Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

કેશોદના બડોદરમાં રાજ્‍ય મંત્રીની ઉપસ્‍થિતિમાં વડાપ્રધાનના જન્‍મદિવસે કોંગ્રેસના કાંગરા ખર્યા

આઝાદીના સમયથી કોંગ્રેસનો ગઢ ગણવામાં આવતાં બડોદર ગામવાસીઓ એ સામુહિક ભગવો ધારણ કર્યો

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૧૯ : કેશોદના ધારાસભ્‍ય અને ગુજરાત રાજ્‍ય સરકારનાં પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમની ઉપસ્‍થિતિમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિવસે આઝાદીના સમયથી કોંગ્રેસનો ગઢ ગણવામાં આવતાં બડોદર ગામવાસીઓ એ સામુહિક ભગવો ધારણ કરી લેતાં રાજકીય ભુકંપ સર્જાયો છે. કેશોદના નાનકડાં એવાં બડોદર ગામે આઝાદી વખત થી ભીમબાપુ વાળા પરિવારનો રાજકીય દબદબો રહ્યો હતો અને એક સમયે પુર્વ વડા-પ્રધાન સ્‍વ ઈંદિરા ગાંધી ભીમબાપુ વાળાની મુલાકાતે આવ્‍યા હતાં. આવનારાં દિવસોમાં ધારાસભાની ચૂંટણી યોજાવાની છે ત્‍યારે કેશોદ તાલુકાનાં બડોદર ગામે ભીમબાપુ વાળા પરિવાર સહિત ગામવાસીઓ ભાજપ પક્ષમાં જોડાઈ જતાં જેની આંતરિક અસર ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઉપરાંત કેશોદ શહેરી વિસ્‍તારમાં પણ પડશે એવું રાજકીય નિષ્‍ણાંતોનું અનુમાન છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસે બડોદર ગામનાં રાજકીય, સહકારી અને સામાજિક આગેવાનો ભાજપ પ્રવેશ કરતાં ભવ્‍ય કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો જેમાં પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ, હરદેવસિંહ રાયજાદા સહિતના પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં અને કાર્યક્રમ પુર્ણ થયા બાદ સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કેશોદ ના બડોદર ગામવાસીઓ ભાજપ પક્ષમાં જોડાઈ જતાં કોંગ્રેસ પક્ષનાં ગ્રામ્‍ય વિસ્‍તારના પદાધિકારીઓ અંધારામાં ઝડપાયાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

(1:47 pm IST)