Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

પાટીદાર સમાજ દરેક ક્ષેત્રમાં મજબૂત - સક્ષમ નિષ્ઠાવાન નેતા પસંદ કરે

ખોડલધામ એક વિચાર છે, તેને મજબૂત કરો : નરેશ પટેલ

ખોડલધામમાં અન્ય સમાજોનું પણ યોગદાન છે, દરેક સમાજના મહાપુરૂષોની પ્રતિમા ખોડલધામ સંકુલમાં મૂકાશે : રાજકોટ પાસે ૫૦ એકર જમીનમાં આરોગ્ય - શિક્ષણ સંકુલ બનશે : સોમનાથમાં સમાજની વાડીનું ટૂંક સમયમાં લોકાર્પણ થશે : પાટીદારો કલા સાહિત્ય - રમત - ગમત - મીડિયા વગેરે ક્ષેત્રમાં આગળ વધે : મુખ્યમંત્રી - પ્રધાનો - ઉદ્યોગકારોએ ઓનલાઈન સંદેશ આપ્યા દેશ-વિદેશમાં લાખો પાટીદારોએ ઓનલાઈન મહોત્સવ માણ્યો

રાજકોટ, તા. ૨૧ : ખોડલધામના પાટોત્સવમાં ખોડલધામના મોભી નરેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે ખોડલધામ સંસ્થા નહિં, વિચાર છે, તેને મજબૂત કરો. આ વિચારને માત્ર લેઉઆ પટેલના જ નહિં, અન્ય સમાજનો પણ સહયોગ મળ્યો છે. તેના આપણે ઋણી છીએ.

નરેશભાઈએ સંકલ્પ કર્યો હતો કે ખોડલધામ સંકુલમાં દરેક સમાજના મહાપુરૂષોની પ્રતિમાઓ પ્રસ્થાપિત કરવામાં આવશે.

નરેશભાઈએ જણાવ્યુ હતું કે રાજકોટ પાસે ૫૦ કિ.મી. દૂર અમરેલીમાં ૭૫૦ એકર જમીન પર પાટીદાર સમાજનું વિશાળ શૈક્ષણિક - આરોગ્ય સંકુલ બનશે. નરેશભાઈએ કહ્યું હતું કે પાટીદાર સમાજ વિવિધ ક્ષેત્રે મજબૂત - નીતિવાન અને સક્ષમ આગેવાનોને પસંદ કરે.

ખોડલધામે પાંચ વર્ષમાં અનેક સંકલ્પો સિદ્ધ કર્યા છે. નરેશભાઈ કહે છે કે સમાધાન પંચે પાટીદારોના પરિવારોના ૨૦૦૦ પ્રશ્નો ઉકેલ્યા છે. હજારો પાટીદાર દીકરા - દીકરીઓને શિક્ષણ - ટ્રેનીંગ આપીને સરકારી નોકરીમાં લગાવ્યા છે.

નરેશભાઈએ જણાવ્યુ હતું કે ખોડલધામે ઉત્સવોમાં લાખો લોકો આવ્યા હતા. કોઈ અણ બનાવ ન બન્યા. તે મા ખોડલના આશીર્વાદ ગણાય. નરેશભાઈએ સોમનાથમાં સમાજની વાડીના નિર્માણની વાત કરીને કહયું હતું કે, ટૂંક સમયમાં લોકાર્પણ થશે. નરેશભાઈએ કહયું હતું કે પાટીદાર યુવા વર્ગ શિક્ષણ- સાહિત્ય- સંગીત- કલા- રમત- ગમ્મત અને મીડિયા વગેરે ક્ષેત્રેમાં આગળ આવે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમાજની જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ ખોડલધામ છે. સમાજના સર્વાંગી વિકાસમાં ખોડલધામનું યોગદાન છે. લાખો પરિવારોને આ સંસ્થાએ તાંતણે બાંધ્યા છે.

મનસુખભાઈ માંડવિયા

કેન્દ્રિય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, ખોડલધામ પાટીદારોના આત્મ ગૌરવનું પ્રતીક છે. રાષ્ટ્રના નિર્માણમાં પાટીદારોનું યોગદાન વધે તેવી શુભેચ્છા.

જીતુભાઈ વાઘાણી

ગુજરાતના પ્રધાન જીતુભાઈએ જણાવ્યુ હતું કે ખોડલધામ સંકુલ પાટીદારોની એકતા - સમાનતા અને આસ્થાનું પ્રતિક બન્યુ છે. નરેશભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિ - કુશળતાનો લાભ સમાજને મળી રહ્યો છે.

સિદ્ધાર્થભાઈ પટેલ

કોંગ્રેસના આગેવાન સિદ્ધાર્થભાઈએ જણાવ્યુ હતું કે ખોડલધામ પાટીદારોના ઈતિહાસનું સુવર્ણ પેઈજ છે. તમામ સમાજને સાથે રાખીને સર્વગ્રાહી વિકાસ થાય તેવી શુભેચ્છા છે.

તુલસીભાઈ તંતી

સુજલાન ગ્રુપના તુલસીભાઈ તંતીએ કહ્યું હતું કે કોરોનામાં ખોડલધામ થકી પાટીદારોએ સર્વ સમાજની સેવા કરી તે અભિનંદનીય છે. નરેશભાઈ સમાજના સર્વાંગી વિકાસ માટે સક્રિય છે. તે પ્રેરક છે.

કરશનભાઈ પટેલ

નિરમા ગ્રુપના કરસનભાઈએ જણાવ્યું હતું કે, ખોડલધામમાં શાંતિ- પ્રસન્નતા અનુભવાય છે. આ ધામે સમાજમાં નવચેતનાનો સંચાર કર્યો છે.(૩૭.૭)

ખોડલધામ પાટોત્સવ સાથે

 વિશ્વભરમાં લાખો પાટીદારોએ ઓનલાઈન પાટોત્સવ માણ્યો.

 ૧૦ હજાર એલઈડી- ટીવી સ્ક્રીન ગોઠવાઈ હતી.

 પાટીદારોએ ઘરે- ઘરે રંગોળીઓ કરી.

 કોવિડ ગાઈડ- લાઈનના કારણે ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો.

 ૧૦૮ દીવાની મહાઆરતી થઈ.

 મહાઆરતી પૂર્વે ખોડલધામના મોભી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, માની કૃપા અને સમાજની એકતાથી ખોડલધામ નિર્માણનું સ્વપ્ન સાકાર થયું છે.

ˆ સવારે ૯ વાગ્યે ધ્વજારોહણ થયું હતું

(2:35 pm IST)