Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

૩૦ વર્ષનો લાલજી અને તેનો ૫ વર્ષનો પુત્ર અમિત તેના જ ટેમ્‍પોમાં ભેદી રીતે જીવતા ભુંજાયાઃ હત્‍યાનો આક્ષેપ

ચોટીલાના ચિરાડાનો યુવાન સાયલાના નવાગામમાં પિયરે ગયેલી પત્‍નિને તેડવા ગયો ત્‍યારે સસરા પક્ષની વાડીમાં બનાવ : સીએનજીથી ચાલતા વાહનમાં ઓચીંતી આગ ભભૂક્‍યાનું પોલીસનું પ્રાથમિક તારણઃ મૃતકના પિતા મોતીભાઇ ખોરાણીએ શંકા દર્શાવતાં મૃતદેહોને રાજકોટ ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડાયાઃ તેણે કહ્યું-હું ત્‍યાં જવાની ના પાડતો હતો છતાં તે પુત્રને લઇને ગયો ને બંનેના ભેદી મોત થયા

ભેદી આગમાં ભડથું થઇ ગયેલા પિતા-પુત્ર અને જે રીતે તેની લાશ તેના જ ટેમ્‍પો વાહનમાંથી મળી તે જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૯: ચોટીલાના ચીરોડાના કોળી યુવાન લાલજી ઉર્ફ લાલો મોતીભાઇ ખોરાણી (ઉ.વ.૩૦) અને તેનો પુત્ર અમિત ઉર્ફ ભદો લાલજી ખોરાણી (ઉ.વ.૦૫)ને પોતાના માલવાહક ટેમ્‍પોમાં લઇ પોતાના સાસરિયે સાયલના નવાગામે ગયા બાદ ત્‍યાં સસરા પક્ષની વાડીમાં પોતાના જ ટેમ્‍પોમાં લાગેલી ભેદી આગમાં પુત્ર સાથે જીવતો ભુંજાઇ જતાં બંનેના મૃહદેહ ભડથું થઇ ગયા હતાં. સીએનજીથી ચાલતાં આ વાહનમાં શોર્ટ સરકિટને લીધે આગ ભભૂકતાં બંને અંદર ભુંજાઇ ગયાની પ્રાથમિક વિગતો પોલીસ મથકેથી જાહેર થઇ હતી. પરંતુ લાલજી ઉર્ફ લાલાના પિતા મોતીભાઇ ખોરાણીએ આ બનાવ હત્‍યાનો હોવાની શંકા દર્શાવતા બંને મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

ચીરોડા રહેતાં અને ખેત મજૂરી કરતાં મોતીભાઇ ખોરાણીએ રાજકોટ હોસ્‍પિટલ ખાતે વિગતો આપતાં જણાવ્‍યું હતું કે મારે સંતાનમાં બે દિકરા છે. જેમાં લાલજી ઉર્ફ લાલો મોટો હતો. તેના લગ્ન નવેક વર્ષ પહેલા સાયલાના વજાભાઇ સામાભાઇ બાવળીયાની દિકરી મનિષા સાથે થયા હતાં. તેને સંતાનમાં એક પુત્ર અમિત ઉર્ફ ભદો (ઉ.૫) અને પુત્રી ઇલા (ઉ.૭) છે. લાલજીની પત્‍નિ મનિષા બે દિવસ પહેલા તેના માવતરે પિતાના શ્રાધ્‍ધ માટે ગઇ હતી. જેમાં મારો દિકરો લાલજી કામને લીધે જઇ શક્‍યો નહોતો. લાલજી પોતાના ટેમ્‍પો વાહનમાં આસપાસના ગામોમાં પાનની, કરિયાણાની દૂકાનોમાં સોડા બોટલ સપ્‍લાય કરવાનું કામ કરતો હતો.

ગઇકાલે તે સોડા બોટલની સપ્‍લાય કરવા જવાનો હતો અને સાથો સાથ પોતાની પત્‍નિને તેડવા જવાનું કહીને સવારે ઘરેથી તેનો ટેમ્‍પો લઇને નીકળ્‍યો હતો. દિકરા અમિત (ભદા)ને રવિવારે રજા હોઇ તે પણ જીદ કરીને પિતા લાલજી (લાલા) સાથે ટેમ્‍પોમાં બેસી ગયો હતો અને સાથે ગયો હતો. એ પછી સવારે સાડા અગિયારેક વાગ્‍યે અમને ફોન આવ્‍યો હતો હતો કે મારો દિકરો લાલજી અને પોૈત્ર અમિતના નવાગામ લાલજીના સસરા પક્ષની વાડીએ ટેમ્‍પો વાહનમાં આગ લાગવાથી   મોતને ભેટયા છે. બાપ દિકરો બંને આગમાં ભડથું થઇ ગયાની ખબર પડતાં જ અમે બધા નવાગામ પહોંચ્‍યા હતાં. જ્‍યાં અમને ટેમ્‍પો વાહનનો આગળનો બોડીનો ભાગ સળગેલો અને મારા દિકરા તથા પોૈત્રના તેમાં જ ભડથું થઇ ગયેલા મૃતદેહ મળ્‍યા હતાં.

અમને પ્રારંભીક રીતે એવું કહેવાયું હતું કે સીએનજીથી ચાલતાં આ ટેમ્‍પો વાહનમાં કોઇપણ કારણોસર ઓચીંતી આગ લાગી હતી. મારો દિકરો અને પોૈત્ર વાહન ઉભી રાખી ઉતરે એ પહેલા જ આગ ભભૂકી ઉઠતાં બંને ભડથું થઇ ગયા હતાં.   જો કે આ વાત અમને ગળે ઉતરતી નથી. શોર્ટ સરકિટ થયા હોય તો પણ બંને બહાર ઉતરીને બચવાનો પ્રયાસ તો કરે જ. મોતીભાઇએ આક્ષેપો સાથે કહ્યું હતું કે મારા દિકરા અને પોૈત્રને કોઇપણ કારણોસર કોઇએ કાવત્રુ ઘડી જીવતા સળગાવી માર્યા છે. મોતીભાઇના આ આક્ષેપને પગલે બંને મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ બાદ સાયલા પોલીસ આગળ તપાસ કરશે. આ ઘટનાથી ચીરોડા અને નવાગામમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. ભેદી રીતે પિતા-પુત્ર ભુંજાઇ જવાની ઘટના ખરેખર કઇ રીતે બની? તેની તપાસ પોલીસે યથાવત રાખી છે. પીએસઆઇ એમ. કે. ઇશરાણી અને સ્‍ટાફ વધુ તપાસ  કરે છે.

(11:04 am IST)