Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

પશ્ચિમ કચ્છ પોલીસની માનવીય સંવેદનાઃ ભૂલા પડેલ આધેડ રાજસ્થાની મહિલાને વતન પહોંચાડયા

એક કાપલીને આધારે મુન્દ્રા પીએસઆઈ ગિરીશ વાણિયાએ પરિવાર સાથે મેળાપ કરાવ્યો, વડાલાના મહિલાએ આશરો આપ્યોઃ જન સેવા સંસ્થા સેવાકાર્યમાં સેતુરૂપ બની

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૧: પોલીસ એ પ્રજા નો મિત્ર છે એ ઉકિત સાર્થક હોય એમ આબુ રોડ થી ભૂલ માં મુન્દ્રાના લુણી ગામ નજીક આવેલ વિસ્તાર માં રસ્તો ભૂલેલ મહિલા ને મુન્દ્રા કોસ્ટલ પોલીસ મથક ના પીએસઆઈ ગિરીશભાઈ વાણીયા અને તેમની ટીમે આબુ રોડ તેમના વતન સુધી પહોંચતી કરી પોલીસની માનવીય સંવેદનાના દર્શન કરાવ્યા હતા.

મુન્દ્રા ના લુણી અને શેખડીયા ગામ વચ્ચે ના વાડી વિસ્તાર માંથી થોડા દિવસો અગાઉ દિપકસિંહ જાડેજા નો જન સેવા ની હેલ્પ લાઈન પર એક મહિલા અહીં રસ્તો ભટકેલ છે એવો ફોન આવતા સંસ્થા ના રાજ સંદ્યવી એ કોસ્ટલ પોલીસ મથક માં દિનેશ ભાઈ ને ફોન કર્યો હતો અને બાદ માં કોસ્ટલ પોલીસ મથક ના પીએસઆઈ ગિરીશ ભાઈ વાણીયા અને તેમની ટીમ એ સ્થળે પહોંચી એ મહિલાનો કબ્જો લીધો હતો. ત્યાર બાદ પીએસઆઈ ગિરીશ વાણિયાએ વડાલના વતની અને ઉજાસ મહિલા સંગઠન ના કૈલાસબા પિંગલ નો સંપર્ક સાધતા એ મહિલા ને ૬ દિવસ સુધી તેમના દ્યરે આશરો અપાયો હતો.

કોસ્ટલ પોલીસ ના પી એસ આઈ ગિરીશ ભાઈ વાણીયા એ જણાવ્યું હતું કે એ મહિલા અંદાજે ૫૦ વર્ષ ના હતા અને તેમનો નામ રંગલી બેન હોવાનું જણાવ્યું હતું. રંગલી બાઈ આબુ રોડથી તેમના માવતર ના દ્યરે જવા નીકળ્યા હતા અને ભૂલ થી એક ની બીજી ટ્રેન પાલનપુર વાળી માં ચડી જતા ગાંધીધામ આવી પહોંચ્યા હતા અને ગાંધીધામ થી કોઈ ટ્રકવાળો એ મહિલા ને મુન્દ્રા તાલુકાના લુણી નજીક મૂકી ગયો હતો અને બાદ માં આ મહિલા કોસ્ટલ પોલીસ મથક ની હદ માં આવેલ લુણી નજીક વાડી વિસ્તાર સુધી પહોંચી આવી હતી.

પીએસઆઈ ગિરીશભાઈ એ જણાવ્યું હતું કે એ મહિલા રંગલી બાઈ પાસે એક કાપલી મલી આવી હતી અને એ કાપલી માં તેમના વતન માં વાડી માં કામ કરતા ગ્રામજન નો મોબાઈલ નંબર મળતા મરીન પોલીસ એ ત્યાં ગામના સરપંચ થી વાત કરી હતી અને બાદ માં એ મહિલા નો પુત્ર અને તેનો જમાઈ કચ્છ માં આવ્યા હતા અને વડાલા સ્થિત રંગલી બેન નો કબ્જો લીધો હતો. કોસ્ટલ પોલીસ મથક ના પી એસ આઈ ગિરીશ ભાઈ વાણીયા, સુરેશ ભાઈ યાદવ અને યશપાલ સિંહ ગોહિલ, ઉપરાંત કૈલાસબા પિંગલ, સેવાભાવી પત્રકાર રાજ સંદ્યવી આ માનવતાના કાર્યમાં સહયોગી બન્યા હતા.

નોંધનીય બાબત એ છે કે જન સેવા સંસ્થા ની હેલ્પ લાઈન ફરી એક વાર દિન દુઃખીયાઓ માટે આશીર્વાદ રૂપ બની રહી હતી.

(10:28 am IST)