Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

જબ તક જલ સુરક્ષિત હૈ, તબ તક કલ સુરક્ષિત હૈ

સૌરાષ્ટ્રમાં ઉનાળાનું ચિત્ર 'પાણીદાર' : ૧૪૧ ડેમોમાં ૭૧.૧૯% જળ જથ્થો

ગયા વર્ષના જાન્યુઆરી મધ્ય કરતા ૨૬.૧૨ એમ.સી.એફ.ટી. પાણી ઓછું છતાં ઉનાળો હેમખેમ પાર ઉતરી જશે : નર્મદા ડેમમાં ૬૦.૮૨% પાણી

રાજકોટ તા. ૨૧ : ચોમાસાની જોરદાર જમાવટ બાદ હવે શિયાળો ઉતરાર્ધ તરફ છે. ગયા વખતે મેઘરાજાની મહેરથી તળમાં અને જળાશયોમાં પાણીની સ્થિતિ સંતોષકારક છે. ચોમાસા આડે ૫ મહિના બાકી છે ત્યારે સૌરાષ્ટ્રમાં આંકડાકીય દૃષ્ટિએ પાણીની સ્થિતિ સંતોષકારક છે. ઉનાળામાં પાણીનો વપરાશ અને બાષ્પીભવન વધે છે છતાં હાલનો જળ જથ્થો જોતા સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળો હેમખેમ પાર ઉતરી જાય તેવા સંજોગો છે. કયાંક વિતરણ વ્યવસ્થાના અભાવે અથવા સ્થાનિક સ્ત્રોતમાં અછતના પ્રભાવે મુશ્કેલી પડે તે અલગ બાબત છે.

સૌરાષ્ટ્રમાં સિંચાઇ અને પીવાના પાણી માટે ઉપયોગી થઇ શકે તેવા ૧૪૧ ડેમ છે. ચોમાસામાં ૬૦થી વધુ ડેમ આખા ભરાયા હતા. હાલ ૪ ડેમ છલોછલ ભરેલા છે. સૌરાષ્ટ્રના બધા ડેમોની મળીને કુલ જળસંગ્રહ ક્ષમતા ૨૫૫૦.૬૯ એમ.સી.એફ.ટી. છે. જેમાંથી ગઇકાલની સ્થિતિએ ૧૮૧૫.૭૫ ટકા જળ જથ્થો ઉપલબ્ધ છે. ટકાવારીની દૃષ્ટિએ ૭૧.૧૯ થાય છે. તે ગયા વર્ષના જાન્યુઆરી મધ્ય કરતા ૨૬.૧૨ એમસીએસટી ઓછું છે.

સૌરાષ્ટ્રમાં પીવાના પાણી માટે મહત્વના આધારરૂપ નર્મદા ડેમમાં હાલ ૬૦.૮૨ ટકા પાણી છે. કચ્છના ૨૦ ડેમોમાં માત્ર ૨૨.૭૫ ટકા જ પાણી છે. ઉત્તર ગુજરાતમાં ૨૫.૯૯ ટકા મધ્ય ગુજરાતમાં ૭૪ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૮૯.૪૨ ટકા જળજથ્થો ઉપલબ્ધ છે. આખા રાજ્યના નર્મદા સહિત ૨૦૭ ડેમોમાં હાલ સરેરાશ ૬૯.૭૦ ટકા પાણી છે. ગુજરાતમાં સામાન્ય રીતે ૧૫ જુન આસપાસ ચોમાસુ બેસે છે તે બાબત ધ્યાને રાખીને સરકાર તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. જ્યાં સ્થાનિક જળસ્ત્રોત કામ ન આવે ત્યાં ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે. ગયા ચોમાસાના પાછોતરા સારા વરસાદના કારણે શિયાળુ પાકને પુષ્કળ ફાયદો થયો છે.

(10:29 am IST)