Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

હળવદઃ 'જોગણી માં' પ્રીમિયર લીગમાં ઉમિયા ચેલેન્જર્સને ૧૩ રને હરાવી જય માતાજી ટીમ વિજેતા

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૨૦: શહેરમાં આવેલ જોગણી માંના મંદિર સામે હળવદ એચ.પી.એલ. ગ્રુપના સહયોગથી પ્રિમિયર લીગ-૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટ ૬ દિવસ ચાલી હતી. જેમાં હળવદની જુદી-જુદી ૧૦ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચ જય માતાજી અને ઉમીયા ચેલેન્જર્સ વચ્ચે રમાઈ હતી. જેમાં જય માતાજી ટીમનો ૧૩ રને ઝળહળતો વિજય થયો હતો.

ઘણા લાંબા સમય બાદ હળવદ ની ક્રિકેટ પ્રેમી જનતા માટે ડે ક્રિકેટ ટુર્નામેન્ટ હળવદ-ધાંગધ્રા રોડ પર આવેલ જોગણી માંના મંદિર સામે જોગણી માં પ્રિમિયર લીગ-૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું હતું. ૬ દિવસ રમાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની જુદી-જુદી ૧૦ ટીમોએ ભાગ લીધો હતો. જયારે ફાઇનલમાં જય માતાજી અને ઉમિયા ચેલેન્જર્સ ટીમ સામસામે ટકરાઈ હતી. જેમાં ટોસ જીતી જય માતાજી ટીમે પ્રથમ બેટિંગ કરી ઉમિયા ચેલેન્જર્સને ૭૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ઉમિયા ચેલેન્જર્સ ૫૮ રન જ બનાવી શકતા ટીમ ૧૩ રને હારી ગઇ હતી. વિજેતા થયેલ જય માતાજી ટીમને ૨૫ હજારનું રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી. તેમજ જય માતાજી ટીમના ખેલાડીઓ દ્વારા જીત હાંસલ કરવા બદલ ટીમના માલિક એ તમામને અભિનંદન આપ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જય માતાજી ટીમમાં દિનેશ ભરવાડે સરસ પ્રદર્શન કર્યું હતું. સાથે જ વિવેક પ્રજાપતી ને કલાસીસ બેસ્ટમેન, પ્રકાશ વાદ્યેલા કેપ્ટન અને કિશોર વૈષ્ણવ ને ફાઇનલ મેચમાં ૧૬ રન આપી મહત્વની ચાર વિકેટ ઝડપીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. હિતેશ સિંધવએ ૨૭ રન બનાવ્યા હતા, તે જય માતાજી ટીમ માટે ખૂબ મહત્વના રહ્યા હતા. ટુર્નામેન્ટ ની રનિંગ કોમેન્ટ્રી દિનેશ મકવાણા (સરપંચ ) એ આપી ને ભારે આકર્ષણ જમાવ્યું હતું.

(11:46 am IST)