Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

બગસરાનો યુવાન સી.એ.ની ફાઇનલ પરીક્ષામાં ગુજરાતમાં દ્વિતીય અને ઓલ ઇન્ડીયામાં ૨૯માં ક્રમે

બગસરા તા.૨૦ : બગસરાના સામાન્ય પરિવાર નો યુવાન સી.એ. ની ફાઈનલ  પરિક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી સમગ્ર ગુજરાતમાં દ્વિતીય ક્રમ મેળવતા  તેમના પરીવારમાં ખુશીનો માહોલ બન્યો છે. સમગ્ર પંથકમાંથી તેમના પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

ખત્રી પરિવારમાં રાજુભાઈ મેર ના પુત્ર કિશન હાલમાં આવેલા સી.એ. ની ફાઈનલ  પરિક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. કિશન ના પિતા રાજુભાઈ બગસરાના વિજય ચોક માં બૂક સ્ટોર ધરાવે છે તથા સાથે કુરિયરનું કામ કરે છે. કોમર્સની માસ્ટર ડીગ્રી ધરાવતા  રાજુભાઈ ના બે પુત્રો પૈકી મોટો પુત્ર કિશન પણ કોમર્સમાં રસ ધરાવતો હતો. પ્રાથમિક અને ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ બગસરામાં મેળવ્યું અને ધોરણ ૧૨ માં ૭૦ ટકા ગુણ મેળવ્યા બાદ તેમના મુંબઈ સ્થિત કાકા ના પુત્ર હાર્દિક જે પણ સી.એ. ની તૈયારી કરતો હતો તેની પાસે થી પ્રેરણા મેળવી આગળ અભ્યાસ માટે અમદાવાદ પહોચ્યો ત્યાં સી.એ ની તૈયારી શરુ કરી અને તનતોડ પ્રયત્ન કરીને સી.એ ની તમામ પરિક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી અને સી.એ ફાઈનલના તાજેતરના આવેલા પરિણામ માં તેણે સમગ્ર ગુજરાતમાં દ્વિતીય તથા ઓલ ઇન્ડિયામાં ૨૯મો રેન્ક મેળવ્યો છે.

(11:24 am IST)