Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારોની ભુખ હડતાલ

પાકિસ્તાન સરકાર સાથે આવતીકાલે ભારતીય એમ્બેસીની ચોથી વખત મીટીંગ મળશેઃપાક જેલમાં કેટલાક ભારતીય માછીમારો ચારથી પાંચ વર્ષથી બીમારઃ પુરતી સારવાર કે જમવા માટે કોઇ ભાવ પુછતુ નથીઃ મોટાભાગના માછીમારોએ ખાવાનું છોડી દીધું : એમ્બીસી સાથેની અત્યાર સુધીની મીટીંગોમાં કોઇ ઉકેલ આવ્યો નથીઃ પાકિસ્તાનની જેલમાં રહેલ એક ભારતીય માછીમારે કોઇ સેવાભાવી અગ્રણીની મદદથી પોરબંદર પંથકના આગેવાનને પાક જેલમાં ભારતીય કેદીઓની ફોન ઉપર વ્યથા રજુ કરતી ઓડીયો કલીપ સોશ્યલ મીડીયામાં વાયરલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૯: પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળ સીમાએ વારંવાર અપહરણ કરીને પાકિસ્તાનની જેલમાં રાખેલા ભારતીય માછીમારોની પુરતી સંભાળ લેવામાં આવતી ન હોય તેમજ પાકિસ્તાન જેલમાં મોટા ભાગના  ભારતીય માછીમારો બીમાર હાલતમાં અને તેઓને પુરતુ ખાવાનું ન અપાતુ હોય તથા પાકિસ્તાનની જેલમાં મોટાભાગના માછીમારોએ જે ખાવાનું  મળે તે  પણ ખાવાનું   છોડી દીધાનું  અને માછીમારોની અન્ય વ્યથા સંભળાવતી   ઓડીયો કલીપ  સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ છે.

પાકિસ્તાનની જેલના ભારતીય માછીમારોએ કોઇ સેવાભાવી અગ્રણીની મદદથી પોરબંદર પંથકના કોઇ માછીમાર આગેવાનને કરેલ ફોનની ઓડીયો કલીપમાં  ભારતીય માછીમારે જણાવેલ કે આવતીકાલે પાકિસ્તાન સરકાર સાથે ભારતીય એમ્બેસી  માછીમારોના પ્રશ્ને ચર્ચા કરશે. ત્યારે પાકિસ્તાન જેલમાં બંધ ભારતીય માછીમારોની દયનીય હાલત  અંગે તપાસ તથા તેમના પ્રશ્નોના ઉકેલ  આવે તેવી માંગણી કરાઇ રહી છે.

આ ઓડીયો કલીપમાં ભારતીય માછીમાર કેદીએ પોતાની પીડા રજુ કરતા જણાવેલ કે આવતીકાલે મળનાર પાકિસ્તાન સરકાર સાથે ભારતીય એમ્બેસી સાથેની આ ચોથી મીટીંગ છે.  અત્યાર સુધીની આવી મીટીંગોમાં પાકિસ્તાન જેલમાં રહેલા ભારતીય માછીમારોના પ્રશ્નો અંગે કોઇ ઉકેલ આવ્યો નથી. પાકિસ્તાન જેલમાં ભારતીય માછીમારોની હાલત વિશે કોઇ પુછવા આવતુ નથી. પાકિસ્તાનની જેલમાં મોટા ભાગના ભારતીય માછીમારો બિમાર છે અને તેમને પુરતુ ખાવાનું અપાતુ નથી. આવી હાલતમાં કેટલાક માછીમારોએ જે ખાવાનુ મળે તે ખાવાનું પણ છોડી દીધું છે. અત્યાર સુધી  ભારતીય એમ્બેસી સાથે પાકિસ્તાન સરકારની  ચર્ચા બાદ  જેલમાં બંધ  ભારતીય માછીમારોની હાલત સુધારવા માત્ર આશ્વાસનો અપાયા છે.

આ ઓડીયો કલીપ સાંભળીને કોઇ માછીમાર આગેવાન અમારી મદદ માટે આગળ આવે અને સરકારમાં રજુઆત કરે તેવી આજીજી પાકિસ્તાનની જેલમાં રહેલ ભારતીય માછીમાર કરી રહેલ  છે.

(1:59 pm IST)