Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં ઘટાડા સાથે વાદળા છવાયા

લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડયોઃ મોડી રાત્રીના અને વહેલી સવારે સામાન્‍ય ઠંડક : અનેક જગ્‍યાએ સામાન્‍ય ઝાકળ

પ્રથમ તસ્‍વીરમાં ગોંડલમાં છવાયેલ વાદળા તથા બીજી તસ્‍વીરમાં ખંભાળીયામાં ઝાકળવર્ષા નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી (ગોંડલ) કૌશલ સવજાણી-ખંભાળીયા)
રાજકોટ, તા., ૨૧: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ઠંડીમાં ઘટાડા સાથે વાદળછાયુ વાતાવરણ યથાવત છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારે સામાન્‍ય ઠંડકનો અનુભવ થઇ રહયો છે.
લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા ઠંડી ગાયબ થઇ ગઇ છે.
સમગ્ર રાજયના વિવિધ વિસ્‍તારોમાં માવઠુ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેની અસર ગાંધીનગર શહેર અને જીલ્લા ઉપર પણ વર્તાઇ હોય તે પ્રકારે ગુરૂવારે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. હાલમાં શિયાળાના દિવસો ચાલી રહયા છે. ત્‍યાર વાદળો છવાતા લોકોને ચોમાસાની મોસમ જેવો અહેસાસ કરવો પડયો હતો. સમગ્ર દિવસ દરમિયાન ગાંધીનગર શહેર અને જીલ્લાના આકાશમાં વાદળો છવાઇ ગયા હતા. તાપમાનના પારામાં વધારો થવા છતા ઠંડીનું પ્રમાણ યથાવત રહેવા પામ્‍યું હતું.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભુમી દ્વારકા જીલ્લામાં તથા જામનગર રોડ પર આજે વહેલી સવારથી ભારે ઝાકળવર્ષા છવાઇ જતા વાહન વ્‍યવહારને અસર થઇ હતી.
નદી કે પાણીવાળા વિભાગોમાં આગળ જરા પણ ના દેખાય તેવી સ્‍થિતિમાં ઝાકળ છવાઇ હતી તથા નાના ટીપા સ્‍વરૂપે પડતા અનેક વાહન ચાલકો ઉભા રાખવા કે ધીમી પાડયાની ફરજ પડી હતી તથા એસ ટી બસ તથા ખાનગી વાહન સેવાઓ તથા રોજ અપડાઉન કરનારા કર્મચારીઓ પણ મોડા પડયા હતા. તથા ઝાકળમાં અટવાઇ ગયા હતા બે દિવસ પહેલા હવામાન ખાતાએ આગાહી પણ કરી હતી.
હવામાન ખાતાના જણાવ્‍યાનુસાર વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસર ઉતર સૌરાષ્‍ટ્રમાં જોવા મળશે. શુક્રવારે હવામાં ભેજનું પ્રમાણ વધારે નોંધાવવાની શકયતા હોય સવારના ભાગે ઝાકળ વર્ષા થશે. શુક્ર અને શનીવાર બે દિવસ સુધી વાતાવરણ બદલાયેલુ રહેશે. જયારે લઘુતમ તાપમાન પણ ઉંચુ જ રહેશે. આ દિવસોમાં લઘુતમ તાપમાન ૧પ ડીગ્રી કે તેનાથી ઉંચુ રહેશે. તેમજ મહતમ તાપમાન જળવાઇ રહેશે. હવામાન ખાતાના જણાવ્‍યાનુસાર ર૪ જાન્‍યુઆરીના રોજ અન્‍ય રાજયના કેટલાક ભાગમાં હિમવર્ષા થશે તેની અસરના ભાગરૂપે ફરી ઠંડીનો નવો રાઉન્‍ડ શરૂ થશે. ગુરૂવારે લઘુતમ તાપમાન ૧૭ ડીગ્રી રહયું હતું. જયારે મહતમ તાપમાન ર૯.૮ રહેતા ઠંડી કરતા ગરમીનો અનુભવ  વધુ રહયો હતો. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા રહયું હતું. હવામાન પલટાની આગાહીને પગલે યાર્ડમાં મગફળી પલળે નહી એ માટે ઉભા વાહનમાં જ સ્‍વીકારવાની જાહેરાત ગુરૂવારે કરવામાં આવી હતી.

 

(11:00 am IST)