Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

પ્રથમ મહિલા ધારાસભ્ય બનતા ગીતાબા જાડેજાઃ વઘાસીયા સહિત ૧૦ ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ

હાર્દિક પટેલની સક્રિયતા અને પાટીદારોનું વર્ચસ્વ છતા ગોંડલમાં ભાજપનો પ્રભાવ : માજી ધારાસભ્ય ચંદુભાઈને ૨૦૮ જ મત મળ્યાઃ સૌરાષ્ટ્રની હાઈપ્રોફાઈલ બેઠક ઉપર જાડેજા પરિવારનો દબદબો

ગોંડલ વિધાનસભાની ચૂંટણીમાં ગીતાબા જયરાજસિંહ જાડેજાના ઘરે સમર્થકો ઉમટી પડયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

 ગોંડલ, તા. ૧૯ :. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા કાનૂની વિવાદમાં સપડાતા સૌરાષ્ટ્રની નજર બે બેઠક ઉપર હતી તે હાઈપ્રોફાઈલ ગોંડલ વિધાનસભાની બેઠક ઉપર જયરાજસિંહના પત્નિ ગીતાબા જાડેજાનો જ્વલંત વિજય થતા અનેક ચડાવ-ઉતાર વચ્ચે ગોંડલ પંથકમાં ભાજપે પોતાનો ગઢ સાંચવી રાખવામાં સફળતા મેળવી છે. ગીતાબાનો વિજય નિશ્ચિત હોય તેમ ભાજપના સમર્થકો વહેલી સવારથી જ શહેરમાં ઠેર ઠેર ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવતા શહેર જીતના રંગે રંગાયુ હતુ. બીજી બાજુ ગીતાબા જાડેજા ગોંડલના પ્રથમ મહિલા ધારાસભ્ય બન્યા છે.

કાંટે કી ટક્કર સમી ગોંડલ બેઠક ઉપર ભાજપના ગીતાબા જાડેજાનો ૧૫૩૯૭ની લીડથી વટભેર વિજય થયો છે. તેમને ૭૦૫૦૬ મત મળ્યા છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધિ કોંગ્રેસના અર્જુનભાઈ ખાટરીયાને ૫૫૧૦૯ મત મળતા તેમનો ૧૫૩૯૭ મતથી પરાજય થવા પામ્યો છે. ભાજપના ગીતાબાએ પોતાના પતિની આ બેઠક જાળવી રાખવામાં શાનદાર સફળતા મેળવી છે. જયરાજસિંહ જાડેજા છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક ઉપર ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યા છે.

ચૂંટણીમાં એનસીપીના બેનર ઉપર ઉમેદવારી કરનાર નગરપાલિકાના વિપક્ષી નેતા ઓમદેવસિંહ જોડજાના ૬૦૦૪ મત મળતા રકાસ થવા પામ્યો છે તેઓ ડીપોઝીટ બચાવવામાં પણ સફળ રહ્યા નથી એ જ રીતે આમ આદમી પાર્ટીના બહુ ગાજેલા નીમીષાબેન ખુંટને માત્ર ૨૧૭૯ મત મળતા તેમની પણ ડીપોઝીટ ડુલ થવા પામી છે. સૌથી વધુ કરૂણ રકાસ પૂર્વ ધારાસબ્ય ચંદુભાઈ વઘાસીયાનો થવા પામ્યો છે. તેમને માત્ર ૨૦૮ મત મળતા પરાજય થવા પામ્યો છે. આ સિવાય અન્ય સાત ઉમેદવારો પણ કારમાં પરાજય સાથે પોતાની ડીપોઝીટ ગુમાવી છે. પત્રકાર અને લઘુ અખબારના તંત્રી ઋષિકેશ પંડયાએ કલમ છોડી ચૂંટણી લડી હતી પરંતુ તેમને માત્ર ૧૫૫ મત મળતા કારમી હાર સ્વીકારવી પડી છે.

ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાનો વિજય થતા તેઓ સૌ પ્રથમ ગોંડલ આશાપુરા માતાજીના મંદિરે દર્શને પહોંચ્યા હતા બાદમાં અક્ષર મંદિરે શિશ ઝુકાવી નિવાસ સ્થાનેથી વિજય સરઘસ નિકળવા પામ્યુ હતુ. લોકોએ ઠેર ઠેર ગીતાબાને ફુલડેથી વધાવી વિજયના વધામણા આવ્યા હતા. સાંજે માંડવી ચોકમાં ગીતાબાએ જાહેરસભા સંબોધી સૌનો આભાર વ્યકત કર્યો હતો.

સૌરાષ્ટ્રની હાઈપ્રોફાઈલ ગણાતી ગોંડલ બેઠક ઉપર ૧૩૯૯૫નું મતદાન થવા પામ્યુ હતું. ગીતાબાને ગોંડલ શહેરમાંથી ૧૧૩૫૫ તથા ગ્રામ્યમાંથી ૪૦૪૨ મતોની સરસાઈ મળી છે.

અન્ય ઉમેદવારો પૈકી એનસીપીના ઓમદેવસિંહ જાડેજાને ૬૦૦૪, આમ આદમી પાર્ટીના નિમીષા ખુંટને ૨૧૭૯ બહુજન સમાજ પાર્ટીના રાજુભાઈ સખીયાને ૧૨૧૦ લાવડીયા ઉગાભાઈને ૭૯૧, વરધાણી મુકેશભાઈને ૪૮૧, રાદડીયા ચિરાગભાઈને ૨૮૪, ખાટરીયા ધર્મેશભાઈને ૧૮૧, વાડોદરીયા જયેશકુમારને ૧૭૨ તથા મળતા ભાજપ કોંગ્રેસને બાદ કરતા તમામ ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી છે.

ગોંડલની બેઠક માટે પાસ કન્વીનર હાર્દિક પટેલ સતત સક્રિય હોય તેના ગોંડલ પંથકમાં અનેક રોડ શો થયા હતા. ભાજપેને ઉખેડી ફેંકી દેવા તેણે હાકલ કરી કોંગ્રેસને ખુલ્લુ સમર્થન આપ્યુ હોવા છતા ભાજપને જ્વલંત વિજય મળ્યો છે. પાટીદાર મતદારોએ પણ હાર્દીક પટેલને દુર રાખી ભાજપ અને જયરાજસિંહને સમર્થન આપ્યાનું પરિણામો જોતા સ્પષ્ટ થવા પામ્યુ છે.

બીજી બાજુ જયરાજસિંહ જાડેજા હાઈકોર્ટ દ્વારા નિલેશ રૈયાણી હત્યા કેસના કસુરવાન ઠર્યા હોય અને સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત બહાર રહેવાની શરતે તેમને રેગ્યુલર જામીન મળ્યા હોય તેમની ગેરહાજરીમાં જાહેર જીવનથી અલિપ્ત ગૃહિણી તેમના પત્નિ ગીતાબાને વિજય અપાવવા અને ભાજપનો ગઢ જાળવી રાખવા ભાજપના જયંતીભાઈ ઢોલ, રમેશભાઈ ધડુક, હરદેવસિંહ જાડેજા સહિત ગોંડલ પંથકમાં ભાજપનો ગઢ યથાવત અજેય રહેવા પામ્યો છે.

જાહેર જીવનમાં જાડેજા પરિવારનો દબદબો

 ગોંડલ તા. ૧૯: ગોંડલના જાહેર જીવન અને રાજકીય ક્ષેત્રે જયરાજસિંહ જાડેજા પરીવારનો  દબદબો બરકરાર રહેવા પામ્યો છે. ઐ એક એવુ પરિવાર કહી શકાય જે અંગત નહી પણ જાહેર જીવન મય બની શકયું.

જયરાજસિંહના પિતા સ્વ. ટેમુભા જાડેજા કોટડાસાંગાણી પંથકના અગ્રણી કોંગ્રેસી આગેવાન હતા તેઓ કોટડા તાલુકાના પંચાયતના પ્રમુખપદે પણ રહી ચુકયા હતા દુષ્કાળની પરીસ્થિતિ વેળા ટેમુભા જાડેજાની શરૂઆત ગોંડલ નાગરીક બેન્કના ડીરેકટર બની કરી હતી. ૧૯૯૮ ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપે તેમને ગોંડલની ટીટીક ફાળવતાતે બહુમતથી જીત્યા હતા બાદમાંં ર૦૦રમાં ભાજપે જયરાજસિંહને ફરી સર કર્યા અને તેઓફરી વિજેતા બન્યા પરંતુ તે પછીના વર્ષોમાં ગોંડલનું રાજકારણ રકત રંજીત બનતા જેલવાસને કારણે ર૦૦૭ ની ચુંટણી તેઓ માત્ર ૪૪પ મતની નજીવી સરસાઇથી પરાજીત બન્યા હતા જયારે ર૦૧રમાં ભાજપે સતત ચોથી ટર્મ માટેરીપીટ કરતા જીપીપીના ગોરધન ઝડફીયા જેવા ધરખમ ઉમેદવાર સામે ૧૯૭૦૦ની સન્માનીય લીડથી વિજેતા બન્યા હતા.

હાલની વિધાનસભા ચુંટણી પૂર્વેજ તેવો કાનુની વિવાદમાં સપડાતા અને કોર્ટ દ્વારા ચુંટણી લડવા અમાન્ય કરતા ભાજપે સરળ વ્યકિતત્વ ધરાવતા ગૃહીણી તેમના પત્નિ ગીતાબાને મેદાનમાં ઉતાર્યા. પરંતુ ચમત્કાર જ ગણો કે કયારેય જાહેર જીવનની કલ્પના સુધ્ધા નહીં કરનાર ગીતાબા માતબર સરસાઇ સાથે ચુંટાઇ પતિના નકશે કદમ ધારાસભ્ય બન્યા એટલું જ નહીં ગોંડલના પ્રથમ મહિલા ધારાસભ્ય બનવાનું બહુમાન પણ મેળવ્યું છે. સૌરાષ્ટ્રના બહાર પડેલા પરિણામો જોતા જ્ઞાતિના સમીકરણ મુજબ ક્ષત્રીય અને મહિલા ધારાસભ્યના કવોટા મુજબ ગીતાબાનો મંત્રી મંડળમાં સમાવેશ કરાય તો નવાઇ જેવું નહીં કહેવાય.

જયરાજસિંહનાં લઘુબંધુ હરદેવસિંહ જાડેજા સતત ત્રણ ટર્મથી ગોંડલ તાલુકા પંચાયતમાં ચુંટાઇને બબ્બે વખત ઉપપ્રમુખપદે રહી ચુકયા છે. ગીતાબા જાડેજા એ તમામ મતદારો કાર્યકરોનો આભાર વ્યકત કરતા કહ્યું હતું કે પ્રજાકીય કામો માટે અમારા વિલાના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે. ભાજપ અગ્રણી જયંતીભાઇ ઢોલે જણાવ્યું હતું કે માંડવી ચોકમાં માતાજીના મંદિર અને મસ્જીદ સામે કસમ ખાઇએ છીએ કે ગોંડલને સર ભગવતસિંહજીની સુંદર નગરી બનાવી ને જ રહીશું હજુ પણ ર૧ર રોડ સિમેન્ટના બનાવવાના છે. આ સરકાર દ્વારા સૌથી યોજના થકી વેરી તળાવ અને ભાદર ડેમ ભરવામાં આવશે આ જીત માત્ર ભાજપની નથી આ ગોંડલ શહેર અને તાલુકાની જનતાની જીત છે. જયરાજસિંહ જાડેજાના ભાઇ હરદેવસિંહ જાડેજા એ પણ સર્વેનો આભાર માન્યો હતો.

(3:20 pm IST)