Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના ભવ્ય સત્કાર સમારોહ માટે તડામાર તૈયારીઓ

દ્વારકા સર્કિટ હાઉસ પાછળ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે: દ્વારાવતી મોક્ષ દ્રાર (હાથી ગેટ)થી રૂક્ષ્મણી મંદિર સુધી વિવિધ સમાજો તેમજ સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું કરાશે સ્વાગત

દ્વારકા :માધવપુર ઘેડ ખાતે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને જોડતા રાષ્ટ્રીય કક્ષાના લોકમેળાનું ભવ્ય આયોજન પ્રસંગે તા. ૨૧ એપ્રિલ દરમિયાન  પ્રવાસન નિગમ  તથા રમત ગમત અને યુવક સેવા -સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ ગાંધીનગર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી વિવાહ સત્કાર સમારોહ સર્કિટ હાઉસ પાછળ ગ્રાઉન્ડ દ્વારકા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી  વિવિઘ સાસ્કૃતિક કાર્યક્રમ આયોજન હાથ ધરવામાં આવનાર છે.

 જે અન્વયે સર્કિટ હાઉસ પાછળ ગ્રાઉન્ડ દ્વારકા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં વિશાળ ડોમ તથા સ્ટેજ, બેઠક વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ તૈયારી કરવામાં આવી રહી છે.
 આવતીકાલે તા.૨૧ એપ્રિલના રોજ દ્વારકા ખાતે ભવ્ય ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો સત્કાર સમારોહ યોજાશે
દ્વારકા સર્કિટ હાઉસ પાછળ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
દ્વારાવતી મોક્ષ દ્રાર (હાથી ગેટ)થી રૂક્ષ્મણી મંદિર સુધી વિવિધ સમાજો તેમજ સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું કરાશે સ્વાગત

  ભગવાનશ્રી કૃષ્ણના લગ્ન ઉતર-પૂર્વીય ભારતના રાજકુમારી રૂક્ષ્મણી સાથે ગુજરાતના અરબી સમુદ્રના કાંઠે આવેલા  માધવપુરમાં થયાં એ પ્રસંગની સ્મૃતિમાં દર વર્ષ પરંપરાગત રીતે માધવપુરમાં લોકમેળો – વિવાહ ઉત્સવ ભક્તો-ભાવિકગણ શ્રધ્ધા સાથે ઉજવે છે. ભગવાન શ્રી કૃષ્ણ રુકમણી જી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરવા ગત વર્ષથી દેવભૂમિ દ્વારકા ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજવામાં આવે છે.

 ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીનું દ્વારાવતી મોક્ષદ્વર ( હાથી ગેટ) ખાતે જાનનું આગમન થશે ત્યાં આહિર સમાજ દ્વારા જાનનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ કિર્તી સ્તંભ ખાતે મોચી સમાજ, પ્રજાપતિ સમાજ અને સતવારા સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે. દ્વારકાધીશ મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રથનું સ્વાગત, જોધાભા માણેક ચોક ખાતે વાઘેર સમાજ, ચારણ સમાજ અને સમસ્ત સાધુ સમાજ દ્વારા તીનબત્તી ચોક ખાતે લુહાર સમાજ, દરજી સમાજ, ખારવા સમાજ, હોટેલ એશોસીએશન તથા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા, ભદ્રકાલી ચોક ખાતે રઘુવંશી સમાજ, ક્ષત્રિય સમાજ તથા ટ્રાવેલ્સ એશોસીએશન દ્વારા, રબારી ગેટ ખાતે રબારી સમાજ, અનુસૂચિત જાતિ સમાજ અને વાલ્મિકી સમાજ દ્વારા તેમજ રુકમણી મંદિર ખાતે મંદિરના પુજારી અને પુરોહિતો દ્વારા રથનું સ્વાગત કરી આવકારવામાં આવશે.

 આ ઉપરાંત સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં ૧૨ ગૃપ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે.

(6:57 pm IST)