Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

સસ્તા સોનાના નામે છેતરપીંડી કરતી ભુજની ચીટર ગેંગ ૧૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ: મહિલા સહિત ૫ ઝડપાયા, ૨ ફરાર

વારંવાર ઠગાઈ કરી છૂટી જતી ધુતારા ટોળકીને પકડવા પોલીસને ઝપાઝપી કરવી પડી, ઠગાઈ કરે તે પહેલાં મીલીટરી ઇન્ટેલિજન્સે ઇનપુટ આપતાં એલસીબી પોલીસે કરી કાર્યવાહી

 સૌરાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં સસ્તા સોનાના નામે ઠગાઈ કરતી ભુજની કુખ્યાત ચીટર ગેંગ નજરે પડે છે.

(વિનોદ ગાલા દ્વારા)ભુજ:::લોભિયા લોકોને સસ્તો માલ આપવાની લાલચ આપી લાખો રૂપિયા ધુતી લેતી ભુજની ચીટર ગેંગ વધુ એક કારનામાને અંજામ આપે તે પહેલાં જ ઝડપાઈ ગઇ હતી. જોકે, સૌરાષ્ટ્ર, ગુજરાત ઉપરાંત રાજસ્થાન, દક્ષિણ ભારત સહિત દેશના અન્ય પ્રાંતોના લોકોને સોશ્યલ મીડિયા દ્વારા સસ્તું સોનુ, ચાંદી અને ઇલેક્ટ્રોનિક સાધનો આપવાની લાલચ આપી વારંવાર ઠગાઈ કરી છૂટી જતી આ ધુતારા ટોળકીને પકડવામાં ગુના શોધક પોલીસને પણ ઝપાઝપી કરવી પડી હતી. મીલીટરી ઇન્ટેલિજન્સ દ્વારા મળેલા આઉટપુટ અનુસાર રાજસ્થાનના કેટલાક વ્યક્તિઓ સાથે સસ્તા સોનાના નામે ઠગાઈ કરવાની ફિરાકમાં રહેલ ભુજના ગાંધીનગરના રહેતા કુખ્યાત ઠગ દિલાવર વલીમામદ કકલ ના ઘેર પોલીસે દરોડો પાડયો હતો. ગુના શોધક પોલીસ સાથે ઝપાઝપી કર્યા બાદ દિલાવર કકલ, હાજી વલીમામદ કકલ, અમીના વલીમામદ કકલ, અકબર અલીમામદ સુમરા અને માંડવીનો જાવેદ ઉર્ફે જાવલો ઇસ્માઇલ બલોચ ઝડપાયા હતા. જ્યારે બે આરોપીઓ રમજુ કાસમ શેખ અને મામદ હનીફ જુમા શેખ હજી ફરાર છે. પોલીસે ૩૯,૪૫૦ રૂ. રોકડા, ચિલ્ડ્રન બેંકની ૧૬૭૯ બનાવટી નોટ, ૨૦૦૦ રૂ.ની ૨૫ બનાવટી નોટ, ૧૫ નકલી સોનાના બિસ્કીટ, ૮ મોબાઈલ ફોન, થાર જીપ, એક કાર ઉપરાંત તલવાર, પાઇપ સહિત ૧૮ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પશ્ચિમ કચ્છ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એચ.એમ. ગોહિલ, પીએસઆઈ આઇ.એચ. હિંગરા અને પોલીસ ટીમે દરોડાની કામગીરી હાથ ધરી હતી.

(9:37 am IST)