Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

મોરબીમાં કોરોનાને ડામવા ૧૪૩ ટીમો સર્વે માટે કામે લગાડાઇ.

મોરબી જિલ્લામાં કોરોનાની શરૂ થયેલી ત્રીજી લહેરની ગાડી સીધી જ ટોપ ગીયરમાં દોડવા લાગતા કોરોના બૉમ્બ ફૂટ્યો હતો. જેમાં ગઈકાલે તો કોરોનાએ હદ કરી નાખી છે રવિવારે પોણા બસ્સોથી વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એક્શન મોડ ઉપર આવ્યું છે. આથી આરોગ્ય તંત્રએ ફરીથી ડોર ટુ ડોર સર્વેનો એકડો ઘૂંટયો છે અને કોરોનાને નાથવા માટે સઘન સર્વની કામગીરી આરંભી દેવામાં આવી છે.
મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની ત્રીજી લહેરને નિયત્રણમાં લાવવા માટે સર્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના મોરબી, માળીયા, હળવદ, વાંકાનેરના સીટી વિસ્તારમાં જ આ કામગીરી કરવામાં આવી રહી છે. સર્વમાં જોડાયેલા કર્મીઓને અગાઉ સઘન તાલીમ આપીને મેદાને ઉતારાયા છે. જેમાં મોરબીમાં ૧૦૦ ટીમ, માળીયામાં ૭ ટીમ, હળવદમાં ૧૬ ટીમ, વાંકાનેરમાં ૨૦ ટીમ મળી ૧૪૩ જેટલી ટીમો સર્વમાં જોડાઈ છે.આ ૧૪૩ ટીમોમાં ૧૨૦ જેટલા શિક્ષકો, ૩૮ આંગણવાડી વર્કર, ૪૨ જેટલા આશાવર્કર મળીને કુલ ૨૦૦ જેટલા સ્ટાફનો સમાવેશ થાય છે. ડોર ટું ડોર સર્વદરમિયાન ઘરમાં કેટલા સભ્યો, શરદી, ઉધરસ અને તાવના લક્ષણો, ૬૦ વર્ષથી ઉપરના લોકો અને આ લોકોને ડાયાબિટીસ, શ્વાસના રોગો સહિતની ગંભીર બીમારી છે કે તેની ચકાસણી કરાશે. અને ગંભીર બીમારીના લક્ષણો દેખાશે તો તેઓને જરૂર પડ્યે વધુ સારવાર માટે ખસેડાશે.

(11:31 am IST)