Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

પશુધનની રક્ષા માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છમાં સઘન રસીકરણ

બ્રૂસેલોસિસ રોગ એ પશુઓ દ્વારા માનવમાં ફેલાય છે : મુન્દ્રા તાલુકાના ૧૧ ગામોના પશુઓમાં ચેપી ગર્ભપાતના રોગને અટકાવવા રસીકરણ પૂર્ણ

(વિનોદ ગાલા દ્વારા )ભુજ::: કચ્છના પશુધનની સ્વાસ્થ્ય સુરક્ષા માટે અદાણી ફાઉન્ડેશને મુન્દ્રા તાલુકા સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં પ્રસંશનીય કામગીરી કરી છે. હાલમાં મુન્દ્રા તાલુકાના ૧૧ ગામોના પશુઓમાં ચેપી ગર્ભપાતના રોગને અટકાવવા રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. અતિ ગંભીર અને જીવનપર્યંત રહેતા આ રોગને જો સમયસર  નાથવામાં ના આવે તો પશુપાલકોને આર્થિક નુકસાન પહોચાડે છે. વળી બ્રુસેલોસિસ પશુઓમાંથી માનવજાતમાં ફેલાતો હોવાથી તેની ગંભીરતા અનેકગણી વધી જાય છે.

 

પશુઓમાં ચેપી બિમારીને ફેલાતી અટકાવવા મુન્દ્રા તાલુકાનાં સિરાચા, નવીનાળ, ઝરપરા, ભુજપુરમોટી, નાની, બોરાણા, મોટા અને નાના કપાયા, બારોઈ, ગોયરસમા અને ધ્રબ ગામોમાં પશુપાલકોના ૪૨૪૯ ગૌવંશ અને ભેંસોને રસીકરણ કરવામાં આવ્યુ છે. પ્રતાપપૂર ગામમાં તો ૧૦૦ ટકા રસીકરણની કામગીરી પૂર્ણ કરાઈ છે. 

 

બ્રુસેલોસિસ એક ઝૂનોટિક (Zoonotic) રોગ છે અને બ્રુસેલ્લા નામના જીવાણુથી થાય છે. આ રોગ ચેપગ્રસ્ત પશુના સતત સંપર્કમાં રહેવાથી માણસને પણ લાગે છે, જેમાં તાવ, શરદી, આંખોમાં બળતરા અને પ્રજનન સંબંધી રોગો પણ થાય છે.  ઘાતક બાબત એ છે કે તેનાથી માણસની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય જેના લીધે અન્ય બિમારીઓનો ખતરો પણ વધે છે. 

 

સમગ્ર વિશ્વમાં ફેલાયેલા આ ચેપી રોગથી ભારતમાં ૧૪ ટકા% દુધાળા પશુઓમાં ૧૬ ટકા અન્ય પશુઓ પીડાય છે. ગુજરાતમાં તેનુ પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે.  કચ્છ જિલ્લામાં આ રોગ ૧૬ ટકા જેટલો ફેલાયેલો છે. જો તેનો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો, મૂંગા પશુઓને કાયમી વેદના સહન કરવી પડી શકે છે. 

 

રોગીષ્ટ પશુઓના ગર્ભાશયના સ્ત્રાવમાથી જીવાણુઓ વાતાવરણમાં ભળી જાય છે જે લાંબા સમય સુધી રહીને બીજા પશુઓમાં પાણી,ખોરાક,ચામડી,આંખો તથા શ્વાસ લેતી વખતે ફેલાવો થાય  અને રોગીષ્ઠ નર પશુના વીર્યદાન દ્વારા આ  રોગ માદા પશુઓમાં ફેલાય છે. આ રોગને ફેલાતો અટકાવવા એક માત્ર ઈલાજ ૩ માસથી મોટા માદા પશુઓને રસીકરણનો છે. 

 

અત્યાર સુધીમાં કુલ ૩૬૦૦૦ થી વધુ પશુઓનું રસીકરણ કરી તેને રાષ્ટ્રીય કક્ષાના સૉફ્ટવેરમાં નોંધવામાં આવ્યા છે. આ ગંભીર બીમારીને મહાત આપવા અદાણી ફાઉન્ડેશન કચ્છ નવ નિર્માણ અભિયાનની સાથી સંસ્થા કચ્છ ઘાસચારા, ફળઝાડ અને જંગલ વિકાસ ટ્રસ્ટ સાથે મળી  છેલ્લા બે વર્ષથી  કામગીરી કરી રહી છે. આગામી પેઢીમાં પણ આ રોગ ન થાય તે માટે આવતા વર્ષે પણ આ કામગીરી ચાલુ રહેશે.

(9:32 am IST)