Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

મોરબીમાં વેરા ન ભરનારના નામ હોર્ડિંગ પર મુકો તો પાલિકાનો ઓડિટ રિપોર્ટ પણ મુકજો

સામાજીક અગ્રણીની પાલિકા પાસે માર્મિક રજુઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૨૧: મોરબીમાં જેના વેરા ભરવાના બાકી હોય તેવા અરજદારોના નામ જાહેર હોર્ડિંગ ઉપર મુકવાની પાલિકાની જાહેરાતની સાથે નગરપાલિકાના ઓડીટ રીપોર્ટ, તેની પૂર્તતા, બજેટની જોગવાઈઓ અને થયેલ કામો પણ જાહેર હોર્ડિંગ ઉપર મુકવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાને લેખિત રજૂઆત કરી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે મોરબી નગરપાલિકા દ્વારા તાજેતરમાં થયેલ પ્રેસ પ્રસિદ્ઘ અન્વયે જે નાગરીકો/સંસ્થો વગેરે હસ્તક મોટી રકમના લાંબા સમયથી બાકી રહેલ વેરા વસુલ કરવા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે પ્રસંશાને પાત્ર છે. અને હવે વેરા ન ભરનારના નામો હોર્ડિંગ મુકવાની વાત છે. તે યોગ્ય છે. આવા વેરા ન ભરનારના નળ જોડાણો કાપીને તેમને ફરજનું ભાન કરાવવાનું કામ સરાહનીય છે.

પરંતુ ગુજરાત નગર નિયામક આયોજન મંડળ જે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. તે શહેરના વિકાસના કામમાં વાપરવાની હોય છે, આ કામોના આયોજનનું દર વર્ષે ઓડીટ કરવામાં આવે છે. જે રીપોર્ટમાં લેવામાં આવેલ રીમાર્કની પૂર્તતા યોગ્ય રીતે કરીને તેનો જવાબ આપવાનો હોય છે. અને જો તેમાં ગેરરીતી માલુમ પડેલ હોય તો તેના માટે શું પગલા લીધા તે પણ સાર્વજનિક કરીને હોર્ડિંગ પર મુકો. જો આવું કરશો તો વહીવટ ખુબ જ પારદર્શક છે. તેવું લોકોને માલુમ પડશે. જે બદલ બધા પદાધિકારીઓનું જાહેર સન્માન કરાશે.

તો આવા ઓડીટ રીપોર્ટ સાર્વજનિક કરો, જેની રીમાર્કની કરેલ પૂર્તતાઓ સાર્વજનિક કરો અને તેને હોર્ડિંગ પર મુકો. અને દર વર્ષે બજેટમાં કરેલ જોગવાઈ અને તેની સામે થયેલ કામનું લીસ્ટ પણ સાર્વજનિક કરીને હોર્ડિંગ પર મુકો. તેથી, લોકોને માલુમ થાય કે તેઓએ ચુંટીને મોકલેલ તેઓના પ્રતિનિધિ કેવું સેવાનું કામ કરે છે. લોકોને તેનો કેવો લાભ મળે છે. તેમજ ગત વર્ષના બજેટમાં કરેલ જોગવાઈઓમાંથી કેટલા કામો થયા તે ખાસ જણાવવા વિનંતી કરવામાં આવી છે.

(11:14 am IST)