Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

અતિતના ધુણાની અગ્નિ કયારેય બુજાતી નથી : પૂ. મોરારીબાપુ

ગિરનાર પર્વત પર કમંડળ કુંડની જગ્યા ખાતે સવારે પોથીજી પધરાવીને 'માનસ જગદંબા' શ્રોતા વગરની રામકથાનો પ્રારંભ

જુનાગઢઃ પૂ.મોરારીબાપુના વ્યાસાસને આજથી જુનાગઢના ગિરનાર પર્વત ઉપર શ્રી રામકથાનો પ્રારંભ થયો છે. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૧૭: ગિરનાર પર્વત પર કમંડળ કુંડની જગ્યા ખાતે આજે સવારે પૂ.શ્રી મોરારીબાપુ શ્રી રામકથાનું મંગલાચરણ શરૂ કર્યુ છે.

ગિરનાર પર્વતની ટોચે પ્રથમ વખત રામકથા યોજાઇ છે. કોરોના મહામારીને લઇ શ્રોતા વગરની રામકથા છે. જેનો પ્રારંભ સવારે ૯.૩૦ કલાકે પ્રારંભ કર્યો હતો.

પ્રથમ શ્રી મોરારીબાપુએ શાસ્ત્રોકત વિધિ અને પૂજન-અર્ચન સાથે પોથીજી પધરાવી પુ. બાપુએ શ્રીરામ કથાનું ગાન શરૂ કરેલ છે.

'માનસ જગદંબા' નામથી આજે પ્રથમ નોરતાથી ગિરનાર પર્વત ઉપર પૂ.મોરારીબાપુના વ્યાસાસને શરૂ થયેલ શ્રી રામકથામાં પૂ.મોરારીબાપુએ જણાવ્યું હતું કે, અતિતના ધુણાની અગ્નિ કયારેય બુજાતી નથી. ગિરનાર પર્વત ઉપર જુદા જુદા દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે જયાં આવવાથી મનને શાંતિ મળે છે. પ્રાકૃતિક વાતાવરણમાં ગિરનાર પર્વત ઉપર શ્રી રામકથા ગાવાની ઇચ્છા પુર્ણ થઇ છે.

ગિરનાર ખાતેની કથાના મનોરથી યજમાન જેન્તીભાઇ ચાંદ્રાએ જણાવેલ કે વર્તમાન સ્થિતિને લઇને રામકથા સ્થળે માત્ર તબલા વાદ પંકજ ભટ્ટ, હાર્મોનીયમ અને બેન્જોવાદક હિતેશ ગોસ્વામી અને ચોપાઇ ઝીલનાર ગાયક કિર્તી લીંબાણી જોડાયા છે.

આજે પ્રથમ નોરતુ અને શ્રી મોરારીબાપુની ગીરનાર પર રામકથાનું મંગલાચરણને લઇ ગિરનાર પર્વતનું વાતાવરણ ભકિતમય બની રહયું છે.

ગઇકાલે સવારે ડોલી મારફત શ્રી મોરારીબાપુ પ્રથમ ગિરનાર અંબાજી મંદિરે પહોંચ્યા હતા. અહી મંદિરના મહંત શ્રી તનસુખગીરી બાપુએ પૂ. બાપુને માતાજીની ચુંદણીની પ્રસાદી આપી આશીર્વાદ પાઠવ્યા હતા.

આજે શ્રી મોરારીબાપુની રામકથા શરૂ થતા શ્રી ચાંદ્રા સતત ખડેપગે રહીને સેવા આપી રહયા છે.

ગુરૂશીખર પર આરંભાઇ રહેલી રામકથા માટે પૂજય બાપુ ગીરી તળેટીમાં પહોંચ્યા હતા. ભવનાથ મહાદેવના દર્શન કરી રઘુનાથ દ્વારના દર્શન કરી, પ્રભુ સમક્ષ પોથી પધરાવી હતી.

લાલઢોરી ખાતે પોતાની કુટીયામાં પધાર્યા હતા. સોશ્યલ ડીસ્ટીંગના તમામ નીતી-નિયમોના પાલન સાથે સાંજે સહુને મુલાકાત આપી. કથાના મનોરથી યજમાન જેન્તીભાઇ ચાંદ્રા તેમજ મીનરાજ શૈક્ષણીક સંકુલના દાદુભાઇ યાત્રામાં સામેલ છે. દુર્ગમ સ્થાન છે, શ્રોતા વિનાની સુક્ષ્મ કથા છે. વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં કથા-પ્રેમીઓ અને વ્યાસ-વાટીકાના ફલાવર્સ પ્રત્યક્ષ ઉપસ્થિત રહી શકે તેમ નથી. એવા સંજોગોમાં વ્યાસ પીઠની સેવામાં સંગીત-વૃંદના કેવળ ત્રણ સાથીઓ છે. તબલા વાદક પંકજ ભટ્ટ, હાર્મોનીયમ અને બેન્જો વાદક હિતેશ ગોસ્વામી અને ચોપાઇ ઝીલનાર ગયાક કીર્તીભાઇ લીંબાણી ઉપરાંત સંતરામભાઇ તેમજ સંગીતની દુનિયાના નિલેશ વાવડીયા અને ફોટોગ્રાફર -વિડીયો ગ્રાફરની ટીમ સામેલ છે.

દિવ્ય ગિરીવર પરનાર ગુરૂશિખરની સંનિધીમાં ગવાનારી આ કથાના શ્રવણ માટે જાણે જોગંદર સમો ગિરીવર ગિરનાર સ્વયં ચેતનવંતો થઇ ઉઠયો છે.

વ્યાસપીઠની આ એવી પ્રથમ કથા છે જે કોઇ પર્વતના શિખર પર યોજાઇ રહી છે. અહી માલ-સામાન લાવવા લઇ જવા માટે કોઇ પ્રકારનો વાહન વ્યવહાર શકય નથી. માત્ર માનવ શ્રમ દ્વારા જ ચીજવસ્તુઓનું પરીવહન થાય છે. આ સ્થિતિમાં કથાના મનોરથી શ્રી જયંતીભાઇ ચાંદ્રાએ બાપુને થોડા સંકોચ સાથે જણાવ્યું કે શિખર પર કથા માટે પુરતી વ્યવસ્થા થઇ શકી નથી. બાપુએ પોતાની સ્વભાવગત સરળતા અને સહજતાથી કહયું 'જે પ્રાપ્ત છે એ પર્યાપ્ત છે.'

જો સમજી શકીએ તો કથા પુર્વે જ બાપુએ આપણને સુખી થવા માટેનો જીવન મંત્ર આપી દીધો છે.

આજે સવારે સાત વાગ્યે ભવનાથ મંદિરે દર્શન કરી, પોથી પધરાવી અને પૂજય બાપુએ ડોળી દ્વારા ગિરનાર યાત્રા આરંભી છે. વચ્ચે મા અંબાજી સમક્ષ માથુ ટેકવી, પોથી પધરાવી અને યાત્રા આગળ વધારી છે.

(12:21 pm IST)