો જથ્થો ઉતર્યો હતો અને તેનું કટીંગ કરવામાં આવતું હોવાની બાતમી જુનાગઢ એલસીબીને મળતા જેનાં આધારે પીઆઇ એચ. આઇ. ભાટી પીએસઆઇ એ. ડી. વાળા તથા પોલીસ સ્ટાફે જેટકો સબ સ્ટેશનમાં દરોડો પાડ્યો હતો ત્યાં હાજર કેશોદ રહેતા અને જેટકોના કરાર પર ફરજ બજાવતા સંજય ભરત વાસણ ઉ. વ.૨૮ ભાગવા જતા એલસીબીએ ઝડપી લીધો હતો બાદમાં કમ્પાઉન્ડમાં તપાસ કરતા ૧૧ કેવી દીવાલની પાછળ ભાગેથી દારૂની પેટી જોવા મળી હતી જેની તપાસ કરી ગણતરી કરતા કુલ રૂપિયા ૧૮.૮૮ લાખની કિંમતનો ૯૬૭૨ બોટલ દારૂ અને બિયરની બોટલનો જથ્થો હોવાનું ખુલ્યું હતું જુનાગઢ એલસીબીએ સંજયને પકડી તેની અટક કરી દારૂ અને મોબાઇલ સહીત કુલ રૂપિયા ૧૮.૯૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી સંજય વાસણ અને હાજર નહિ મળી આવેલ અગતરાયનાં બુટલેગર કાસમ રફીક ગામેતી. અને ટીકરનાં રફીક ઉર્ફે ભોણીયો ઇસ્માઇલ સાંધ સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

(12:44 pm IST)