Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

મોરબીમાં રૂપિયાની ઉઘરાણી મામલે યુવાનનું અપહરણ કરનાર બંને શખ્‍સો રીમાન્‍ડ પર

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૦ : મોરબી શહેરના કંડલા બાયપાસ નજીક પૈસાની ઉઘરાણી મામલે યુવાનનું અપહરણ કરવાના ગુન્‍હામાં પકડાયેલ બંને શખ્‍સોને કોર્ટે એક દિ'ના રિમાન્‍ડ ઉપર સોંપવા હુકમ કર્યો છે.

મોરબીના સ્‍કાયમોલ ભારતનગરમાં રહેતા ચેતનભાઇ કાંતિલાલ બજાણીયાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં આરોપી યોગેશ કાસુન્‍દ્રા અને રઘો મેરજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્‍યું હતું કે ૨૦૧૦માં જીગ્નેશ પાસેથી ૩.૩૪ લાખ રૂપિયા લીધેલા હતા અને હજુ ૬૪,૦૦૦ આપવાના બાકી રહેલા છે. ત્‍યારે ગત ૧૪ જાન્‍યુઆરીના રોજ બપોરે ત્રણ વાગ્‍યાના અરસામાં ચેતનભાઇ ક્રિષ્‍ના હોટેલ પાસે કંડલા બાયપાસ રોડ ઉપર નાસ્‍તો કરવા માટે ઉભા હતા એ સમયે આરોપી યોગેશ અને રઘો આવ્‍યા હતા. જયાં આવીને યોગેશે કહ્યુંᅠ હતું કે,જીગ્નેશ કૈલાના ટાઇલ્‍સના ધંધાના નીકળતા રૂપિયા મારે બારોબાર લેવાના છે તું કેમ આપતો નથીશ્ન તેમ કહી મોટરસાયકલમાં બળજબરીથી ચેતનભાઇને બેસાડીને ક્રિષ્‍ના સ્‍કૂલની સામે આવેલ હરીદર્શન ફલેટ બી-૭૦૨ ખાતે લઈ ગયા. ત્‍યાં ચેતનભાઇને મોડી રાત સુધી બંને ઇસમોએ ચેતનભાઇને ધોકા વડે ઢોરમાર માર્યો હતો. અને ચેતનભાઇને ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત કર્યા હતા. ત્‍યારબાદ વહેલી સવારે મોટરસાયકલમાં યોગેશ તથા રઘો બંને ફલેટમાંથી બહાર નીકળી અને ચેતનભાઇને શનાળા રોડ પર લઈ ગયા. જયાં એક સફેદ કલરની ઇકો સ્‍પોર્ટ્‍સ ગાડી આવેલી અને તેમાં ચેતનભાઇને બેસાડીને શનાળા રોડ થી લક્ષ્મીવાસ પીપળીયા ચાર રસ્‍તાથી આગળ લઈ ગયેલા ત્‍યાં પ્રસંગ ચાલતો હોવાના કારણે ગાડી ઊભી રાખવી પડી. એ સમયે ચેતનભાઇએ લઘુશંકાનું બહાનું બતાવીને કારની બહાર નીકળ્‍યા હતા અને નજર ચુકાવીને ત્‍યાંથી નાસી ગયા હતા. જે બનાવ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી યોગેશ કાસુન્‍દ્રા અને આરોપી રઘો મેરજા એમ બે વિરૂદ્ધ અપહરણ અને મારામારીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને બંને આરોપીને ઝડપી લઈને એક દિવસના રિમાન્‍ડ મેળવ્‍યા હતા.

(1:50 pm IST)