Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

વેણુ-રના કિનારે ભકિતનો દરિયો ઘુઘવશે પૂ.લાલબાપુને લાખો ભાવિકો સામૂહિક વંદના કરશે

ર૧ મહિનાનું ગાયત્રી મંત્ર અનુઠાન પૂર્ણ કરી, સાધના ખંડમાંથી પૂ.લાલબાપુ તથા રાજુ ભગત બહાર પધારશે * તા. ૧ થી ચાર દિવસીય દિવ્‍ય ઉત્‍સવ * ગધેથડ ગાયત્રી આશ્રમે તૈયારીનો ધમધમાટ * ૭ લાખથી વધારે ભાવિકો ઉમટશે * મહાપ્રસાદમાં ૪પ૦ ડબ્‍બા શુધ્‍ધ ઘી વપરાશે * ચોમેર ઉત્‍સાહની આંધી...* ૭પ૦ ડબ્‍બા તેલ, ૧૦ હજાર કિલો ચણાનો લોટ, ૧૬ હજાર કિલો ખાંડ, *૮ હજાર કિલો ઘઉંનો લોટ, ૧૧ હજાર કિલો ચોખા, ૬ હજાર કિલો અડદનો લોટ, પપ૦૦ કિલો તુવેરદાળ, ર૦૦૦ કિલો ખીચડિયા ચોખા વપરાશે *રપ૦ કિલો કાજુ, ૧પ૦ કિલો બદામ, ૩૦૦ કિલો કીસમીસ, ૪૦ કિલો એલચી, ૧ર કિલો જાવંત્રી વપરાશે *સંતવાણીમાં સંગીતકાર પંકજ ભટ્ટ ગ્રુપ સંગાથે નિરંજન પંડયા, કીર્તિદાન ગઢવી, માયાભાઇ આહીર, ધીરુભાઇ સરવૈયા, બ્રિજરાજદાન ગઢવી જમાવટ કરશે *૧૦૦ ફુટની એક એવી ૧૦ હજાર સીરીઝથી રોશનીનો ઝગમગાટ થશે *૧૧,૦૦ વીઘા જમીન પર મહોત્‍સવ * ૧૧૪ ગામોને ધૂમાડાબંધ આમંત્રણ * મુખ્‍યમંત્રીના આગમન માટે ભવ્‍ય હેલિપેડ * ૧પ મિનિટમાં ૪૦,૦૦૦ ભાવિકો મહાપ્રસાદ આરોગે તેવી વ્‍યવસ્‍થા * પ૦૦ વીઘા જમીન પર ત્રિસ્‍તરીય પાર્કિંગ વ્‍યવસ્‍થા * ચારેય દિવસ ર૪ કલાક ચા વિતરણઃ ૩૦૦૦ કિલો ચા ભૂકી, ૭૦,૦૦૦ લીટર દૂધ વપરાશે

ગુરુ શ્રી મગનલાલ જટાશંકર જોશી અને શિષ્‍ય પૂ. લાલબાપુની તસ્‍વીરો.

પૂ. લાલબાપુ અને રાજુ ભગત જે સ્‍થાને દીર્ઘ સાધના કરે છે એ સ્‍થાનના દર્શન થાય છે. મંદિર સંકુલમાં દેખાતા ઘુમટ હેઠળ ગૂફા નિર્માણ થઇ છે, જયાં દિવ્‍ય સાધના ચાલી રહી છે.

રાજકોટ, તા. ૧૯ :

!! ઓમ ભૂર્ભુવઃ સ્‍વઃ તત્‍સવિતુર્વરેણ્‍યં

ભર્ગો દેવસ્‍ય ધિમહી

ધિયો યોનઃ પ્રચોધ્‍યાત્‌ !!

સૌરાષ્‍ટ્રના ઉપલેટા પંથકમાં આ મંત્રનો વિશેષ પ્રભાવ પથરાશે... ગાયત્રી મંત્રના ગહન ઉપાસક પૂ. લાલબાપુ અને પૂ. દોલુભગત ૨૧ મહિનાની ગહન મંત્ર-સાધના પૂર્ણ કરીને બહાર પધારી રહ્યા છે. આ મંગલ અવસરે અલૌકિક દ્રશ્‍ય સર્જાશે. દેશ-વિદેશથી લાખો ભાવિકો ઉમટી પડશે. આગામી તા. ૧ થી ૪ દરમિયાન વિશેષ મહોત્‍સવનું દિવ્‍ય આયોજન ગાયત્રી આશ્રમ-ગધેથડ ખાતે થયું છે.

ચાર દિવસીય મહોત્‍સવ માટે તૈયારીઓ ધમધમાટ ચાલી રહ્યો છે. અલગ અલગ સમિતિઓ ઉત્‍સાહભેર કામે લાગી ગઈ છે.

ચાર દિવસ દરમિયાન લાખો ભાવિકો ઉમટી પડનાર છે. ‘અકિલા'ની ટીમે ગધેથડ-ગાયત્રી આશ્રમની મુલાકાત કરીને અલગ અલગ સમિતિઓના અગ્રણીઓ પાસેથી વિગતો મેળવી હતી. પુરા મહોત્‍સવનું મેનેજમેન્‍ટ કરી રહેલા અગ્રણીએ જણાવ્‍યું હતું કે, પૂ. બાપુના આશિર્વાદથી મહોત્‍સવ ભવ્‍ય અને દિવ્‍ય બનાવવા સેવકો સ્‍વૈચ્‍છકરૂપે - સ્‍વખર્ચે એકથી દોઢ મહિનાથી સેવા માટે આવી રહ્યા છે.

રસોઈ વિભાગની ખૂબ જ મહત્‍વની જવાબદારી સંભાળતી સમિતિએ વિશેષ વિગતો આપતા કહ્યું હતુ કે, પૂ. લાલબાપુના સેવકો દેશ-વિદેશમાં પથરાયેલા છે. મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડશે. દરેક ભાવિકને શુદ્ધ, સાત્‍વિક, પૌષ્‍ટીક મહાપ્રસાદ પ્રાપ્‍ત થાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે તા. ૧ ના હોળી ઉત્‍સવ છે. આ દિવસે ૩૫૦૦૦ ભાવિકો ઉમટે તેવી ધારણા છે. બીજા દિવસે ધૂળેટીએ ૪૦,૦૦૦ ભાવિકોનું અનુમાન છે. તા. ૩ ના ૭૫,૦૦૦ ભાવિકો પધારે તેવી ધારણા છે. મહોત્‍સવના અંતિમ દિને તા. ૪ના સાત લાખ ભાવિકોનો મહાસાગર ઘુઘવે તેવી સંભાવના છે. ભાવિકોનો પ્રવાહ વધી જાય અનેકગણો થઈ જાય તો પણ પહોંચી વળવા સમિતિ સક્ષમ છે.

મહોત્‍સવના ચારેય દિવસે શુદ્ધ ઘીના મિષ્‍ટાન સહિત કુલ ગુજરાતી ડીસ દરેક ભાવિકને પ્રાપ્‍ત થાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવાઈ છે.

મેનુમાં પ્રથમ બે દિવસ મોહનથાળ, બુંદી-ગાંઠીયા, રોટલી, શાક, દાળ-ભાત, છાસ, પાપડ રહેશે. બાકીના બે દિવસ મોહનથાળના સ્‍થાને ગરમા ગરમ શુદ્ધ ઘીનો લચકો દરેક ભાવિકને પ્રાપ્ત થશે. ઉપરાંત રોટલી-શાક, દાળ-ભાત, છાસ-પાપડ તો ખરા જ...

સમગ્ર મહોત્‍સવમાં વિવિધ શુદ્ધ સામગ્રી રસોઈ વિભાગ દ્વારા વપરાશે. જે અંગે વિગતો આપતા અગ્રણીઓએ જણાવ્‍યું હતું કે, અમૂલનું શુદ્ધ ઘી ૪૫૦ ડબ્‍બા, તેલના કુલ ૭૫૦ ડબ્‍બા ઉપરાંત ૧૦,૦૦૦ કિલો ચણાનો લોટ, ૮૦૦૦ કિલો ઘઉંનો લોટ, ૧૬૦૦૦ કિલો ખાંડ, ૧૧૦૦૦ કિલો ચોખા, ૫૫૦૦ કિલો તુવેરદાળ, ૬૦૦૦ કિલો અડદનો લોટ, ૨૫૦૦ કિલો મગફાડા, ૨૦૦૦ કિલો ખીચડિયા ચોખા ૧૪૦૦૦ કિલો શાક-ભાજી, ૨૫૦ કિલો કાજુ, ૧૫૦ કિલો બદામ, ૩૦૦ કિલો કિસમીસ, ૭૫ કિલો અડદિયાનો મસાલો, ૪૦ કિલો એલચી, ૧૨ કિલો જાવંગી, ૩૦૦૦ કિલો ચાની ભૂકી, ૭૦૦૦૦ લીટર દૂધ વપરાય તેવી ધારણા છે. સમગ્ર મહોત્‍સવ દરમિયાન કુલ ૧૫ લાખ ભાવિકો મહાપ્રસાદ લે તેવું અનુમાન છે.

અગ્રણીઓ કહે છે કે, રસોઈ વિભાગે જબ્‍બર આયોજન કર્યુ છે. ઈડરના સદ્‌ગુરૂ કેટરર્સના સંગાથે ભાવિકોને અલૌકિક સ્‍વાદ પ્રાપ્ત થશે. મહોત્‍સવ દરમિયાન ૨૪ કલાક ચા-પાણી મળશે. છ કેન્‍ટીન ગોઠવાઈ છે, જ્‍યાં અવિરત આ વિતરણ થશે. માત્ર આ માટે ૭૦,૦૦૦ લીટર દૂધ વપરાશે. આશ્રમમાં ભાવિકો માટેની ચા માં ક્‍યારેય પાણી ન નાખવા પૂ. બાપુની સૂચના છે. મહોત્‍સવમાં પણ ટનાટન ચા નો સ્‍વાદ મળશે.

રસોઈ વિભાગે ગજબનું આયોજન કર્યુ છે. ૧૫ મિનીટમાં ૪૦,૦૦૦ લોકો ભરપેટ ભોજન લઈ શકે તેવી વ્‍યવસ્‍થા ગોઠવાઈ છે. ભોજન ઉપરાંત મહોત્‍સવની પાણી સમિતિએ મહોત્‍સવના તમામ સ્‍થળે પાણી મળી રહે તેવી ગોઠવણ કરવામાં આવી છે. ૬૦૦૦ ફુટ પાઈપ લાઈન ગોઠવવામાં આવી છે... ૩૫ સ્‍થાને પીવાના પાણીના પરબ ઉભા કરાયા છે. તમામ સ્‍થાને વોટર સપ્‍લાય મળી રહે તેવું આયોજન છે. આશ્રમના બોરમાંથી પાણી વપરાશે. આ ઉપરાંત બે કૂવા સ્‍ટેન્‍ડ બાય રખાયા છે. પાણીના ઈમરજન્‍સી પોઈન્‍ટ પણ ગોઠવાયા છે. અચાનક વધારે પાણીની જરૂર પડે તો ઈમરજન્‍સી પોઈન્‍ટમાંથી મળી શકે છે.

સમગ્ર મહોત્‍સવમાં સેવા આપવા સેવકોએ ગજબનો ઉત્‍સાહ દેખાડયો છે. ૩૬૦૦ સ્‍વયંસેવકો સેવા આપનાર છે. ૧૦૦૦ સ્‍વયંસેવકો સટેન્‍ડબાય રખાયા છે.

રસોઈ વિભાગ દ્વારા પાંચ ફુટ મોટી એવી ૧૭ ચુલ નિર્માણ કરાઈ છે. ૭૦૦ ટ્રેકટર બળતણ લવાયું છે. ભોજન સ્‍થાને તૈયાર સામગ્રી લાવવા લઈ જવા ૭૦ મિનિ ટ્રેકટર ફરતા રહેશે.

વેણુ ડેમ-૨ ના કિનારે રમણીય સ્‍થાન પર બિરાજી રહેલા ગાયત્રી માતાજીના દિવ્‍ય સાનિધ્‍યમાં આયોજિત ઉત્‍સવમાં રોશનીનો અનોખો ઝળહળાટ જોવા મળશે. મહોત્‍સવ માટે ૪૦૦ કે.વી. લોડની માંગણી થઈ છે, ઉપરાંત ૭૦૦ કે.વી.ના જનરેટર પણ રખાયા છે.

૧૧૦૦ વીઘા જમીન પર રોશની ઝળહળશે. આ માટે ૧૦૦ ફૂટની એક એવી ૧૦ હજાર સીરીઝ ગોઠવવામાં આવી છે.

માતાજીનું મંદિર ભવ્‍યતાથી શણગારવામાં આવશે. ૩૦ ફૂટ ઉંચા બાવીસ લાઈટ ટાવર્સ ઉભા કરાશે. લાઈટીંગ દર્શનીય બનશે. આ ઉપરાંત સમગ્ર મહોત્‍સવ ૨૦ બાય ૧૦ ની સાઈઝના સાત એલ.ઈ.ડી. સ્‍ક્રીન પરથી પણ માણવા મળશે. જીટીપીએલ પરથી જીવંત પ્રસારણ પણ થનાર છે.

મહોત્‍સવની ધર્મસભા માટે મુખ્‍ય ડોમ ૨૫૦૦૦ ફૂટ એરિયાનો બનશે. દોઢ લાખ ફૂટ જમીન પર લાકડાના મંડપ ગોઠવાશે. ૧૦ લાખ ફૂટ જમીન પર કાર્પેટ બિછાવવામાં આવશે.

મહોત્‍સવમાં લાખો ભાવિકો ઉમટી પડનાર છે. આ માટે સુરક્ષાની પણ અદ્‌ભૂત વ્‍યવસ્‍થા રહેશે. ૨૫ ફૂટ ઉંચા વોચ ટાવર નિર્માણ કરાશે. ઉપરાંત સમગ્ર મહોત્‍સવ સ્‍થળને સીસીટીવી કેમેરાની નજર તળે આવરી લેવાશે.

મહોત્‍સવ દરમિયાન આરોગ્‍ય સમિતિ પણ સેવા આપશે. નામાંકિત તબીબો દ્વારા રાઉન્‍ડ ધ કલોક આરોગ્‍ય સેવાનું આયોજન થયું છે. કામચલાઉ હોસ્‍પીટલ નિર્માણ કરવામાં આવનાર છે. તા. ૧ થી ૪ સુધી ૨૪ કલાક સેવા ચાલુ રહેશે. આકસ્‍મિક સારવાર કેન્‍દ્રમાં દવા સાથે નિષ્‍ણાત તબીબોની સારવાર મળશે. આ ઉપરાંત હોસ્‍પીટલમાં દાખલ થવાની વ્‍યવસ્‍થા પણ રખાઈ છે. કોઈને વધારે સારવારની જરૂર હોય તો ૧૦૮ ઈમરજન્‍સી સેવા પણ સ્‍ટેન્‍ડબાય રખાઈ છે. આરોગ્‍ય સેવામાં તબીબોના માર્ગદર્શન હેઠળ સેવકો અને આરએસએસના સ્‍વયંસેવકો પણ સેવા આપશે.

મહોત્‍સવમાં પધારનારા ભાવિકોને પાર્કિંગની મુશ્‍કેલી ન પડે તે માટે અદભૂત આયોજન થયુ છે. પાર્કિંગ સમિતિએ ૫૦૦ વીઘા જમીન પર આ સુવિધા ગોઠવી છે. નાગવદર, ગધેથડ, કોલકી સાઈડ પાર્કિંગ સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સમિતિમાં તાલીમબદ્ધ ૫૦૦ સ્‍વયંસેવકો સેવા આપશે.

મહોત્‍સવ માટે એસ.ટી. વિભાગ દ્વારા વિશેષ આયોજન થયું છે. એસ.ટી. બસના બે વિશેષ ડેપો મહોત્‍સવ સ્‍થળે નિર્માણ કરાશે.

મહોત્‍સવમાં લાખો ભાવિકો ઉમટી પડનાર છે. આ માટે મોબાઈલ નેટવર્ક કંપનીઓ વોડાફોન, આઈડિયા, એરટેલ, જિયો દ્વારા ટાવર્સ ઉભા કરાઈ રહ્યા છે.

સમગ્ર મહોત્‍સવ દરમિયાન ૧૧૪ ગામોને ધૂમાડાબંધ આમંત્રણ અપાયું છે.

ગધેથડ ખાતે યોજાનાર મહોત્‍સવમાં આનંદ મેળાનું પણ ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. ઉપરાંત સાંસ્‍કૃતિક કાર્યક્રમોની પણ રમઝટ બોલશે. પૂ. લાલબાપુ તથા પૂ. રાજુ ભગતના ૨૧ મહિનાના અનુષ્‍ઠાન પૂર્ણ થવા પ્રસંગે સંતવાણી તથા ધર્મસભાના આયોજનો પણ કરવામાં આવ્‍યા છે. મહોત્‍સવ દરમિયાન તા. ૩ ના શનિવારે વિકલાંગો માટે કેલીપર્સ હાથ-પગનો કેમ્‍પ યોજાશે. તા. ૧ થી ૪ બાળકો માટે મસ્‍તીના ખજાના જેવો આનંદ મેળો થશે. તા. ૪ ના અંતિમ દિને સાંજે પાંચ વાગ્‍યે મુખ્‍ય સમારોહ આયોજિત થયો છે. પાંચ વાગ્‍યે અભિવાદન સમારોહ યોજાશે. ૫.૩૦ થી ૭.૦૦ વાગ્‍યા દરમિયાન ધર્મસભાનું આયોજન કરાયું છે. જેમાં ૨૧ મહિનાની ગહન મંત્ર સાધના બાદ સાધનાખંડમાંથી બહાર પધારીને ધર્મસભામાં આવશે. દર્શન તથા આશિર્વચન આપશે. આ દિવસે પૂ. લાલબાપુ તરફથી ઉપલેટા શહેર તથા તાલુકાના સમસ્‍ત ગામોમાં ગૌમાતાને નિરણ, કુતરાને લાડવા, પંખીને ચણ, કીડીને કીડિયારૂ, માછલીને બુંદીદાણા આપવાનું આયોજન થયું છે. ધર્મસભા બાદ સાંજે ૭.૩૦ વાગ્‍યે જામનગરની રાજ શકિત રાસ મંડળી દ્વારા ભવ્‍યાતીભવ્‍ય સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

તા. ૪ ના રાત્રે ૧૦ વાગ્‍યે સંતવાણીની અભૂતપૂર્વ રમઝટ બોલશે. નિરંજન પંડયા, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, ધીરૂભાઈ સરવૈયા, બ્રિજરાજદાન ગઢવી જમાવટ કરશે. નામાંકિત સંગીતકાર પંકજ ભટ્ટ અને તેનુ ગ્રુપ શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કરશે. ગેબી ધ્‍વનિ સાઉન્‍ડની સેવા પ્રાપ્‍ત થઈ છે. વેણુ-૨ ના કિનારે ભાવિકોનો અને અધ્‍યાત્‍મ આનંદનો દરિયો ઘુઘવશે.

(12:23 pm IST)